Tuesday, March 15, 2016

જાતીય સતામણી એ સ્ત્રીના માનવ અધિકારનું હનન

ગઈ કાલે પુરુષોનાં વલણ અને વર્તનમાં બદલાવ માટેનાં સૂચનો વિષે વાત કરી. આજે કરીએ તે વાતને પૂરક એવી મહિલાઓનાં વર્તન-વલણના બદલાવ વિષેની ચર્ચા.
પ્રથમ વાત તો એ જ કે મહિલાઓએ જાતીય સતામણીને ઓળખવી જરૂરી છે. અસ્વસ્થ, અપમાનિત અથવા ભયભીત બનાવતો કોઈ પણ વ્યવહાર જાતીય સતામણી છે. સામેવાળી વ્યક્તિના ઈરાદા કરતાં, મહિલા શું અનુભવે છે એ વધારે મહત્વનુ છે. જો કોઈ મહિલાને આવી કોઈ પણ પ્રકારની સતામણીનો અનુભવ થાય, તો તેનો વિરોધ કરવાનો તેને અધિકાર છે.  
એક એવી ગેરસમજ છે કે સ્ત્રીની ‘ના’ એટલે ખરેખર ‘હા’ હોય છે. પણ એ વાત બિલકુલ સાચી નથી. સ્ત્રીની ‘ના’ એ ‘ના’ જ હોય છે. જે બાબત અણગમતી હોય તેના માટે દરેક સ્ત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ના કહેવી જ જોઈએ. મને આ પસંદ નથી” અથવા “રોકાઈ જાવ”. આ વાક્યોને જોરપૂર્વક બોલીને તરત જ પોતાનો વિરોધ કે અણગમો બતાવી દેવાં.
એવું બનતું હોય છે કે એકાદ મહિલા કે કિશોરીને જાતીય સતામણીનો અનુભવ થાય એટલે તેમનાં બહાર જવા ઉપર યા તો બંધન આવી જાય છે અથવા સમય નક્કી થઇ જાય છે. રાતે તો બહાર જવાનું બિલકુલ બંધ ! પણ આવું કરવાને બદલે બહેનોએ સતર્ક અને આત્મવિશ્વાસુ બનવાની જરૂર છે. આવી સતામણી થાય ત્યારે શાંત રહીને તે વ્યક્તિ સામે નજર મેળવી અને દ્રઢતાથી સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહેવી. જેથી સામેની વ્યક્તિને સ્પષ્ટ સંદેશ મળે કે આ મહિલા સતર્ક છે અને આ જગ્યા પર રહેવાનો એને પણ એટલો જ અધિકાર છે.
મિત્રો અને સહયોગીઓનો સાથ સતામણી છતી કરવામાં મદદગાર સાબિત થાય છે. ઉપરાંત, એક મહિલા તરીકે જો તમારી હાજરીમાં કોઈની સતામણી  થતી હોય તો તેને મદદ કરવા તથા પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું જોઈએ.
જાતીય સતામણીની ઘટના બને તો પોલીસને તેની ફરિયાદ નોંધાવવી ખૂબ જ જરૂરી છે. જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જેને નજર અંદાજ ન કરવો જોઈએ. તે એક મહિલાનું અપમાન તો છે જ, સાથે માનવ અધિકારનું પણ હનન છે. આવી ઘટના કોઈની પણ સાથે બને, તેની જાણ યોગ્ય અધિકારીઓને તરત કરવી જ જોઈએ.
જાતીય સતામણી માટે મહિલાએ ક્યારેય પોતાની જાતને દોષી ના માનવી જોઈએ. એ પુરુષો દ્વારા મહિલાઓ પર સત્તા અને મર્દાનગી અભિવ્યક્ત કરવા માટેનું માધ્યમ છે. એ વાત ખાસ યાદ રાખવી કે કપડાં અથવા તો રહેણી-કહેણી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય વર્તાવ અથવા તો સતામણીને આમંત્રણ આપતા નથી.
મહિલાઓ આ સૂચનોને ધ્યાનમાં લઈને પોતાનું વર્તન બદલાવે તો તેમને તો વ્યક્તિગત ફાયદો થશે જ. સાથે, બીજા સંવેદનશીલ લોકોનો સાથ પણ મળી શકશે. જે જાતીય સતામણીના કિસ્સાઓ ઘટાડવામાં મદદરૂપ બની શકે. સ્વસ્થ વિચારસરણી ધરાવતાં સ્ત્રી-પુરુષો જ સાથે મળીને આ સમાજને તંદુરસ્ત અને મહિલાહિંસામુક્ત બનાવશે તેમાં બેમત નથી.

 (કચ્છમિત્રમાં તા. ૧૨-૩-૨૦૧૬ના પ્રકાશિત)


No comments:

Post a Comment