Saturday, November 22, 2014

મારી વાત

                  મને (પોતાના) પગ સિવાય બીજું કોઈ વાહન ચલાવતાં નથી આવડતું. તેથી ક્યાંય જવાની જરૂર પડે તો છકડા તરીકે જાણીતાં વાહનનો મોટેભાગે ઉપયોગ કરું છું. જેની સગવડ આખાં ભુજમાં મળી રહે છે.
            આવી રીતે જાહેર વાહનનો ઉપયોગ કરવાથી જાતજાતના લોકો સાથે રોજ જવાનું થાય. એટલે જાતજાતના વિચારો સાંભળવા મળે. ઓબામાએ અમેરિકાનો વહીવટ સારી રીતે કેમ ચલાવવો ત્યાંથી માંડીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ કેવી રીતે રમવી ત્યાં સુધીનું જ્ઞાન માત્ર પંદર-વીસ મિનિટની સફરમાં મેળવી શકાય. પણ ઘણી વાર એવી વાતો શીખવા મળે કે જીવન પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મને એવા અનુભવો થયા છે. શક્ય છે કે તે તમને પણ બે ઘડી વિચારતા કરી દે..
            એક વાર છકડામાં મારી બાજુમાં એક પ્રૌઢ બહેન બેઠેલાં. પહેલાં તેમણે અમસ્તું જ એક સ્મિત આપ્યું. પછી પૂછ્યું : નોકરી કરો છો? મેં હા પાડી એટલે બીજો સવાલ આવ્યો : રોજ ટિફિન લઈને જતાં હશો કેમ? મારા હાથમાં ટિફિન હતું જ, એટલે મેં એની પણ હા પાડી. તેમણે પૂછ્યું : ક્યાં નોકરી કરો છો? મેં તેના વિષે થોડી વાત કરી. પછી તેમનો નવો સવાલ આવ્યો : મારા ભાઈને શું થયું હતું? એક મિનિટ તો હું સમજી જ નહિ કે એ મને શું પૂછવા માગે છે. પછી સવાલ મગજમાં ઉતર્યો અને સમજાયો એટલે મેં કહ્યું કે મેં લગ્ન જ નથી કર્યાં. તો એ કહે : ઓહ, મને એમ કે તમે કોઈ ઘરેણાં નથી પહેર્યા અને કપડાં પણ આછા રંગનાં છે એટલે.. માફ કરજો હો..
            ત્યારે તો મેં આ વાત હસવામાં કાઢી નાખી. પછી મને થયું કે એ બહેનની જેમ આપણે પણ કેટલી બધી વાર માત્ર વ્યક્તિના બહારના દેખાવ ઉપરથી કેવી કેવી ધારણાઓ બાંધી લેતાં હોઈએ છીએ ! એમાં પણ બહેનોનાં તો કપડાં અને ઘરેણાં ઉપરથી તેનો સામાજિક દરજ્જો અને તે મુજબનું વર્તન પણ નક્કી થાય.
            બહેનો ઉપરાંત પણ, કોઈ પણ વ્યક્તિ માટે આપણે એવું જ કરીએ છીએ. વ્યક્તિનો ધર્મ, જ્ઞાતિ, શહેર-ગામની વ્યક્તિ છે કે તે પણ નક્કી કરીને, તે મુજબ તેમાં આપણા પૂર્વગ્રહો અને ધારણાઓ ઉમેરીને, શુંને શું વિચારી લેતાં હોઈએ છીએ. અમુક જ્ઞાતિ એટલે આવી, અમુક ધર્મ એટલે આવું જ હશે, ગામડાંના છે એટલા આવા હશે, અભણ લાગે છે તો આમ જ કરશે, મજૂર જેવા દેખાય છે, તો પાકીટ સાચવજો.. આવું તો કેટલુંય...
            પણ ખરેખર કોઈ પણ વ્યક્તિ કેવી છે એ આપણે આવી રીતે માત્ર બહારથી જોઇને, ધારણાઓ બાંધીને નક્કી કરી શકીએ ખરાં? આપણા પોતાના વિષે કોઈ આવી રીતે નક્કી કરી લે અને વર્તન પણ તે મુજબ કરે, તો આપણને તે ના જ ગમે.
            આવી રીતે બીજી એક ઘટનાએ મને બીજો એક વિચાર આપેલો. એક વાર છકડામાં મારી સામે બે યુવાનો બેઠેલા. ના, કોઈ પૂર્વધારણા ના બાંધશો...એમણે કોઈ છોકરીની મસ્તી નહોતી કરી. એમાંથી એક યુવાનને દાઢી ઉપર નાની પણ ગંભીર ઈજા થઇ હતી. પટ્ટી બાંધેલી હતી. રસ્તાને લીધે જરા આંચકો આવે કે તે ખોંખારો પણ ખાય તો તેને ખૂબ પીડા થતી હતી. એકાદ વાર તો એની આંખમાં આપોઆપ પાણી પણ આવી ગયું.
            તેઓ તો એક હોસ્પિટલ પાસે ઉતરી ગયા, પણ મને વિચાર આવ્યો કે મારા જેવી બોલકણી વ્યક્તિને આવી કોઈ ઈજા થાય અને મોઢું બંધ રાખવું પડે તો તો તકલીફ થઇ જાય ! એના પછી મને તરત બીજો વિચાર આવ્યો કે અરે, મને તો ક્યારેય આવી કોઈ ગંભીર ઈજા થઇ જ નથી. બે-ત્રણ અકસ્માતોમાંથી પસાર થઇ છું, મારી કામગીરીમાં પણ મોટાભાગે ફરવાનું રહે છે. છતાં, મને એવી ઈજા નથી થઇ કે મારા શરીરનો કોઈ ભાગ થોડા દિવસ માટે કામ ના કરી શકે. ના તો ક્યારેય ફ્રેકચર કે એવી કોઈ ઈજા થઇ છે. એટલું જ નહિ, એવી કોઈ ગંભીર બીમારી પણ નથી આવી કે દવાખાનામાં દાખલ થવું પડે, પરિવારના લોકોને દોડાદોડી કરવી પડે. એનાથી આગળ મને એવો વિચાર આવ્યો કે માત્ર મને જ નહિ, મારા પરિવારના કોઈ સભ્યને પણ આવી કોઈ તકલીફ નથી પડી કે નથી કોઈને ગંભીર રોગ.
            મને લાગ્યું કે હું સાવ નગુણી છું કે આવી સરસ ભેટ માટે મેં કુદરતનો ક્યારેય આભાર પણ નથી માન્યો. કેમ કે આ જ છકડાઓમાં મેં લોકોને બહુ જ દુઃખી હાલતમાં દવાખાને જતા જોયા છે. ક્યારેક દવાખાને જવાનું થાય તો તકલીફોથી પીડાતા જોયા છે. પૈસા ના હોવાથી, ગમે તેટલી જરૂરી દવા પણ ના ખરીદતા લોકો જોયા છે. જયારે કદાચ મને કોઈ ગંભીર બીમારી આવે તો મારી પાસે તો પૈસા પણ છે.
            કુદરત આપણને કેટલું બધું આપે છે ! પણ આવી રીતે મેં તો ક્યારેય વિચાર્યું નહોતું, જ્યાં સુધી મેં પેલા ભાઈને જોયા નહોતા. કેટકેટલું છે, જે મને સહજતાથી મળ્યું છે. સારી તંદુરસ્તી અને કોઈ પણ ખોડ-ખાંપણ વિનાનું શરીર, સારો પરિવાર, સમજુ અને પ્રેમાળ મિત્રો, સારી નોકરી, સારા સાથી કાર્યકરો.....

હવે મને મારા માટે ને મારા પરિવાર માટે રોજ આવી કોઈ ભેટ દેખાય છે અને તે માટે હું કુદરતનો આભાર માનવાનું ચૂકતી નથી..
        

2 comments:

  1. Good one, before thanking the almighty God, I thank you for making us aware about such a great fact of life. Bravo.

    ReplyDelete