Wednesday, November 5, 2014

માણસ છે, બિઝનેસ કરે છે.

કૃષ્ણ દવે 
પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.


2 comments:

  1. અદ્ ભુત રચના. કૃષ્ણ દવેનો શબ્દ ને એમનો લય...!!

    સલામ !

    ReplyDelete
  2. મજાની રચના....

    બહુ જ ગમી.

    ReplyDelete