Wednesday, September 24, 2014

લાઘવનું સૌંદર્ય – સમક્ષ


કચ્છ એક એવો જીલ્લો છે કે જે બધી રીતનું વૈવિધ્ય ધરાવે છે. સંસ્કૃતિ, સંગીત, કળા, સાહિત્ય- ગમે તેની વાત કરીએ, કચ્છની એક આગવી ઓળખ છે. તેમાં પણ ખાસ કરીને સાહિત્યની વાત કરીએ તો કવિતા હોય કે નાટક, વિવેચન, વાર્તા, કે પછી અનુવાદ, કચ્છી ને ગુજરાતીના સમર્થ લોકોથી કચ્છ શોભે છે.કચ્છ, ગુજરાત અને ગુજરાત બહાર પણ કચ્છની યશપતાકા ફરકાવનારા સાહિત્યકારો કચ્છમાં વસે છે.  
            સિદ્ધહસ્ત કવિઓ પણ કચ્છની પરંપરામાં છે. દરેક ગુજરાતી સામયિક કે સમાચારપત્રમાં કચ્છના કવિઓની હાજરી હોય જ છે. કેટલાય કવિઓ અને કાવ્યસંગ્રહો વિવિધ પારિતોષિક વિજેતા બની ચૂક્યા છે. અન્ય ભાષાઓના કાવ્યોના ભાવવાહી ગુજરાતી અનુવાદો પણ કચ્છે આપ્યા છે.
       અહીં જે કવિની વાત કરવી છે, તેમનાં લઘુકાવ્યોથી બધાં પરિચિત છે. ખ્વાબ ઉપનામથી સુંદર રચનાઓ લખતા શ્રી મદનકુમાર અંજારિયાના એક કાવ્યસંગ્રહ સમક્ષનો નાનકડો પરિચય આપવાની કોશિશ કરી છે.  
            કવિ ભલેને એમ કહેતા હોય કે હું સક્ષમ નથી, સમક્ષ છું. પણ આપણને આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી એ વાતની ખાતરી થઈ જાય છે કે એ સમક્ષ પણ છે અને સક્ષમ પણ. એમની રચનાઓ જ આ બેય વાતની સાક્ષી પૂરે છે. નાનીનાની સુંદર ભાવવાહી રચનાઓથી સક્ષમ બનેલો આ કાવ્યસંગ્રહ, અનેક વાસ્તવિકતાઓને આપણી સમક્ષ અનેરી છટાથી મૂકે છે.  
            સહુથી આકર્ષક હોય તો તે છે શીર્ષકો. એક કે બે શબ્દોથી રચાયેલી ચારથી પાંચ લીટીની નાનકડી રચનાઓનાં મોટેભાગે એક એક શબ્દનાં શીર્ષક જ એટલાં સરસ છે કે આખી રચના વાંચ્યા પછી, ફરીથી એ શીર્ષકને તે રચનાના સંદર્ભમાં વાંચવાનું મન થઇ જાય. ત્યારે શીર્ષકની પછી નવી જ અર્થછાયા સ્પષ્ટ થાય અને રચનાનો પણ નવો જ અર્થ સમજાય.
આવાં થોડાં ઉદાહરણ જોઈએ તો :

કાતરનાં એક પાનાંએ
બીજાં પાનાંને કહ્યું :
ટેરવાની મર્યાદાનું
ઉલ્લંઘન કરનાર
નખને
કપાવું પડે છે.
 આ રચનાનું શીર્ષક છે : સજા.

આમ તો મને
પાંખોય હતી !
પણ
એની જાણ તો
છેક ત્યારે થઇ
જ્યારે
ઊડી ગયું
પ્રાણ પંખેરૂ !

આ રચનાનું શીર્ષક કલ્પી શકાય કે? શીર્ષક છે : નિરર્થક.
            આમ તો માનવજાતના કહેવાતા વિકાસના, પણ ખરેખર તો વર્તમાન સમસ્યાઓને રજૂ કરતી રચનાઓ પણ ખૂબ ચોટદાર છે.જેમ કે,  

સાંભળ્યું છે કે
માંદી હવાને
ઓક્સિજન પર
રાખવી પડી છે !
આ લઘુકાવ્યનું શીર્ષક છે : પ્રદૂષણ.

જમીનને
કાગળિયાના જોરે
બિનખેતીમાં ફેરવીને
ત્યાં બનાવેલા
આલિશાન મકાનની
અગાસી પર
તેઓ બનાવે છે
ટેરેસ ગાર્ડન !
કચ્છની જ વર્તમાન હાલતને છતી કરતી આ રચનાનું શીર્ષક છે : પ્રાયશ્ચિત.

            શીર્ષક તો સ-રસ છે જ, સાથે આ લઘુકાવ્યોમાં કવિએ જીવનની કરૂણતા અને વાસ્તવિકતાઓને પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. જેમ કે આ એક હાઈકુ.
ભરેલ તોયે
ખાલી પેટે,રઝળે
રાંક સગર્ભા !

અને વિકાસ શીર્ષકની આ રચના :

ગંઠાઈ જવાનો ગુણ
લોહી સુધી
સીમિત હતો,
જે હવે પહોંચી ગયો છે
લાગણી સુધી.

            વળી, કવિ એ પણ જાણે છે કે માનવજાતનું ભવિષ્ય શું હશે. એટલે જ તેઓ આગાહી નામની રચનામાં કહે છે કે ગઇકાલ સુધી ખેતી, હિસાબ, આયોજન જેવાં કામ તું જ કરતો હતો. તારા વતી હવે એ બધું યંત્ર કરે છે.  આવતીકાલે તારા વતી યંત્રો વિચારશે, ચિંતા અને પ્રેમ પણ યંત્રો જ કરશે. ગઈ કાલ અને આજની આવી ઘટનાનાં પરિણામની આગાહી કરતાં કવિ કહે છે કે પરમ દિવસે તારા બદલે જીવશે પણ યંત્રો. યંત્રની જેમ જીવતા માનવને જોઈને લાગે જ છે કે કવિની આગાહી સાચી પડી ચૂકી છે.
            પ્રશ્ન નામની એક રચનામાં પણ કવિને એ જ પૂછવું છે કે સંગીતમાંથી સંગીત બાદ થાય તો શેષ વધે શાંતિ, હાજરીમાંથી હાજરી બાદ થાય તો શેષ વધે એકાંત, રકમમાંથી રકમ બાદ થાય તો શેષ વધે શૂન્ય. આટલે સુધી તો બરાબર, પણ મૂળ પ્રશ્ન એ છે કે માણસમાંથી માણસ બાદ થાય તો શેષ શા માટે વધતો હોય છે રાક્ષસ?
       તે જ રીતે ખોખલી માન્યતાઓ અને દંભ ઉપર આકરો પ્રહાર કરતી આં રચના :
                                      ચામડાંનાં પગરખાં
                                        બહાર ઉતારી
                                        મંદિરમાં પ્રવેશું છું.
   જન્મજાત ચામડે મઢેલો હું !

            અનધિકૃતજેવું ખૂબ જ અર્થપૂર્ણ શીર્ષક ધરાવતી આ રચના આજના કહેવાતા વિકસિત સમયમાં પણ કેટલી વાસ્તવિક છે ! રાવણ નામની રચના દ્વારા પણ આવી જ વાત કવિ મૂકે છે :

આપણામાંથી
કોઈને પણ
દશ માથાં નથી,
તો શું થયું !
સવાલ માથાંનો નથી,
મથરાવટીનો છે.  

            માણસના રાવણપણાને છતું કરતી એક અન્ય રચના છે :

રાવણ જેવા નહિ,
માણસ જેવા ઈરાદે,
સમજણની સીતાનું
અપહરણ કરી જાય છે..
લંકાના રાવણ કરતાં
વધુ ભયંકર છે
શંકાનો રાવણ !

            અને માણસનો જ વધુ પરિચય આપતી એક બીજી રચના કંઈક આવી વાત કહે છે :
આપણી એક જ ફૂંક
દીવા જેવા દીવાને
હોલવી નાખે છે !
ભીતરમાં આપણે
ભરી બેઠા છીએ
કેટલું બધું અંધારું!
            અશક્ય નામની રચનામાં કવિ કહે છે :
ઘરમાં
ગાય પાળવાનું
નક્કી કરનારો હું
કામધેનુ એપાર્ટમેન્ટના
સાતમા માળે રહું છું!

            કેટકેટલા મહાન આત્માઓ આપણને સુધારવા પોતાના જીવનની આહુતિ આપી ગયા. ફરક પડ્યો છે કંઈ? તો હજુ પણ નામની રચનામાં કવિ વાસ્તવિકતા બતાવતાં કહે છે :

ઈસુની છબી
ભીંતે ટાંગવા માટેય
હું
ભીંતમાં
ઠોકી રહ્યો છું
ખીલો!

            અહિંસા નામની રચનામાં કવિ સરસ સંદેશ આપે છે :
એક કાંકરે
બે પક્ષી મારવાં..
- એ કહેવતનો
દુરુપયોગ કરનારને
ક્યાંથી સમજાય
કે-
એક પણ કાંકરો
માર્યા વગર
જીવાડી શકાય છે
બધાં પક્ષીઓને.

            આપણી આંખ એ આપણા માટે દુનિયાને જોવાની બારી છે. કહેવાય છે ને કે સારું કે ખરાબ કંઈ હોતું નથી, આપણી દ્રષ્ટિ એને એવો અર્થ આપે છે. કવિ બે સરસ રચનાઓમાં આવી જ વાત કહે છે :

આંખોની
તકલીફના કારણે
છેવટે
વિશ્વ અસ્પષ્ટ
દેખાવા લાગ્યું,
છેક ત્યારે
એ સમજ સાંપડી
કે
વિશ્વ
હકીકતમાં
અસ્પષ્ટ નથી.

સ્પષ્ટતા શીર્ષક ધરાવતી આ રચના અને ઉપકાર શીર્ષકની આ રચના દરેકને આત્મમંથન કરવા પ્રેરે છે :

પ્રભુ !
મારી આંખોને
તેં નબળી પાડી;
એ બદલ પણ
તારો ઋણી છું !
કેમ કે -
યુવાન હતો, ત્યારે
સારી જગ્યાઓનેય
આમાં શું જોવાનું છે!
-કહીને ટાળતો હું,
આજે
ક્ષુલ્લક ચીજોને પણ
મન ભરીને
જોવા મથું છું !

            માતા વિષયક પણ ઘણી રચનાઓ છે, જે સ્ત્રીઓનો ચહેરો ના જોતા પાખંડી અને બેવડા વલણવાળા ધર્મગુરૂઓ સામે મૂકવાનું મન થાય.

મરણ પામવાના
અનેક રસ્તા છે
પણ
જન્મ
પામવાનો
એકમાત્ર
રસ્તો છે-
મા.

કહેવાય તો કાવ્ય, પણ શબ્દની પીંછીએ દોરાયેલું આ રમણીય ચિત્ર :

વરસાદે
કવિને કહ્યું-
મારો, બાળપણનો
ફોટો બતાવું?
..અને તેણે
આંગળી ચીંધી
વાદળ તરફ !
કે પછી સજીવારોપણનું આ સુંદર ચિત્ર :

વૃક્ષોના છાંયડા
એ તો
સૂરજની આંખોના  
પલકારા છે.
           
            આવાં તો કેટકેટલાં લઘુકાવ્યોથી સમૃદ્ધ બનેલો આ સક્ષમ સંગ્રહ નકશીદાર અરીસાનાં મુખપૃષ્ઠથી શોભે છે. જે વાચકને એકવાર પોતાની અંદર ઝાંકવા મજબૂર કરે છે. વાત કોઈ વિચારધારાની હોય કે અંધશ્રદ્ધાની, માન્યતાની હોય કે લાગણીની, કુદરતી સૌંદર્યની હોય કે માનવીય કુરૂપતાની- કવિએ દરેક બાબતને ટૂંકા અને ચોટદાર શબ્દોમાં મૂકી છે. વાગે નહિ પણ ખટકી જાય એ રીતે. એટલે જ તો દરેક રચના વાચકને વિચારવા માટે પ્રેરે છે.  કેમ કે વાગેલું તો રૂઝાઈ જાય, ખટકે તેને કાઢવું જ પડે. તે પ્રક્રિયા પીડાદાયક હોય, પણ છેવટે પીડામુક્ત પણ કરે. એવી જ વાત આં સંગ્રહમાં પણ છે. લાગણી, વિચારો કે શબ્દો ભલે કવિના હોય, અહેસાસ તો દરેક વ્યક્તિનો હોઈ શકે. એટલે જ આ રચનાઓ આપણને આપણી જ વાત લાગે છે.
            કવિનું નિરીક્ષણ દુનિયાથી અલગ હોય તેની સાક્ષી આ સંગ્રહ તેની રચનાઓ વડે પૂરે છે. આમ તો જે બધાં જુએ તે જ કવિ જુએ. પણ બધાંથી આવી રચનાઓનું સર્જન થઇ શકતું નથી. જ્યારે કવિને તો દીપપ્રાગટ્ય પછી ઓલવી નાખેલી મીણબત્તી, પ્રકાશ પાછળ થતી સતી લાગે છે.

            આજના સમયમાં બોલનારા ઘણા છે, કહેનારા ઓછા. એટલે જ કહેનારા પોતાની વાત બને તેટલાં ટૂંકાણમાં રજૂ કરવાનું પસંદ કરે છે. શ્રી ખ્વાબના જ શબ્દોમાં કહું તો આ સંગ્રહ ઘણાં નાળિયેરો વચ્ચે ઉગેલું શ્રીફળ છે. લાઘવનું  સૌંદર્ય ભાવક સમક્ષ મૂકતા આ સંગ્રહનો પોતાનો વ્યાપ ઘણો મોટો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

1 comment:

  1. કવિ અંજારિયાજીની જિસસ ક્રાઈસ્ટ ઉપરની નીચેની રચના અને એ જ મતલબનું કોણ જાણે કેટલાય સમય પહેલાં મારાથી રચાયેલું હાઈકુ; કેટલું બધું સામ્ય અને કેવો જોગાનુજોગ !

    ઈસુની છબી
    ભીંતે ટાંગવા માટેય
    હું
    ભીંતમાં
    ઠોકી રહ્યો છું
    ખીલો!
    - મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'

    ઈશુછબિને

    ટીંગી દિવાલે, હાય !

    ઠોકી ખીલા રે ! (2)

    Jesus’ photo

    put up on wall, oh !

    being nailed ! (2)

    -વલીભાઈ

    (સંક્ષિપ્ત રસદર્શન બંને વર્ઝનમાં છે.)

    ReplyDelete