Sunday, January 29, 2017

પાયાના પથ્થર એવાં પરમામાની પ્રેમાળ કહાણી

       

      કચ્છની સંસ્થા "શ્રૃજન" નો પાયો જેના ઘરે નખાયો એવાં પરમામા હજી રચનાત્મક કારીગર છે.

        આમ તો પરમામાને જોઇએ તો વાર્તા કહેતી નાની કે દાદી યાદ આવે એટલાં સહજ અને પ્રેમાળ લાગે. એટલી જ સહજતાથી અને પ્રેમાળ રીતે તેઓ "શ્રૃજન" સંસ્થાની શરૂઆત પોતાનાં ઘરમાંથી થઈ તે વાત પણ કહી દે. સંસ્થા માટે અને સંસ્થા સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે તેમને જે દિલની લાગણી અને દિલનો સંબંધ છે તે તે તેમના દરેક શબ્દમાં અનુભવી શકાય. પછી તે વ્યક્તિ મુ.કાકી હોય, શ્રી કિરીટભાઇ હોય, શ્રી ધવલભાઈ હોય કે પછી અબડાસા તાલુકાનાં ખૂણાનાં ગામની કોઇ કારીગર બહેન હોય,દરેકને નામ અને કામથી તેઓ હજી પણ યાદ કરે છે.


        અને કેમ ન કરે? આ કંઈ એક બે દિવસનો સંબંધ છે? પૂરાં ૪૦ વર્ષનો સંબંધ છે.એટલે જ પરમામા બધી વાત જાણે પોતાનાં ઘરની જ વાત હોય એટલી નિસબતથી કરે છે."ત્યારે દુકાળ પડેલો. અહી રામકૃષ્ણ મિશન દ્વારા રસોડું કરવામાં આવેલું.કાકી એટલે કે શ્રી ચંદાબહેન શ્રોફ અહીં અમસ્તાં જ સ્વામીજીને મળવા આવેલાં. તેમણે બહેનોની કળા જોઇ.તેમને થયું કે યોગ્ય ઢાળ મળે તો આ કળાનું વહેણ સારી રીતે વહી શકશે. કોઇએ તેમને મારું નામ આપ્યું " અને બસ, શરૂ થઈ ગયો એક સુંદર સંબંધનો સિલસિલો.

        ભૂજ તાલુકાનાં ધાણેટી ગામનાં વતની પરમામા મૂળે "આરખણી" એટલે કે ભરતની ડિઝાઈનનાં કારીગર. સાથે ભરત પણ ભરે. પહેલાં તો તેઓ ગામની બહેનોને એમ ને એમ આરખણી કરી આપતાં.કોઇ બહેન તેમની પાસે આવે ત્યારે જો પરમામા ઘરનું કંઈ કામ કરતાં હોય તો તે બહેન જ હોંશેહોંશે તે કામ કરી આપે. અને પરમામા કરે આરખણી. એનો એક રૂપિયો ના લે. બહેન કંઈ કામ ન કરી આપે તો પણ પરમામા તો મફતમાં જ આરખણી કરી આપે.

        ત્યાર પછી સંસ્થા સાથે સંબંધ શરૂ થયો. ત્યારે તો ભુજોડી તો શું, કચ્છમાં પણ કંઈ ઓફિસ કે એવું નહોતું.પરમામાના ઘરે જ બધું કામ થાય.કાચા માલની લેવડદેવડ થાય,ભરાયેલા ટુકડા આવે વગેરે. પરમામા તો બધું મફત કરતાં. પણ કાકીએ કહ્યું :" કાયમી કંઈ મફત કરાય?"પણ પરમામાએ ક્યારેય પગારની માથાકૂટ કરી નથી.માલ પહોંચાડવા યા તો પાર્સલ કરતાં અથવા તેઓ જાતે મુંબઈ જતાં.આજથી ૪૦ વર્ષ પહેલાં એક સ્ત્રી માટે મુંબઈ જવું સહેલું નહોતું. અમદાવાદ ટ્રેન બદલવી પડતી.સાથે કિમતી માલ હોય."પણ હું પણ એક યુક્તિ કરતી. માલ બધો સારી રીતે બોક્સમાં ન ગોઠવતી.કોથળામાં ભરતી! એટલે કોઇને ખબર ન પડે."

        પરમામાના પતિ ખૂબ સારો ટેકો કરતા. મુંબઈ જવાનું હોય ત્યારે તેઓ ધાણેટી આસપાસનાં ગામોમાં જઈને મુંબઈ જનારો "સથવારો" શોધી લાવતા. વળતાં તો પરમામા એકલાં જ હોય." આપણે પોતે બરાબર તો દુનિયા બરાબર. પહેલાં પોતાને જોવું, પછી બીજાને દોષ દેવો."પરમામા શાંતિથી કહે છેપુસ્તકીયું ભણેલાં નહી પણ આવાં મૂલ્યો ગણેલાં પરમામા નિશાળ નથી ગયાં. પણ એક જૈન સાધ્વીજી સમતાશ્રીજી પાસે લખતાંવાંચતાં શીખ્યાં છે.પછી તો ઘણાં ધાર્મિક પુસ્તકો વાંચ્યાં છે. અત્યારે પણ ભાગવત અથવા કોઇ પુસ્તક ઓશિકે જ હોય." હું વાંચતાં શીખતી ત્યારે ઘરની અંદર ખૂણામાં બેસતી. બહાર કોઇને ખબર ન પડવી જોઇએ. હવે તો ભણતર ખૂબ જરૂરી છે." આવું માનતાં પરમામાની દોહિત્રી સ્નાતક થઈ છે.

     "માત્ર આહિર બહેનો જ નહીં,દરેક બહેનને કામ મળવું જોઇએ" આ સિદ્ધાંતમાં માનતાં પરમામા સંસ્થાના સહયોગથી અબડાસા, છોટા ઉદેપુર,દ્વારકા,થરાદ પણ જઈ આવ્યાં છે. કારીગર બહેનો માટે ખૂબ જ લાગણી ધરાવતાં પરમામા કારીગરોની વાત આવતાં જ ભૂતકાળમાં સરી પડે છે. "અબડાસાનાં ગામોમાં હું આઠ આઠ દિવસ રોકાતી.બહેનોને ભરત અને આરખણી શીખવતી.ત્યારે તો પોતે મહેનત કરીને સંસ્થા ઉભી કરતાં. કામના કલાકો નક્કી ન હોય. દી ઉગે ત્યારે કામ શરૂ અને દી આથમે ત્યારે કામ પૂરું.એક વાર વમોટી ગામમાં શીખવા માટે ૨૦ને બદલે ૪૯ બહેનો થઈ ગઈ. પછી બપોરે ૧૨ વાગા સુધી ૨૫ બહેનો અને ૧૨ પછી બીજી બહેનોને શીખવ્યું."બહેનો ખેતરમાં મજૂરી કરતાં કે માટી ઉપાડતાં."આખો દિવસ મટ્ટી ઉપાડે,ત્યારે ૧૪ આના મળે. તેનાથી તો સારું ને કે ભરત ભરે." જૂની વાતો યાદ કરતાં પરમામાના હોઠ જ નહિ, આખો ચહેરો હસી ઉઠે છે. "બહેનો સાડી ઊંધી ભરી નાખતાં. કેમ કે સાડી કેમ પહેરાય તેનો તેમને ખ્યાલ જ નહીં. પાલવ ક્યાં હોય તે પણ તેમને ખબર ન પડે."

        "હજી પણ તમે આરખણી કરી શકો?" જવાબમાં ફટાફટ ત્રાંસ મગાવ્યો અને એને ઉંધો મૂકી, કપડાં ઉપર એક સરસ મોર દોરી બતાવ્યો. ૮૬ વર્ષે પણ ચશ્મા વિના કામ કરી શકતાં પરમામા કહે છે કે મને રીંગ ન જોઇએ.ત્રાંસ કે થાળી ચાલે. પરમામાએ કોઇપણ પ્રકારની તાલીમ લીધી નથી પણ તાલીમ આપી ઘણી છે.બધી જ પ્રોડક્ટની ડિઝાઇન બનાવેલી છે.પહેલાં ગેરૂથી આરખણી કરતાં પરમામા અત્યારે બોલપેન વાપરે છે. "છેકો પડે તો?" એવી શંકાના જવાબમાં પરમામાનો અનુભવ જવાબ આપે છે :"ભૂલ પડે તો છેકો પડે ને

        આવો ધરખમ અનુભવ ધરાવતાં પરમામાના પગ જમીન ઉપર જ છે. આટલી સરસ આરખણી કોણે શીખવી? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે આ ઉપરવાળો. બીજું કોણ શીખવે?અંદરની સૂઝ છે અને ભગવાનની દયા છે. ખુમારીથી ભરેલાં પરમામા અત્યારે એકલાં જ રહે છે. તેમનાં દીકરી બાજુમાં જ રહે છે. પણ પરમામા જાતે રસોઇ બનાવે, સફાઈ કરે, કપડાં સુદ્ધાં જાતે ધૂવે છે.
        હવે તેઓ સંસ્થામાં જતાં નથી. પણ ચંદાકાકી કે કાંતિસેનકાકા કચ્છ આવે ત્યારે પરમામાને ઘરે અચૂક આવે. એટલું જ નહીં. પરમામાએ જેમને તાલીમ આપી છે તે કારીગર બહેનો પણ ધાણેટી ખાસ પરમામાને મળવા આવે છે. આવા કુદરતની અણમોલ ભેટ જેવા કારીગર તો સંબંધિત સંસ્થાની સાથે સમગ્ર કચ્છનું ગૌરવ છે.
('સાફલ્યગાથા' કોલમ હેઠળ 'કચ્છમિત્ર'માં પ્રગટ)

૨૪ ૦૧ ૨૦૧૭ના દિવસે, ૯૫ વર્ષની ઉમરે પરમામાએ કાયમી વિદાય લીધી. અચીજા પરમામા.....