Wednesday, March 25, 2015

પુસ્તક


- રાજેશ વ્યાસ મિસ્કીન

પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
તે વડીલ છે સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણા બાળકનું.

પુસ્તક તમે ખોલો છો તેની સાથે જ
ખૂલવા લાગે છે તમારું હ્રદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તમને અરીસાની જેમ જોઇ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઇને
ઊભું હોય છે અજવાળું પાથરવા.
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રધ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે.
પુસ્તક હૂંફ છે,ટેકો છે.
પુસ્તક બહાર અને ભીતરને જોડતો સેતુ છે.
પુસ્તક વિનાનો કોઇ માણસ ફરી પાછો કોઇ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલાં ચાલો,
પુસ્તક્નાં જગતમાં પ્રવેશ કરીએ.







Monday, March 9, 2015

સફળતાના ઢોલનગારાં વચ્ચે સમતાનું હળવું મંજીરાંવાદન

પ્રિય મિત્રો,
આપણે બધાં જ પોતપોતાના કામમાં વ્યસ્ત હોઈએ છીએ. બીઝીબીઝી.. પણ કયારેક સારું લાગે છે, જ્યારે બે ઘડી થોભીને થોડું વિચારીએ છીએ. વિચારવામાં વાચન ખરેખર એક ભોમિયો બને છે. ઘણી વાર એવું સરસ વાચન મળી જાય કે ફરી આગળ વધવાનું જોમ આવી જાય. 
દીપકભાઈ સોલીયાના નામથી કોઈ અપરિચિત નહિ હોય. અને હશે તો આ લેખથી એમના પરિચિત જ નહિ, ચાહક પણ થઇ જશે. તેમની સરળ, સહજ અને પ્રવાહી શૈલીની હું ચાહક છું. એટલે મને લાગ્યું કે ચાલો, ગમતાનો કરું ગુલાલ.. :) :) 




સફળતાના ઢોલનગારાં વચ્ચે સમતાનું હળવું મંજીરાંવાદન
- દીપક સોલિયા
ઊગતો સૂરજ રૂપાળો લાગે. ફાઈન. તો પછી આથમતો સૂરજ કેવો લાગે? કદરૂપો? ના, જરાય નહીં. સૂર્યાસ્તનું પણ આગવું સૌંદર્ય છે. સચિન અને દ્રવિડ રિટાયર થાય અને લતા મંગેશકર ગાવાનું બંધ કરે એની પણ મજા છે. એ હટે તો બીજાને ચાન્સ મળે ને!
સફળતા જેટલી જ મહત્ત્વની છે નિષ્ફળતા. નિષ્ફળતા છે એટલે જ તો સફળતા છે. ક્લાસમાં 49 છોકરાંવને ઓછા માર્ક્સ આવે છે એટલે જ તો 50મું બાળક પહેલે નંબરે આવે છે. સફળતાના પૂજારીઓએ એક વાત ખાસ યાદ રાખવી કે એમની પ્યારી સફળતા મસમોટી નિષ્ફળતાના ટેકે ટકે છે. માટે, નિષ્ફળતાને હૈડ હૈડ ન કરવી.
અસલમાં સફળતાનું ઝાઝું મહત્ત્વ નથી. સફળતા તો એક તબક્કો છે. એ તબક્કો આવે અને જાય. એવરેસ્ટ પર પહોંચ્યા પછી ઉતરી જવાનું હોય. ત્યાં વન બેડરૂમ, હોલ, કીચનનો ફ્લેટ બાંધીને રહી ન શકાય. આખેઆખો માણસ જ્યારે જન્મે ત્યારે એ વાત નક્કી હોય છે કે એ મરવાનો જ છે. નામ એનો નાશ. એમ, સફળતા પોતે પણ પોતાની અંદર બીજરૂપે નિષ્ફળતાને લઈને જ જન્મે છે. સફળતા અને નિષ્ફળતા અસલમાં એક જ સળિયાના બે છેડા છે. આપણે એક છેડાને પૂજીએ અને બીજા છેડા સામે થૂથૂ કરીએ એ સારું ન કહેવાય. પૂજન કરવું જ હોય તો આખા સળિયાનું પૂજન કરવું રહ્યું.
અથવા બીજો રસ્તો છેઃ પૂજન જ ન કરવું. ન સફળતાને વધાવવી, ન નિષ્ફળતાને વગોવવી. સમદૃષ્ટિ રાખવી. સમતા રાખવી. સમતા એટલે શું? સમતા એટલે ટેઈક ઇટ ઇઝી પોલિસી. સમતા એટલે ઉમંગ-હતાશા, ઉલ્લાસ-ઉદાસી, ચઢાવ-ઉતાર, સફળતા-નિષ્ફળતા જેવી બે બાજુ ધરાવતા સિક્કાને શાંતિથી નિરખવાની ક્ષમતા.
આ ક્ષમતા કેળવવાનું કામ છે તો અઘરું, પણ કરવા જેવું છે. સમાજમાં ચારે તરફ જ્યારે સફળતાની વાતો થતી હોય, સફળ થવાની ચાવી ચીંધતી ચોપડીઓ ધૂમ વેચાતી હોય, ત્યારે બે ઘડી અટકીને એવું પણ વિચારવા જેવું છે કે જેટલું મહત્ત્વ સફળતાનું છે એટલું સમતાનું કેમ નથી? અસલમાં સફળતા કરતાં સમતા વધુ મૂલ્યવાન છે. જીવનની ગમે તેવી મહત્ત્વની હાર-જીતને સ્વસ્થતાથી, સમતાથી જોઈ શકીએ એથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે?
માન્યું કે માણસને જીત ગમે અને હાર ન ગમે. માણસ ચાહે કે ન ચાહે, એ જીતવા માટે ઝઝૂમવાનો જ. જીત માટેની મથામણોનું જ બીજું નામ જીવન છે, પણ એમાં મહત્ત્વ મથામણનું છે, જીતનું નહીં. મથામણ કરતાં પણ જીતને વધુ મહત્ત્વની ગણવાનો અભિગમ સાહજિક હોય તો પણ સેન્સિબલ નથી. રાધર, મૂર્ખામીપૂર્ણ છે. લગભગ બધાં ધર્મગ્રંથો માણસને આ મૂર્ખામીથી બચવાનો સંદેશ આપે છે. ગીતા જ જુઓ. ગીતા શું કહે છે? એ જ કે બોસ, ઝઝૂમો, મસ્ત ઝઝૂમો. પણ પછી હાર-જીતનું મારા (ઇશ્વર) પર છોડી દો. માહાત્મ્ય પ્રયત્નનું છે, કર્મનું છે. છોકરાંવ વત્તીઓછી મહેનત તો કરતાં જ હોય છે. પછી એ જો 98.76 ટકા લાવે તો જયજયકાર અને નાપાસ થાય (કે ઇવન 85.24 ટકા લાવે) તો હાહાકાર? ધીસ ઇઝ નોટ ફેર.
મુદ્દો આ છેઃ હારનો હાહાકાર શા માટે? માણસ ક્યારેક હારે તો શું તેનાથી આભ તૂટી પડે છે? ના, જીતવા માટે ઝઝૂમ્યા પછી પણ હારી જવાય તો ઠીક છે, હારી જવાય. માણસ હંમેશાં ન જીતી શકે. તેનું સૌથી નક્કર ઉદાહરણ આપણું શરીર છે. શરીર પ્રત્યેક પળે જીવાણુ-વિષાણુ સામે લડતું રહે છે.પછી છેવટે હારી જાય છે ત્યારે મરી જાય છે. માણસ મરે ત્યાર પછી વહેલામાં વહેલી તકે તેના શરીરનો નિકાલ કરવામાં આવે છે તેનું કારણ એ જ છે કે મૃત શરીરમાં જંતુઓ સામે લડનાર સૈનિકો (શ્વેતકણો) તલવાર મ્યાન કરીને સૂઈ જાય છે, પરિણામે શરીર કોહવાઈ જાય છે, ફૂલી જાય છે.
તો, શરીર આખી જિદંગી રોગ સામે લડતું જ રહે છે. ક્યારેક નાની-મોટી હારને કારણે માંદું પણ પડે છે, પરંતુ છેવટે જીતે છે. એ જીતે છે એટલે જ જીવે છે. અને એ જે દિવસે સાવ જ હારી જાય ત્યારે દુઃખદ અવસાનની નોંધ છપાય છે. મોત દુઃખદ લાગે તો પણ, શરીરની એ હાર કેટલી સુખદ, મહાન, જરૂરી, રૂપાળી અને અનિવાર્ય છે એનો જવાબ અશ્વત્થામા આપી શકે.
અશ્વત્થામાને શાપ છે કે એ ક્યારેય મરશે નહીં. ક્યારેય ન મરવું એ કેટલું ત્રાસદાયક છે એનો થોડો અણસાર છ મહિનાથી પૂરેપૂરો પથારીવશ હોય એવો કોઈ વૃદ્ધ પણ આપી શકે.
ફિલ્મ પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન (ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લ)ની વાર્તાનો પાયો જ એ છે કે ‘અમરત્વ’નો શાપ ભોગવી રહેલા ચાંચિયાઓ મોતને પામવા કેટલું બધું ઝઝૂમે છે! જીવી જીવીને થાકી ગયેલા એ ચાંચિયા છેવટે શ્રાપમુક્ત થાય છે ત્યારે એ યુદ્ધમાં ઘાયલ થાય છે, એમના શરીરમાંથી લોહીના ફુવારા ઊડે છે, એમને પીડા થાય છે... અને ત્યારે એમના ચહેરા પર આનંદ પ્રગટે છે કે હાશ, હવે અમે સામાન્ય માનવીની જેમ પીડા અનુભવીએ છીએ અને ઘાયલ થવાને લીધે મરી પણ શકીએ છીએ. મોતનો આનંદ એમના ચહેરા પર જોવા જેવો છે. ફિલ્મ યાદ રહી? પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન (ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લ).
ટૂંકમાં, હારનું પણ પોતાનું આગવું સૌંદર્ય છે.
એનો અર્થ એ નથી કે હાર માટે મથવું. ના, એ શક્ય નથી. માણસ ગમે તેટલું ચાહે તો પણ એ હારવા માટે મથી નહીં શકે. મથામણ તો જીત માટેની જ રહેવાની, પણ મુદ્દો ફક્ત એ છે કે ક્રિકેટની મેચમાં ભારતીય ટીમ હારી જાય કે બારમા ધોરણમાં ઓછા ટકા આવે કે બોસ ઠપકો આપે કે શેરબજારમાં નુકસાની જાય કે પતિ બધાની હાજરીમાં અપમાન કરે કે ઉગ્રવાદીઓ હુમલો કરે ત્યારે ‘હાર’થી એકદમ દુઃખી દુઃખી ન થવું. હારનો સ્વીકાર કરવો અને ફરી જીતવા બેઠાં થવું.
પેલું જાણીતું વિધાન સરસ છેઃ પડી જવું એ હાર નથી, પડ્યા પછી પડ્યા રહેવું એ હાર છે. બાકી તો ભલભલા ભારાડી પણ ભોંયભેગા થઈ શકે. નેપોલિયન વિશે કહેવાય છે કે એની છેલ્લી હારનું કારણ એટલું જ હતું કે મદદ-કુમક-સહાય પાંચ-સાત મિનિટ મોડી પડી.
તે મોડી પડે, મોડી પડી શકે, કારણ કે કુદરતનો નિયમ છે કે કોઈ પણ માણસ હંમેશાં ન જ જીતી શકે. માટે જ, સૌથી મહત્ત્વની છે સમતા. હારથી હતાશ ન થવું હોય અને જીતથી ફુલાઈ ન જવું હોય તો સમતા વિના છૂટકો નથી.
જાતને, જગતને, સફળતાને, નિષ્ફળતાને... બધી જ બાબતોને, આંખમાં આંખ પરોવીને, શાંતિથી, રસથી, ટેસથી જોવા માટે જરૂરી છે સમતા.
તમે સ્ત્રી હો કે પુરુષ, બે ઘડી પૂરતું માની લો કે તમે એક મૂરતિયા તરીકે ઊભા છો. તમારા હાથમાં વરમાળા છે. તમારી સામે બે કન્યા ઊભી છે. એક છે સફળતા, બીજી છે સમતા. બેય અત્યંત મોહક છે.
તમે કોને વરમાળા પહેરાવશો?