Tuesday, March 8, 2016

સ્નેહ-શાંતિના સાથે સલામતીની વાટે


પરિવર્તનનો પવન આજે ચારે દિશાઓમાં ફૂંકાઈ રહ્યો છે. કચ્છ પણ તેમાંથી બાકાત નથી. એકાદ દાયકા પછી જે કચ્છ આવતા હોય તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કે આ એ જ કચ્છ છે ! મોટાં મકાનો અને દુકાનો, પહોળા રસ્તા, અઢળક કંપનીઓ, અન્ય રાજ્યોના રહેવાસીઓની મોટી સંખ્યા, આલિશાન સરકારી કચેરીઓ, પ્રવાસીઓ અને હોટેલ્સની વધી ગયેલી સંખ્યા અને બીજું કેટલુંય.
એની સાથે એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સિક્કાની બીજી બાજુની જેમ, આ જ પરિવર્તન સાથે નકારાત્મક પાસાં પણ જોડાયેલાં છે. વધતાં જતાં વ્યસનો, વધતા જતા ગુનાઓ, વધતી જતી હિંસા, હિંસાના બદલાતા પ્રકાર આ નકારાત્મક બાજુઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ બધી બાબતોની અસર ઘણા બધા વર્ગ ઉપર થાય છે. જેમાં સામાજિક, આર્થિક, તક અને સગવડોની દ્રષ્ટિએ વંચિત નાગરિકો આનો સહુથી વધુ ભોગ બને છે. તેમાં પણ મહિલાઓની સ્થિતિ વધુ કફોડી છે. કેમ કે તેઓ સામાજિક માળખાંમાં નીચેથી પણ નીચેના સ્તરે છે.
કચ્છમાં પણ મહિલાઓની આવી જ પરિસ્થિતિ છે. અલબત્ત, હકારાત્મક પરિવર્તન પણ છે, એ રાહતરૂપ બાબત છે. મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરતી થઇ છે. દીકરીઓ ભણતી થઇ છે. પણ જેમ માળખાંકીય સગવડોને વિકાસ  કહેવાય કે કેમ, એ એક સવાલ છે. એ જ રીતે આવાં થોડાં-ઘણાં ઉદાહરણોને મહિલા સશક્તિકરણ ગણી શકાય કે કેમ એ પણ એક સવાલ છે.
એટલે જ હવે મહિલા સશક્તિકરણના અર્થમાં પણ પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે. એ માટે સમાજ, સરકાર અને સંસ્થાઓ સાથે મળીને કદમ ઉઠાવે તો બહુ સરસ અને નક્કર પરિણામ પણ લાવી શકાય એમાં બેમત નથી. સંસ્થા એટલે માત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ જ નહિ, શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાં સામેલ થાય. કેમ કે કિશોરીઓ અને યુવતીઓ પણ પોતાને સલામત અનુભવતી નથી એ હકીકત છે.
અત્યારે એવો સમય આવી ગયો છે કે મોટાભાગની મહિલાઓ એક પણ સ્થળે સલામતીનો અહેસાસ નથી કરતી, પછી તે કોઈ પણ ઉમરની હોય. તેમને અસલામતીનો અહેસાસ કરાવતી જગ્યાઓ પણ અનેક છે. શૈક્ષણિક સંસ્થાઓ, કામના સ્થળો, જાહેર રોડ, જાહેર વાહનો, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, મનોરંજનના સ્થળો અને પોતાનું ઘર પણ.
એ પણ બહુ દુઃખદ કહેવાય તેવી વાત છે કે સ્વજન કહી શકાય તેવા પુરુષો જ નહિ, ઉપરી અધિકારી, શિક્ષક, ડ્રાયવર-કંડકટર, પોલીસ, સરકારી અધિકારીઓ, ધર્મગુરૂઓ, સાથી કર્મચારીઓ જેવા પરિચિત કે થોડા પરિચિત પુરુષો પણ જાતીય સતામણી કરતા હોય છે.
કદાચ આ બધું બહુ નિરાશાજનક કે નકારાત્મક લાગે. પણ કમનસીબે આ જ વાસ્તવિકતા છે. જેના કેટલાય જીવતા દાખલા આપણી આસપાસ જ જોવા મળે છે. પણ એ જોવા માટે માનવની સંવેદનશીલ આંખ અને હૃદય જોઈએ.
પણ હવે આશાનું એક કિરણ ફૂટ્યું છે. સરકારી તંત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કિશોરીઓ અને મહિલાઓની સલામતી વિષે કામગીરી શરૂ કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ એ કોઈ યોજના, પ્રોજેક્ટ કે ઉજવણીનો મુદ્દો ના હોઈ શકે કે નથી એ પુરુષોનો વિરોધ. મહિલાઓ પોતાની જિંદગીના દરેક નિર્ણયો લેતી થાય અને તેમાં પરિવારથી માંડીને આસપાસના વાતાવરણમાં તેની સાથે જોડાયેલા તમામ લોકો તેને સાથ આપે. આ માટે મહિલાઓએ પોતાના  વિચારો, અનુભવો, સપનાંઓની અભિવ્યક્તિ કરવી પડશે. તો જ સાચાં સશક્તિકરણ તરફની સફરની શરૂઆત થશે, જેમાં દરેકની સહભાગીદારી હશે.

એ વિષે સતત વિચાર અને સંવેદનશીલતા સાથે તેનું યોગ્ય અમલીકરણ થાય એ અનિવાર્ય છે. એટલું નહિ, આ અમલીકરણ થાય એ જવાબદારી માત્ર મહિલાઓની નથી. એ જવાબદારી તો દરેક સંવેદનશીલ વ્યક્તિની છે. જો આપણે આપણને સંવેદનશીલ વ્યક્તિ માનતાં હોઈએ તો.. સ્નેહ, શાંતિના સાથે સલામતી તરફ શરૂ થયેલી આ સફરના હમસફર બનવા આપ સહુને આમંત્રણ છે.
                                  ('કચ્છમિત્ર'માં ૮/૩/૧૬ના રોજ પ્રકાશિત) 

1 comment:

  1. industrialization definitely gives more power and independence to women when a society transforms itself from sole agriculture base. So hypothesis is bit misplaced. need a little reference of history here. regards

    ReplyDelete