Thursday, February 26, 2015

દિલની વાતો - દમયંતીબહેન સાથે..

"ગમે તેવી ઠોકર વાગે, ચાલતા તો રહેવું જ."
 વિચારને વ્યવહારમાં મૂકતાં દમયંતીબહેન
દમયંતીબહેન કરમશી છેડા.ઉમર વર્ષ ૬૧,અભ્યાસ સાત ધોરણ.આવો સામાન્ય પરિચય કેટલીય બહેનોનો હોઈ શકે.પણ જ્યારે મુન્દ્રા તાલુકાનાં મોટી ભુજપુર ગામનાં દમયંતીબહેનનો આ પરિચય હોય તો તે સામાન્ય ન રહેતાં આગવો બની જાય છે.સતત ત્રીસ વર્ષના સંઘર્ષ પછી હવે ઠરીઠામ થયેલાં દમયંતીબહેનનું જીવન ખૂબ તકલીફોથી ભરેલું રહ્યું છે.ઘણી તકલીફો વચ્ચે જો અડીખમ રહી હોય તો તેમની હિંમત.
કાઉન્ટર ઉપર વ્યસ્ત 
        પિયરમાં પણ તકલીફો વેઠીને સાસરે આવેલાં દમયંતીબહેનની તકલીફો ઘટી નહીં.આર્થિક સ્થિતિ નબળી હતી.પા લીટર દૂધ લેવાની પણ તકલીફ હતી. તેને પહોંચી વળવા પતિ-પત્નીએ કમર કસી.સાબુ,ખાખરા જેવી વસ્તુઓ વેંચી. પણ મૂડી તો હતી નહીં.છેવટે અથાણાં જેવી રોજબરોજની વસ્તુ બનાવવાની શરૂ કરી.પહેલાં કાચું અથાણું બનાવતાં. ક્યારેક બગડી પણ જાય. ક્યારેક પા કે અડધો કિલો જ વેંચાય. કિલો અથાણું વેંચાય ત્યારે ઘરમાં ઉત્સવનું વાતાવરણ થઈ જાય. ગમે તેવી તકલીફો પડી, હિંમત હાર્યા વિના કામ ચાલુ રાખ્યું. દમયંતીબહેનના પતિ કહેતા કે આવનારા સમયમાં લોકો તૈયાર વસ્તુઓ જ લેવાનું પસંદ કરશે,ઘરે બનાવવાનું નહીં. બસ,આ ધ્યેય જ નજર સામે રાખીને તેઓ બંને કામ કરતાં.
        અથાણાં બનાવવા પૂરતાં વાસણો પણ તેમની પાસે નહોતાં.કોઇનાં વાસણ તૂટીને બિનઉપયોગી બની ગયાં હોય તેવાં વાસણો વાપરતાં.દમયંતીબહેન કહે છે :"મારા પતિ અને મને, બંનેને બધા ગાંડા કહેતા. કેમ કે,તૈયાર અથાણાં કોણ લે? પણ અમે મહેનત ચાલુ જ રાખી." બીજોરાંનાં અથાણાંથી શરૂ થયેલી આ કામગીરીમાં હવે માત્ર બીજોરાંની જ સાત આઈટમ છે. કુલ બાવીસ જાતની વસ્તુઓવિજય પીકલ્સના માર્કા હેઠળ બને છે.
વસ્તુઓની વિવિધતા...
દમયંતીબહેન ગૌરવ સાથે જણાવે છે કે આ માર્કા અને લાયસન્સ માટે શ્રી રાજીવ ગાંધીને જ સીધો પત્ર લખેલો અને સરળતાથી કામ થઈ ગયું.
શરૂઆતમાં તૂટેલાં વાસણમાં બનતું અથાણું આજે અહીંથી વેચાય છે.
        અથાણાંની અવનવી વેરાયટી માટે તેઓ જાતે જ વિચારે છે,સતત નવાનવા અખતરાઓ કરતાં રહે છે.બીજાં બહેનોને પણ રોજગારી આપે છે. અથાણાંની સીઝન વખતે તો ૧૫થી ૨૦ બહેનો અહીં કામ કરીને આવક મેળવે છે.તે બહેનોનાં ઘરના લોકોને પણ આ કુટુંબ ઉપર ખૂબ ભરોસો છે. કામમાં રાતે મોડું થાય તો દમયંતીબહેનના દીકરા વિજયભાઈ જાતે આ બહેનોને ઘરે મૂકવા જાય છે. દમયંતીબહેનનો પરિવાર આ બહેનોને કામદાર નહીં,કુટુંબી જ માને છે. તે બહેનો પણ દમયંતીબહેનનેબાઇકહે છે.
        માલ એક્સ્પોર્ટ કરવામાં ન માનતાં દમયંતીબહેન કારણ જણાવે છે કે તેમ કરવાથી માલની ગુણવત્તા ઉપર અસર થાય,સ્વાદ બદલી જાય.આ વ્યવસાયની કડવી-મીઠી વાતો કરતાં તેઓ કહે છે કે અનુભવ બધું શીખવે છે.મારા પતિનું અકસ્માતમાં અચાનક અવસાન થયું. મારી તો ત્યારે હાલત ખરાબ થઈ ગયેલી.પણ મારાં સંતાનોએ બધું સંભાળ્યું. તે સમયે પણ બહુ કફોડી પરિસ્થિતિ થયેલી.મારા પતિ રિક્ષામાં અથાણાંની ફેરી કરતા એટલે માલ વધારે બનાવતા.તેમનાં અવસાન પછી પુત્રે વધારે માલ બનાવ્યો. પણ ફેરી ના કરતાં ઘરેથી જ વેંચવાનું રાખ્યું. જેને લીધે કેટલોય માલ ખરાબ થઈ ગયો.પણ હું માનું છું કે ગમે તેવી ઠોકર વાગે, ચાલતા તો રહેવું જ.અનીતિ કયારેય ના કરવી.
દમયંતીબહેન માને છે કે મેં દુ:ખ અને ગરીબી જોઈ છે તેથી બીજાની એવી હાલત હોય તો હું સમજી શકું છું. એટલે જ તેઓ રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે અથાણાંનાં ખાસ નાનાં પેકેટ્સ બનાવે છે." શાક ના મળે તો કમસે કમ અથાણાંની સાથે તો રોટલી ખાઈ શકે." દમયંતીબહેન પૂરી સહાનુભૂતિ સાથે કહે છે.તેઓની સરળ ફિલોસોફી છે કે મકાન બનાવવાની વાત હોય કે સંસાર ચલાવવાની, બધું બિઝનેસ જ છે.દરેક બાબત માટે પાયાથી વિચારવું. કુદરત ઉપર પહેલો ભરોસો રાખવો. તેમની કુદરતને પ્રાર્થના પણ એટલી જ સરળ અને વાસ્તવિક છે." અમને શક્તિ આપજે કે અમે કાંઈ ખોટું ના કરીએ. અમને કાંઈ તકલીફ પણ ન પડવી જોઈએ. સામી વ્યક્તિને પણ સારી મતિ આપજે."
હસમુખો સ્વભાવ છે જમા પાસું !!
        ભૂતકાળની યાદો તાજી કરતાં દમયંતીબહેનની આંખો સતત વહેતી રહે છે. પણ તે આંસુ તેમનું ભવિષ્ય ધૂંધળું બનાવવાને બદલે ધોઈને નવાં સ્વપ્ન માટે સ્વચ્છ બનાવે છે.તેમને પ્રગતિની ઇચ્છા છે.સારા અને વિશ્વાસુ કામદારો મળે તો હજી કામ વધારવાનું પણ સપનું છે.આઈટમ્સ વધારવી છે.ધરતીકંપ સમયે બધો માલ દાનમાં આપી દેનારા આ પરિવાર પાસે પૈસો વધ્યો છે પણ મહેનત હજી ઘટી નથી.તેમના પુત્ર હજી પણ સવારે દુકાનમાં ઝાડુ-પોતાં કરતાં ખચકાતા નથી.વસ્તુઓના રેક્સ જાતે દિવસમાં બે વાર સાફ કરે છે."ક્યારેક થાકને લીધે ગુસ્સો આવી જાય તો ઘરમાં જ અમે એકબીજા ઉપર કાઢી લઈએ છીએ." દમયંતીબહેન કહેતાંકહેતાં મલકાઈ ઉઠે છે. સમાજે વિધવા માટે ઉભાં કરેલાં બંધનોને તે માનતાં નથી. "લગ્ન જ ના કર્યાં હોત તો બધું પહેરતી જ હોત ને? મારું દુ:ખ તો જેટલું છે તેટલું છે જ. ગયેલી વ્યક્તિ તો હવે પાછી આવશે જ નહિ." દમયંતીબહેનની આ ખુમારીએ જ તેમને સમાજમાં સમ્માનનીય સ્થાન અપાવ્યું છે.

        બહેનોને તેઓ સંદેશ આપવા માગે છે કે ધ્યેય તો મહેનતનું જ રાખવું.સુખમાં છકી ના જવું અને દુ:ખમાં હિંમત ન હારવી.કસોટી તો આવશે જ.છતાં કોઈપણ બિઝનેસ નીતિથી કરવો. તો તેનું પરિણામ સારું જ આવશે.ભૂતકાળને હંમેશાં યાદ રાખીને બધા સાથે વર્તન કરવું. એક સમયે એક કિલો માલ વેંચાય તો ઉજવણી કરતાં દમયંતીબહેન આજે પોતાની દુકાનમાં અન્ય વેપારીઓના માલને વેંચાણ માટે રાખતાં થઈ ગયાં છે. તેનો યશ તેમની સાચી નીતિ, તનતોડ મહેનત અને અડગ હિંમતને છે.નાનીનાની મુશ્કેલીઓથી ત્રાસીને આત્મહત્યા જેવું આખરી પગલું ભરતા લોકો માટે દમયંતીબહેન ધીરજનું એક અનન્ય ઉદાહરણ છે તેમાં બેમત નથી.
                                              ('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમમાં પ્રકાશિત.)

1 comment:

  1. બીરેન કોઠારીMarch 1, 2015 at 6:25 PM

    બહુ સરસ અને પ્રેરક કથા!

    ReplyDelete