Wednesday, March 2, 2016

એને નારાયણી નહીં, નારી માનીએ તોય ઘણું !


                                                                      - બીરેન કોઠારી

ઈતિહાસમાં મધ્યયુગ તરીકે ઓળખાવાયેલો સમયગાળો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓના કાળાડિબાંગ અંધકાર જેવો હતો, એમ કહી શકાય. ત્યાર પછી ધીમે ધીમે વિજ્ઞાનને કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવતું ગયું. વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, તે જેટલી ઝડપથી લોકોની જીવનશૈલી બદલી નાંખે છે, એ ગતિએ માન્યતાઓ કે માનસિકતાને બદલી શકતું નથી. પરિણામે છેલ્લામાં છેલ્લી ઢબનું ઉપકરણ વાપરતો માણસ માનસિક રીતે સો-બસો વરસ પાછળ અને પછાત હોય એની નવાઈ નથી. બીજા દેશોની ખબર નથી, પણ આપણા દેશમાં આવા પરચા અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ આધુનિકતમ તબીબી કે ઈજનેરી આવિષ્કાર અંગેના સમાચાર વાંચીને સહેજ આનંદની અને એકવીસમી સદીમાં આવ્યા હોવાની ખરેખરી લાગણી અનુભવાય. તેની સામે બીજી અનેક બાબતો જાણીને મધ્યયુગમાં રહી ગયા હોવાનો આભાસ થાય અને સ્વાતંત્ર્યપ્રાપ્તિનો અર્થ નવેસરથી વિચારવો પડે.
૧૯૪૭માં દેશને સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ અને ત્યાર પછી ૧૯૫૦માં બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણમાં તમામ દેશવાસીઓને સમાનતા અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. આમ છતાં, હજી ઘણાં સ્થાનો એવાં છે કે જ્યાં બંધારણ જેવી કોઈ બાબત લાગુ પડતી નથી, એમ લાગ્યા વિના રહે નહીં.
કેરળના સબરીમાલાના મંદીરમાં રજસ્વલા સ્ત્રીઓને મંદીરમાં પ્રવેશવા ન દેવાની પ્રથા અને એ અંગે સર્વોચ્ચ અદાલતની ટીપ્પણીને પગલે વ્યાપક ઉહાપોહ અને વિરોધ થયો. આ વિરોધ માંડ શમે ત્યાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરના મંદીરની પ્રથા સામે મહિલાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. શનિદેવના આ મંદીરમાં મૂર્તિ પર તેલ ચડાવવાનો હક કેવળ પુરુષોનો જ છે. આ પ્રથા સામે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે. આધ્યાત્મિક ગુરુ તરીકેની ઓળખ ધરાવતા શ્રી શ્રી રવિશંકરે આ આખા મામલે મધ્યસ્થી કરીને એવો ઊકેલ સૂચવ્યો કે પુરુષ યા સ્ત્રી બન્નેમાંથી કોઈ હવે તેલ નહીં ચડાવે. તેને બદલે કેવળ પૂજારી જ આ વિધિ કરશે. કેવળ પૂજારી દ્વારા વિધિ કરવામાં આવે તો મહિલા પૂજારીઓની નિમણૂક કરવાની માગણી મહિલા સંસ્થાએ કરી છે. આ વિવાદમાં નોંધપાત્ર બાબત એ છે કે મહિલાઓએ પુરુષોના પૂજા કરવાના હકને નાબૂદ કરવા સામે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે અમારે પુરુષોનો હક નાબૂદ કરાવવો નથી, પણ અમારો પોતાનો હક જોઈએ છે. આ આખા મુદ્દામાં વિધિના ઔચિત્ય, જરૂરિયાત કે નિરર્થકતાની ચર્ચાને બાજુએ રાખીએ તો લિંગભેદનો મુદ્દો કેન્‍દ્રસ્થાને છે.
કેવળ સબરીમાલા કે શનિ શિંગણાપુરનાં મંદીરોની વાત ક્યાં કરવી? ઘણાં બધાં સ્થાનિક મંદીરોમાં પણ રજસ્વલા મહિલાઓની પ્રવેશબંધી અંગેની સૂચનાઓ ચીતરેલી હોય છે. મહિલાઓને આ બાબતે વાંધો છે કે નહીં એ પછીની વાત છે. પણ આજના વૈજ્ઞાનિક તેમજ માહિતીના સ્ફોટના યુગમાં આવી માન્યતાઓ પ્રચલિત છે એ આઘાતની વાત કહેવાય. ઘણી મહિલાઓએ આના વિરોધમાં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે એ આનંદની વાત છે. અધિકાર કે વિશેષાધિકાર નહીં, કેવળ નારીત્વના સ્વીકાર અને નારીત્વની જરૂરિયાત બાબતે આપણાં ધર્મસ્થાનોની અને એ રીતે આપણી માનસિકતાની આ સ્થિતિ છે!
વિકાસ, સ્ત્રીસશક્તીકરણ અને સમાન તકોની મોટી મોટી વાતો દેશની હવામાં ચોમેર પ્રસરતી રહે છે. આ વાતાવરણમાં આવી મધ્યયુગીન માન્યતાઓ અને ખાસ તો તેની પાછળની માનસિકતા વરવા સ્વરૂપે પ્રગટ થાય એ જોઈને લાગે છે કે હજી આપણે ઘણો લાંબો પંથ કાપવાનો છે. એટલું જ નહીં, આ લાંબો પંથ કાપતાં અગાઉ તેની દિશા અને ધ્યેય પણ નક્કી કરવાનાં છે. સ્ત્રીસન્માન કે સ્ત્રીશક્તિની વાત આવે એટલે જાણ્યાસમજ્યા વિના યત્ર નાર્યસ્તૂ પૂજ્યન્‍તેનો સાચોખોટો શ્લોક ફટકારી દઈને જ નારીસન્માનની વિભાવના આપણે ત્યાં આદિકાળથી ચાલી આવતી હોવાનો સંતોષ કે ગૌરવ લઈને આપણે ઈતિ કરી દઈએ છીએ. દેવતાઓને નિવાસ કરતા જોવાની અને એ માટે નારીઓની પૂજા કરી દેવાની આપણને એટલી બધી ઉતાવળ હોય છે કે નારીઓ મનુષ્ય છે એ વાત જ ધ્યાનમાં આવતી નથી.
આવા સામૂહિક વલણનું પ્રતિબિંબ જાહેર ક્ષેત્રે મહિલાઓ માટેની પ્રાથમિક સુવિધાઓ તરફ નજર નાંખતાં સ્પષ્ટ થઈ જશે. મહિલાઓને સમાન અધિકાર આપવાના ભાગરૂપે પોલિસ ખાતામાં મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. પણ પોલિસ વિભાગમાં કાર્યરત હોય એવી મહિલાઓના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે મોટા ભાગનાં પોલિસ સ્ટેશનોમાં મહિલાઓ માટે શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. આને કારણે મોટા ભાગની મહિલાઓ ફરજ પર હોય ત્યારે લઘુશંકાને ટાળવા માટે તરસ લાગે ત્યારે પાણી સુદ્ધાં પીતી ન હતી અને તરસી રહેતી હતી. આઈ.પી.એસ. અધિકારી અને સશસ્ત્ર સીમા બળનાં ઈ‍ન્સ્પેક્ટર જનરલ રેણુકા મિશ્રાએ હાથ ધરેલાં આ સર્વેક્ષણનાં બીજાં પણ ઘણાં તારણો છે. મહિલાઓનું શારિરીક બંધારણ પુરુષથી તદ્દન અલગ છે અને તેથી તેમની જરૂરિયાતો પણ અલગ છે. સાવ પ્રાથમિક તબક્કાની આ જરૂરિયાતો પૂરી પાડવાનું પણ ભાગ્યે જ ધ્યાનમાં આવે છે. 
આ અનુભવ ભારતભરમાં કામ કરતી મહિલાઓને હશે. કેવળ પોલિસવિભાગમાં જ નહીં, મોટા ભાગનાં જાહેર સ્થળોએ મહિલાઓ માટેનાં અલાયદાં શૌચાલય ભાગ્યે જ હોય છે, અને જે હોય છે એની હાલત એવી હોય છે કે તેનો ઉપયોગ કરતાં સૂગ ચડે. મંદીરોની વાત હોય કે જાહેર સ્થળોની, મહિલાઓ માટે પાયાની જોગવાઈની તો ઠીક, એ દિશામાં વિચારવા સુધીની જોગવાઈ પણ આપણે ભાગ્યે જ કરી શક્યા છીએ.

ભવ્ય સાંસ્કૃતિક પરંપરા, નારીઓનું આદરપૂર્ણ સ્થાન, આદર્શ નારીરત્નો વગેરે બાબતો આપણને ગૌરવના મિથ્યા કેફમાં એવા ડૂબાડી રાખે છે કે વર્તમાન સમયની વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરવામાં આપણને જરાય વાંધો આવતો નથી. વીસમી, એકવીસમી કે બાવીસમી સદી કેવળ કેલેન્‍ડરમાં બદલાતો સમય છે. કેલેન્‍ડર બદલાવાની સાથે આપણા વિચારોમાં કશો ફરક પડે છે કે કેમ, એ મહત્ત્વનું છે. 
'ગુજરાતમિત્ર' સમાચારપત્રમાં આવતી લેખકની કોલમ 'ફિર દેખો યારો'માં પ્રકાશિત લેખ તેમની મંજૂરીથી સાભાર. )

No comments:

Post a Comment