Monday, October 27, 2014

મારી વાત


મોટે ભાગે આપણને બધાં પાસેથી એવું વધારે સાંભળવા મળે છે કે દુનિયા બહુ ખરાબ થઇ ગઈ છે. કોઈ ઉપર ભરોસો રાખવા જેવું નથી રહ્યું. પણ ક્યારેક અચાનક એવા અનુભવ થઇ જાય છે કે માનવજાત ઉપરથી ડગી ગયેલો વિશ્વાસ ફરી સ્થિર થઇ જાય.

        એક વાર હું મારાં શહેર ભુજથી ૫૦ કિમી દૂર આવેલ માંડવી ગામ જઈ રહી હતી. ત્યાંથી પાછાં આવતાં સાંજ થઇ ગઈ. માંડવીથી ભુજ વચ્ચે તુફાન ગાડીઓ ફેરા કરે. હું તેના સ્ટેન્ડ પાસે ઉભી હતી. એક ડ્રાઈવર મને પૂછી ગયા કે ભુજ જ જવું છે કે નહિ. ત્યાં એક સાવ ખાલી ગાડી પસાર થઇ. હજી તો હું તેના ડ્રાઈવરને પૂછવા જાઉં ત્યાં પેલા ડ્રાઈવરે આવીને મને રોકી અને કહે : બહેન, આમાં ના જશો . કેમ કે આ અમારી રોજિંદી લાઈનની ગાડી નથી. કોઈ અજાણ્યો ડ્રાઈવર છે.

        હું ફરી વાહનની રાહ જોતી ઉભી. પેલા ડ્રાઈવર મારી પાસે આવ્યા અને કહે : જો મારી ગાડી ભરાય તો તમને કહું છું. નહિ તો હજી છેલ્લી એસટી છે, તેમાં જતા રહેજો.  પણ કોઈ ગાડી તો આવી નહિ. અંધારું વધતું જતું હતું. ત્યાં ફરી એ ડ્રાઈવર આવ્યા અને કહે : હવે લાગતું નથી કે ભુજ માટે પેસેન્જર મળે. અહી હવે બહુ વસ્તી નથી. તમે અહી એકલા ના ઉભશો. હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં. ત્યાં લોકો હશે અને છેલ્લી બસ પણ હમણાં જ્ આવશે.

         એ ભાઈ મને એકાદ કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેન્ડ પાસે પોતાની તૂફાનથી મૂકવા આવ્યા. નસીબજોગે બસ આવી ગઈ હતી. ભાઈએ મને ત્યાં ઉતારી. મેં એમનો આભાર માન્યો અને કેટલ પૈસા આપવાના તે પૂછ્યું. તો તેઓ કહે : બહેન, આટલામાં પૈસા લેવાય? એમાં શું? તમે આમ એકલાં ઉભા હો અને હું ત્યાં હોઉં તો તમે મારી જવાબદારી બની જાઓ. એટલે જ્ મેં તમને અજાણી ગાડીમાં જવાની ના પાડી. હવે તો તમે અહી વસ્તીમાં છો તો ચિંતા નથી. હવે હું ઘરે શાંતિથી જઈશ.
       
આવા ઘણા અનુભવ થયા છે અને શ્રદ્ધા છે કે થતા રહેશે. હું એ બધા અનુભવોને અહી મૂકતી રહીશ. આશા છે કે એ વાંચીને માનવજાત ઉપરનો આપણા સહુનો વિશ્વાસ અતૂટ રહેશે. એટલું જ નહિ, આપણે પણ કોઈને આવી રીતે યથાશક્તિ ઉપયોગી થવાની વૃત્તિ રાખીને તેમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે કારણભૂત બની શકીએ.....


        

2 comments:

  1. બહુ જ સુંદર ઘટના. આવા બનાવો જ આપણને શીખવે છે કે ખરાબ વ્યક્તિઓ છે, તો એની સાથે જ સારી વ્યક્તિઓ પણ હોય જ છે. ઠોકર ખાધા પછી ય માનવજાત પરનો વિશ્વાસ ખોવા જેવો નથી જ.

    ReplyDelete
  2. અસામાન્ય અનુભવ છે. ધારો કે ફરી આવું બને તો તમે પણ ફરી ડ્રાઇવરનો ભરોસો કરશો ખરાં? હુ તો કહીશ કે ન કરજો કારણ કે શ્રી ભરતભાઈ ઓઝા કહે છે તે જ વાત ઉથલાવીને કહું તો જેમ સારી વ્યક્તિઓ છે તેમ ખરાબ વ્યક્તિઓ પણ છે. જેમાં સારું કે ખરાબ થવાની સંભાવના એકસરખી ૫૦-૫૦ ટકા હોય ત્યાં'સારું થશે' એમ માની લેવાનું કારણ નથી હોતું.

    ReplyDelete