Tuesday, December 30, 2014

​જ્યારે હિમાલય પણ પોઝ આપે છે


આશુતોષભાઈ બૂચ


        નગાધિરાજ હિમાલય કોને ના આકર્ષે? તેની અદભૂત સુંદરતા ભલભલાને તેની પાસે ખેંચી લાવે છે. એવું જ કશું થયું આશુતોષભાઈ બૂચને. મૂળ જામનગરના અને હાલે વડોદરા રહેતા આશુતોષભાઈને હિમાલયનું એટલું તો પ્રબળ આકર્ષણ છે કે તેમણે હિમાલયના ૭૦૦૦થી પણ વધુ ફોટોઝ લીધા છે. ફોટોગ્રાફી, બાઈકિંગ અને હિમાલયના પોતાના શોખનો તેમણે ખૂબ જ સુંદર સમન્વય કર્યો છે. એટલે કે તેમણે હિમાલયનો મોટાભાગનો પ્રવાસ બાઈક ઉપર કર્યો છે અને ફોટોઝ લીધા છે ! નાનપણથી જ મેકેનીકલ અને ઈલેક્ટ્રીકલ વસ્તુઓ ગમતી. તેમાં વળી મામાએ એક કેમેરો ભેટ આપ્યો અને પછી તો ફોટોગ્રાફીની યાત્રા અવિરત ચાલુ રહી છે.
        આમ પણ તેઓ ચાલવાના ખૂબ શોખીન છે. વડોદરાથી ડાકોર- જે ૬૫ કિમી થાય- દર પૂનમે જાય. વડોદરામાં નવનાથ તરીકે જાણીતાં નવ શિવમંદિરોએ તેઓ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ચાલતા જાય, જે લગભગ ૪૫ કિમી થાય. પછી તો વર્ષ ૧૯૯૭થી ૨૦૦૯ સુધી દર વર્ષે અમરનાથની યાત્રા કરી. તે પણ બાઈક, સ્કૂટર ને ગાડીથી. આ તમામ યાત્રા તેમણે એકલાં જ કરી. તેઓ સહજતાથી કહે છે :   આવી રીતે સાથે આવવા કોણ તૈયાર થાય? વળી હું તો રસ્તામાં આવતાં અન્ય સ્થળો પણ સાંકળતો જાઉં સાથે.
        હિમાલયની પાવનકારી કુદરતી સુંદરતા અને પ્રદૂષણરહિત વાતાવરણે તેમને પ્રભાવિત કર્યા. એટલી હદે કે તેઓ ૧૯૯૭થી અત્યાર સુધીમાં હિમાલયમાં ૫૦,૦૦૦ કિમીનું મોટરસાઈકલ ડ્રાઈવિંગ અને કાર ડ્રાઈવિંગ ૧૫૦૦૦ કિમીનું કરી ચૂક્યા છે ! 

ભૂતાન, સિક્કિમ, તિબેટ અને સ્કાર્ડુ સુધી તેઓ ફરી આવ્યા છે. આશુતોષભાઈનો આટલો પરિચય મેળવ્યા પછી એમની ઉમર જણાવવી જરૂરી લાગે છે. તો અત્યારે તેઓ છે માત્ર ૬૦ વર્ષના. આ વયે પણ તેમનો ઉત્સાહ એટલો જ અકબંધ છે.
        આવો અકબંધ ઉત્સાહ એક બીજા અગત્યના ગુણને આભારી છે. તે છે તેમની હકારાત્મકતા. તેઓ કહે છે કે એટલે જ આ તમામ મુસાફરીઓમાં તેમને કશી તકલીફ નથી પડતી. હા, થોડી ઠંડી જરૂર લાગે, પણ તેને માણવાની પણ મજા આવે. રોડસાઈડના ધાબામાં જમવા મળે એને પણ સારું નસીબ લેખાવતા આશુતોષભાઈ કહે છે કે તકલીફ શબ્દ સાપેક્ષ છે, બાકી તો બધી વ્યવસ્થા કુદરત કરી જ આપે છે અને હિમાલય બહુ દયાળુ છે. તેમને વાહન, તબિયત જેવી કોઈ બાબતે તકલીફ પડતી નથી. કદાચ પગ દુઃખે તો તે દુઃખાવો મટવાનો આનંદ તેઓ માણે છે. સગવડો તેમને જોઈતી નથી કેમ કે અગવડ એ જ એમની સગવડ છે. ફોટોગ્રાફી માટે દસ કિલો જેટલું વજન તેઓ સહજતાથી લઈને ફરે છે. 
        તેઓ એ રીતે પણ નસીબદાર છે કે લુબ્રીકેન્ટસને લગતા તેમના વ્યવસાયની કામગીરી પણ હિમાચલ, ઉત્તરાંચલ અને જમ્મુ-કાશ્મીરમાં છે. બીજું, તેમનાં પત્ની અને ત્રણ સંતાનોનો ખૂબ સહયોગ છે.
ફોટોગ્રાફીમાં તલ્લીન !
        હિમાલયને ખૂબ ચાહતા આશુતોષભાઈનું સપનું પણ હિમાલય વિનાનું નથી. તેમનું સપનું છે કે હિમાલયના ઊંડાણમાં લાકડાનું એક ઘર બનાવીને રહેવું અને સંસારમાં રહીને સાધુ જીવન ગાળવું. એમની હિમાલય અને કુદરત પ્રત્યેની ચાહત જોતાં, આ સપનું સાકાર થશે જ.

(તમામ ફોટો કર્ટસી : આશુતોષભાઈ બૂચ)

1 comment:

  1. બીરેન કોઠારીDecember 30, 2014 at 10:55 PM

    રસપ્રદ મુલાકાત.

    ReplyDelete