Saturday, September 13, 2014

તોત્તોચાન

શાળા.. આ શબ્દ સાંભળીને મોટી ઈમારતો, વિશાળ વર્ગખંડો, કડક શિક્ષકો એવું કેટલુંય આપણી નજર સામે ખડું થઇ જાય. પણ એવું બને તો કે આવું કંઇ જ ના હોય, છતાં શાળા હોય તો? કેવી મજા આવે !! આ વર્ણનથી પણ સરસ એવી એક સાચી શાળાની વાત કરે છે તોત્તોચાન.

આ નામ છે એક પુસ્તકનું અને પોતાની શાળાની વાત કરનારી નાનકડી નાયિકાનું. તેત્સુકો કુરુનાયોગી એટલે કે તોત્તોચાન. તેની શાળા, પ્રિન્સિપાલ અને શાળાની ભણાવવાની પદ્ધતિ વિશેની વાત, તોત્તોચાનની જબાને. ખૂબ સુંદર, રસાળ અનુવાદ છે શ્રી રમણ સોનીનો. 

એક શાળા બાળકનું ઘડતર કેવી રીતે કરી શકે તેની આ સત્યઘટના છે. ભણવાનું તો છે જ, સાથે જીવનનાં મૂલ્યો પણ ક્યારે મનમાં રોપાઈ જાય તેની વાચકોને પણ ખબર નથી પડતી. વળી ક્લાસ અને શિક્ષકો પણ આગવા.. ખેડૂત શીખવે પર્યાવરણ. સ્વીમીંગ પુલનાં પાણીમાં રમતાં રમતાં શીખાય કે સ્ત્રી-પુરુષના શારીરિક તફાવતો હોય કે શારીરિક તકલીફો, એ કોઈ મહાન બાબત નથી.

ટ્રેનના ડબ્બામાં શાળા હોય એવી કલ્પના કદી આવે કે? તોત્તોચાનની શાળા સાચે જ એવી હતી, સાચી ટ્રેનના ડબ્બામાં ક્લાસ હોય તેવી. પણ ત્યાં સુધીની સફર કાપતાં શું તકલીફ પડી હતી, તે તો તોત્તોચાનની માતા જ જાણતી હતી. બાળકોની સાહજિક ચંચળતા તોત્તોચાનમાં પણ હતી. તેને લીધે એક પણ શાળા તેને રાખવા તૈયાર નહોતી. તોત્તોચાનનાં જાતજાતનાં પરાક્રમોની કેટલીય ઘટનાઓ ઘટ્યા પછી તેને શ્રી કોબાયાશીની આ અદભૂત અને અજોડ શાળામાં પ્રવેશ મળ્યો હતો.
        બાળમાનસમાં મૂલ્યો અને શિસ્તનાં બીજ કેવી રીતે રોપવાં તે શ્રી કોબાયાશી જાણતા હતા. દરેકને માન આપવું, શારીરિક તફાવતોને નજરઅંદાજ કરીને એક માનવ તરીકે વિકસવું, બધું જ ખાતાં શીખવું, રમતગમતમાં જીતવા કરતાં ભાગ લેવો મહત્વનો છે તે સમજવું... આવું તો કેટલુંય આ શાળામાં હતું. પૌષ્ટિક ખાવાની અઘરી વાતને થોડું દરિયામાંથી અને થોડું પહાડમાંથી જેવી રસપ્રદ રીતે સરળ બનાવવામાં આવી હતી.
        શ્રી કોબાયાશીએ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ કે પછી શિક્ષણ અને બાળમાનસ જેવા ભારે ભરખમ વિષયો ઉપર કોઈ સેમિનાર નહોતા યોજ્યા કે નહોતા લખ્યા લેખો. વિશ્વની સારી ગણાતી શાળાઓની મુલાકાત લીધી અને જે સારું લાગ્યું તે અપનાવીને પોતાની શાળામાં અમલમાં મૂકયું. ડોનેશન, વાલી અને બાળકના ઇન્ટરવ્યુ, બિનજરૂરી ઇતરપ્રવૃત્તિઓ જેવી ભારતીય શિક્ષણપ્રણાલીની તદ્દન વિરુદ્ધની આ વાત છે. એટલે આપણા પરંપરાગત માનસમાં આ વાત ઉતારવી અઘરી છે. એટલે જ તોત્તોચાન પુસ્તકના વખાણ ખૂબ થયાં, પણ તેની શિક્ષણ પદ્ધતિઓ કેટલી શાળાએ અપનાવી હશે? માત્ર સરસ સૂત્રો આપવાથી યોજનાનો પ્રચાર થાય, શિક્ષણની સ્થિતિ તો એ જ હોય. 

શિક્ષણપ્રેમી દરેક વ્યક્તિએ વાંચવા અને વસાવવા જેવું આ પુસ્તક છે. એક વાર વાંચવાનું ચાલુ કર્યા પછી એકીબેઠકે પૂરું કરીને જ હાશ થશે એવું રસમય છે આ પુસ્તક. એટલું જ નહિ. વારંવાર વાંચવું પણ ખૂબ ગમશે તેની ગેરંટી.
L

2 comments:

  1. ભરતકુમાર ઝાલાSeptember 15, 2014 at 1:17 AM

    યોગ્ય ભલામણ. બ્લોગ માટે અભિનંદન. તારી પાસે વહેંચવા જેવું છે, એ જાણું છું, એટલે યાત્રામાં હું સાથે ને સાથે જ ચાલીશ.

    ReplyDelete