Wednesday, October 1, 2014

બત્રીસ કોઠે હાસ્ય : અનાયાસ હાસ્ય..


હાસ્ય પ્રયત્નપૂર્વક ઉપજાવવું પડે ત્યારે હસવું ન આવે. હાસ્ય જ્યારે સ્વયંભૂ નીપજી આવે ત્યારે હસવું રોકાય નહિ. કમનસીબે બીજા પ્રકારના હાસ્યલેખકોની સંખ્યા સતત ઘટતી રહી છે. આવું લખનારને શ્લેષવાળી સસ્તી શબ્દરમત, પત્નીનાં પાત્રને ઉતારી પાડવું, પોતાની જાતને મૂર્ખ અને ડફોળ ચીતરીને જાતની ખીલ્લી ઉડાડવી જેવી બાલીશ વસ્તુઓ નથી કરવી પડતી. ઉર્વીશ કોઠારી લિખિત 'બત્રીસ કોઠે હાસ્ય', બીજા પ્રકારમાં આવે છે. 
ઉર્વીશ કોઠારી
          આપણી રોજબરોજની જિંદગી મોટેભાગે સામાન્ય અથવા રૂટીન હોય છે. પણ ઉર્વીશભાઈ તેમાંથી અસામાન્ય હાસ્ય નીપજાવી શકે છે. આ પુસ્તકમાંના ૩૪ લેખ તેની સાબિતી છે. પાણીપૂરી ના ખાધી હોય એવી વ્યક્તિઓ આંગળીને વેઢે ગણાય તેટલી હશે. ઘરમાં ઘૂસી ગયેલો ઉંદર પકડવાની કોશિશ કરી હોય તેવા ઢગલાબંધ વ્યક્તિઓ મળશે. બેસણાંમાં પણ આપણામાંથી દરેક વ્યક્તિ ગઈ જ હશે. શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે ફરવા જનારા પણ આપણામાંથી  મળી જશે. હોટેલમાંથી પાર્સલરૂપે જમવાનું ઘરે મંગાવનારા લોકોમાં આપણે પણ આવી જતા હોઈશું.
       બસ, આવા જ સાવ સામાન્ય અને ઘરેલુ કહી શકાય તેવા વિષયોમાં ઉર્વીશભાઈએ હાસ્ય પૂરીને, તેને અસામાન્ય બનાવ્યા છે. એટલી હદે કે વાચકને પોતાના જ જીવનની એ વાત છે એવું લાગે. લેખની ઘટનાને તાદૃશ (વિઝ્યુલાઈઝ) અનુભવી શકાય એટલી તેમાં જીવંતતા છે.
       શીર્ષક પણ ખૂબ આગવાં કહી શકાય તેવાં છે. માત્ર અનુક્રમણિકા જોવા જ પુસ્તક હાથમાં લીધું હોય અને આખું વાંચવું પડે તેવી ઉત્કંઠા ઉભી કરવામાં શીર્ષકો સફળ રહ્યાં છે. તેમાં ઉપયોગમાં લીધેલા શબ્દો ખૂબ જાણીતા હોવાનો ખ્યાલ આપે. થોડાં ઉદાહરણ :
એન્ટર,સ્પેસ,કંટ્રોલ, ગીત ગાયા મચ્છરોને, લસ્સી જૈસી કોઈ નહિ, જૂતાં તમારાં ઉતારો હો રાજ, રેઇનકોટ : ફિર ભી રહેગી નિશાનિયાં..
       આવાં સ-રસ શીર્ષકોથી શરૂ થતો દરેક લેખ વાચકને એકલાંએકલાં, આયાસ વિના સહજપણે હસાવી શકવાની શક્તિ ધરાવે છે. લેખની ભાષા, ઉદાહરણ, કટાક્ષ, વર્ણન, સરખામણી, જીવંતતા તો તેને વાંચીને માણવાથી જ અનુભવી શકાય. છતાં, થોડો આસ્વાદ એનો પણ.
       -  બેઠાં બેઠાં ઊંઘાય? આવો સવાલ ઓફિસમાં પૂછવામાં જોખમ છે. બોસ આ સવાલ અને તેના પૂછનારની સામે ઘૂરકિયું કરીને કહેશે, આ ઇન્ક્વાયરી છે કે પરમિશન? ઇન્ક્વાયરી હોય તો કહેવાનું કે હા, મારાથી ઊંઘાય. અને પરમિશન હોય તો, સોરી, તમારાથી ના ઊંઘાય.
       - આ સંવાદ સાંભળીને, ઘરમાં બેઠેલા ચંપલચતુર કે બૂટબહાદુરને ધરતી મારગ આપે તો તેમાં સમાઈ જવાનું નહિ, પણ તેમાં પોતાના બૂટ-ચંપલ સંતાડી દેવાનું મન થઇ જાય છે.
- જીવદયાપ્રેમીઓ મનુષ્ય સિવાયના કોઈ પણ જીવ ઉપર દયાનાં ડબલાં ઢોળવા તત્પર હોય, એવા કપરા સમયમાં ઉંદરને જીવતો પકડવાનું પરાક્રમ, કેટલીક યુનિવર્સીટીઓના પોસ્ટલ કોર્સની જેમ ઘર બેઠે પાર પાડી શકાય છે. તેમાં કાયદો નડતો નથી અને સમાજ આડે આવતો નથી.
- શટલનો સંબંધ વાહનના બાહ્ય સ્વરૂપ સાથે નથી. એ સ્ટેટ ઓફ માઈન્ડ છે. કોઈ પણ વાહન તેના ડ્રાઈવરની ઈચ્છા વિરુદ્ધ શટલ બની શકતું નથી અને ડ્રાઈવર ઈચ્છે તો કોઈ પણ વાહનને શટલ બનાવી શકે છે.
       સાદી કોથળીનો પણ બોમ્બ જેવો ઉપયોગ થઇ શકે છે તેની સાબિતી અહી મળે છે. મોર્નિગવોક કરનારાઓની માનસિકતા અને તેમના ઘરના સભ્યોની વિચારધારા ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે. સાથે, મોર્નિગવોક કરનારાઓની પરિસ્થિતિનું વર્ણન આપણને એ બગીચામાં સદેહે હોવાની અનુભૂતિ કરાવે છે. ટપોરીલોગ ઉપરનો અભ્યાસ ખડખડાટ હસવા માટે શબ્દશઃ મજબૂર કરે છે.
        મોટે ભાગે પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હોય. પણ અહી પસ્તાવાના છે. એ શબ્દની ચોખવટ પણ લેખક તરીકે ઉર્વીશભાઈએ તેની નીચે જ પહેલાં વાક્યમાં કરી છે. પણ એક વાચક તરીકે તો હું એટલું જ કહીશ કે જે આ પુસ્તક ના વાંચે એ પસ્તાવાના....
ઉર્વીશભાઈનાં અન્ય લખાણની મજા માણવા માટે તેમના બ્લોગની મુલાકાત અચૂક લેવી... આ રહી તેની લિંક. 
http://urvishkothari-gujarati.blogspot.in/

1 comment:

  1. સરસ આસ્વાદ કરાવ્યો. મારે થોડું ઉમેરવું છે પણ એ ફુરસદે.

    ReplyDelete