Sunday, April 12, 2015

આત્મવિશ્વાસને ફળિભૂત કરતાં ફાતમાબહેન જત


  જ્યારે કોઇ વાતને સાબિત કરવાની હોય ત્યારે કેટલાક લોકો દલીલ કરે છે, તો કેટલાક વળી બીજાના દાખલા આપે છે . બહુ ઓછા લોકો હોય છે જે જાતે દાખલારૂપ બને છે . ફાતમાબેન આ ત્રીજા પ્રકારના વ્યક્તિમાં આવે છે . આજના સમયમાં લોકોમાં ખૂટતી બે બાબતો એમનામાં ઠાંસીઠાંસીને ભરી છે. એ છે નૈતિક મૂલ્યો અને પોતાના દિલોદિમાગથી નિર્ણય લેવા.
  ભુજનાં બાપા દયાળુ નગરમાં રહેતાં ફાતમાબેન હુસેનભાઇ જતે હજી જીવનની ચાલીસી પણ પૂરી નથી કરી. શાળાએ જવાની તક નથી મળી પણ હવે કામ પૂરતું લખતાં-વાંચતાં શીખી ગયા છે . પાકા ઘડે કાંઠા ન ચડે એ કહેવતને પણ તેમણે જાતે દાખલારૂપ બનીને ખોટી સાબિત કરી બતાવી છે . ડીસન્ટ પુઅર કે હાઉસીંગ જેવા શબ્દો તેઓ સહજતાથી ઉપયોગમાં લે છે .
  ભુજ તાલુકાનાં ગડા પાટીયા પાસે આવેલી એસઓએસ સંસ્થાના કાર્યકરો ચન્દ્રસેનભાઇ ગનવાની અને પઠાણભાઇએ પહેલી વારમાં જ તેમનું હીર પારખ્યું અને ફાતમાબહેને પણ પોતાની આવડત સાબિત કરી બતાવી. આ સંસ્થાની સાથે કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, હુન્નરશાળા, અર્બન સેતુને પણ ફાતમાબેન પોતાની પ્રગતિનો યશ આપે છે .
medium_dsc02258.jpg
ફાતમાબહેન 
   આજે તેઓ પોતાના વિસ્તારનાં બચતજૂથનાં આગેવાન છે . સંસ્થાઓએ બનાવેલી એરિયા કમિટિમાં છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનના નેજા હેઠળ "સખીસંગિની" સંગઠનની કારોબારીમાં છે . તેના દ્વારા તેઓ થાઇલેન્ડ ખાતે એક વર્કશોપમાં પોતાના વિસ્તારનાં કામો પણ રજૂ કરી આવ્યાં છે . આ તમામ સંસ્થાઓના સહયોગથી ફાતમાબહેને વિવિધ કામગીરી કરી છે . બચતજૂથ તો ખરું જ, સાથે જન્મમરણના દાખલા કઢાવવાની કામગીરીથી માંડીને પીવાનાં પાણી માટેનો કૂવો પણ બનાવ્યો છે . કામ કોઇ પણ હોય, બધાંને સાથે રાખીને કરવાનું. લોકભાગીદારી અને લોકફાળો તો હોવા જ જોઇએ  એમ તેઓ સ્પષ્ટ માને છે. સહજીવન સંસ્થા સાથે રહીને તેમણે પીવાના પાણીનો કૂવો બનાવ્યો છે . આ વિષે ફાતમાબહેન કહે છે કે અમારા વિસ્તારમાં કોઇને વિશ્વાસ નહોતો કે બહેનો આ કામ કરી શકશે પણ અમે એ કરી બતાવ્યું.
અમુક બાબતો વ્યક્તિમાં અંદરથી ઉગે છે . તેને જ સંસ્કાર કે મૂલ્યો કહી શકાય. તે જ માનવતાને જીવંત રાખે છે . સંસ્થાકીય કામગીરી તો ખરી જ, પણ ફાતમાબહેનની સફળતા એ જ છે કે તેમણે આ મૂલ્યોને અને માનવતાને જીવંત રાખ્યા છે . તેમણે કરેલી કામગીરીનો એક દાખલો તો અજોડ છે . એક મિટિંગ દરમ્યાન તેમને એ વાતની જાણ થઇ કે એક અંધ યુગલ છે, જેમનું આટલી મોટી દુનિયામાં કોઇ નથી. ફાતમાબહેનને તેમના પ્રત્યે સહાનુભૂતિ થઇ. એ માત્ર "અરેરે" કહીને બેસી રહેનારાં ન હતાં. તેમનાં ઘરનાં આંગણાંમાં એવી જમીન હતી, જે તેમણે ઘરેણાં વેચીને ખરીદી હતી, જેની ઉપર એક રૂમ બનેલો હતો . ફાતમાબહેને તે રૂમ સહિતની જમીન આ યુગલને આપી દીધી. “સાવ મફત નહિં હો બહેન, ઓરડો બનાવવાનો જે ખર્ચ થયો હતો એટલા રૂપિયા લીધેલા.” સામી વ્યક્તિને પ્રભાવિત કરવાના આશયથી જોજનો દૂર એવાં ફાતમાબહેન બિલકુલ છૂપાવ્યા વિના કહે છે . અત્યારે તેઓ કશું ભાડું નથી લેતા. ફાતમાબહેનના પતિ અને તેમનાં સંતાનો પણ એ અંધ યુગલને કામમાં મદદ કરે છે . એટલું જ નહિં, હુન્નરશાળાએ પોતાનાં ફંડમાંથી એ યુગલને મકાન પણ બનાવી આપ્યું.
એ યુગલ અને ફાતમાબહેનનો ધર્મ, જ્ઞાતિ, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, ભૌગોલિક વિસ્તાર જેવી બધી બાબતો એકદમ અલગ છે . પણ દુનિયાભરના તમામ ધર્મોના ગુરુઓથી પણ મોટી વાત ફાતમાબહેન એક જ વાક્યમાં કહે છે : “જીયરે કે જગ્યા ખપે ભેણ.” (જીવતાને જગ્યા જોઈએ બહેંન...) બાહ્ય દેખાડો કરતા, ધર્મસ્થાનો બનાવવામાં અબજો રૂપિયા ખર્ચતા, ધર્મનો મર્મ સમજ્યા વિના આવાં સ્થાનો માટે  ઝગડતા અંધશ્રધ્ધાળુ ભક્તો સામે ફાતમાબહેન ધર્મનો સાચો અર્થ અમલમાં મુકે છે .
પોતાનાં બચતજૂથનાં બહેનોને પણ તેઓ બધી જ મદદ કરે છે . આરોગ્ય, શિક્ષણ, બચત, કાયદો, યોજનાઓ – એવી કોઇ બાબત નથી, જેમાં ફાતમાબહેન પોતાની બહેનોની પડખે ન હોય. કોઇ બહેનને હોસ્પિટલ જવાનું હોય કે સુવાવડ આવવાની હોય , ફાતમાબહેન કાળી રાતે પણ સાથે જવા તૈયાર હોય્. એટલું જ નહિં, પોતાનાં જુથ અને વિસ્તાર સિવાયની બહેનને પણ કોઇ મદદ જોઇતી હોય તો ફાતમાબહેન હમેશાં તૈયાર જ હોય છે .
ભણતર અને તેમાં પણ દીકરીઓનાં ભણતર ઉપર ખૂબ જ ભાર મૂકતાં ફાતમાબહેન કહે છે કે દીકરીઓને પણ ભણવાનો હક છે . આ બાબતે પણ તેમણે પોતાની દીકરીને ભણાવીને દાખલો ઉભો કર્યો છે . તેમની દીકરીને જોઇને સમાજની બીજી દીકરીઓ પણ હવે ભણતી થઇ છે .
સમાજમાં દાખલો ઉભો કરવાની કામગીરીમાં ઘરમાં સંઘર્ષ થાય તે સ્વાભાવિક છે . પણ ફાતમાબહેનને તેમના પતિ હુસેનભાઇનો પહેલેથી ખૂબ જ ટેકો મળ્યો છે . ફાતમાબહેન શરમાતાં શરમાતાં કહે છે  : 
લોકલ ન્યુઝમાં મારો ઇન્ટરવ્યુ આવતો હોય તો "ઇ" તરત બૂમ પાડે : જલદી આવ, તારો “સીન" આવ્યો !

ફાતમાબહેન માને છે કે બહેનોમાં ઘણી શક્તિ છે . તેઓ આત્મવિશ્વાસથી કહે છે કે બહેનો જો ધારે તો ડુંગર પણ ખણી (ઉપાડી) શકે . અમારા મંડળના ઘણાં કામો અધૂરાં રહે છે ત્યારે જીવ પણ બળે . પણ અમે કામ ચાલુ જ રાખીએ, બેસી ન રહીએ .


આવો જ સંદેશ ફાતમાબહેનની દરેક કામગીરીમાંથી મળે છે . હારી ન જવું, માહિતી મેળવવી, દલીલ કરવાને બદલે કામ કરીને તેને જ બોલવા દેવું. દરેક બહેનમાં આવો આત્મવિશ્વાસ છે જ. જરૂર  છે તેને ઓળખીને યોગ્ય કામમાં અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવો . કોઇ ભેદભાવ વિના, પોતાનાં દિલ, દિમાગ અને અનુભવને વાપરીને કોઠાસૂઝથી કામ કરતાં ફાતમાબહેનને સલામ ! ('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' તરીકે પ્રકાશિત)1 comment:

  1. રસપ્રદ જીવનગાથા. આપણા સમાજમાં ફાતિમા બેન જેવા લોકોને સેલીબ્રીટી ગણવાની શરૂઆત થાય તો કેવું સારું !

    ReplyDelete