Thursday, January 15, 2015

અદભૂત આત્મવિશ્વાસ અને અનન્ય આત્મબળનું પ્રતીક


        કમ્પ્યુટર, ફૂડ એન્ડ ન્યુટ્રીશન અને કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા, મહેંદી, ડ્રોઈંગ, પેઈન્ટીંગ, ગૃહસુશોભનની અગણિત વસ્તુઓ, મીણની જાતજાતની વસ્તુઓ, ગ્લાસ એન્ડ સેન્ડ પેઇન્ટીંગ, જ્વેલરી ડીઝાઈનીંગ, મડવર્ક, સોફ્ટ ટોયઝ, ભરત-ગૂંથણ, મીઠો અવાજ. વકતૃત્વકળા, મસ્તીખોર સ્વભાવ, અસામાન્ય આત્મવિશ્વાસ, હકારાત્મક
 કુંજલ છાયા
અને હસમુખ વ્યક્તિત્વ, ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પરફેક્ટા નામની હાડકાંની ગંભીર બીમારી... આ બધી બાબતનો સરવાળો એટલે હજી ત્રીસી પણ વટાવી નથી અને વ્હીલચેરમાંથી ક્યારેય પગ જ નીચે નથી મૂક્યો એવી કુંજલ પ્રદીપ છાયા.
        જેના પાસે જિંદગી માટે હંમેશાં ફરિયાદો જ હોય, નાની નાની બાબતો માટે જીવનથી હારી જનારા લોકો જો એક વાર પણ કુંજલને મળે તો તેઓ હંમેશ માટે ફરિયાદ કરવાનું ભૂલી જાય, એટલું જ નહિ, કુદરતે આપેલી પોતાની જિંદગીને પ્રેમ કરવા લાગે,
        પારાવાર શારીરિક તકલીફો વચ્ચે, અત્યંત ખુમારી અને આનંદથી રહેતી કુંજલ પોતાના ખૂબ જ ગંભીર રોગને પણ હસી કાઢે છે. તે કહે છે : મારાં હાડકાં એટલાં બરડ છે કે થોડું પણ દબાણ આવે તો તરત જ ફ્રેક્ચર થઇ જાય. એટલે ફરજીયાત થોડા દિવસનો આરામ ! આટલું ઓછું હોય તેમ, વળી હસતાં હસતાં ઉમેરે છે : પહેલાં તો મને એટલાં ફ્રેક્ચર થતાં કે મેં ત્યારે પહેરવાનો ગાઉન જ અલગ રાખી દીધો હતો અને એનું નામ રાખેલું ફ્રેક્ચર ગાઉન ! આવું મક્કમ માનસિક મનોબળ ધરાવતી કુંજલ સામે તેની ગંભીર શારીરિક બીમારી પણ હારી જાય છે.
        મૂળ કચ્છના ગાંધીધામની વતની કુંજલના પિતા સરકારી કર્મચારી હોવાથી વારંવાર બદલી થયા કરે. એટલે કુંજલને અલગ અલગ સ્થળોએ ભણવાનો અનુભવ અને તક મળ્યાં છે. પણ જ્યાં સહુથી વધુ સંવેદનશીલતાની આશા હોય તેવી શિક્ષણસંસ્થાઓમાંથી સહુથી વધુ કડવા અનુભવો થયા છે. તે કહે છે : મારી સાથે એવો અમાનવીય અને ખરાબ વ્યવહાર થતો કે હું સતત રડતી જ રહેતી. મને સતત ઉતારી પાડવામાં આવતી. પણ પછી મને થયું કે આમ રડવાથી કશું નહિ થાય. હું જ મારી લીટી મોટી કરીશ. અને એ મોટી લીટી એટલે ધોરણ દસથી માંડીને તમામ ડીગ્રી-ડિપ્લોમામાં મેળવેલા ડીસ્ટીનક્શન માર્ક્સ. સાથે વક્તૃત્વ, ગીત જેવી ઈતર પ્રવૃત્તિઓમાં શબ્દશઃ કોથળો ભરીને મેળવેલાં ઇનામો! માતા વર્ષાબહેન મીઠા ગુસ્સા સાથે ફરિયાદ કરે છે : જ્યારે બદલી થાય ત્યારે બીજો સામાન ગોઠવાઈ જાય. પણ કુંજલનો સામાન માંડ ઠેકાણે પડે ! કુંજલ તરત જ પોતાનો બચાવ કરતી ટહૂકી ઉઠે છે : અરે મમ્મી, મારા ક્લાસ શરૂ થઇ જવા દે એક વાર.”  ૫૯ પ્રકારની મીણબત્તી બનાવી જાણતી કુંજલ પોતાની બધી જ કળા હોબી કલાસનાં માધ્યમથી બીજાને શીખવે પણ છે.
        કુંજલનો પહેલો પ્રેમ છે ફેશન ડીઝાઈનીંગ. તેને પોતાને પણ સરસ ફેશનેબલ કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. પોતાના શોખની વાત કરતાં કુંજલનો ચહેરો ખીલી ઉઠે છે. તે કહે છે : મને ફાવે તેવું ચૂડીદાર સીવી આપવા કોઈ દરજી તૈયાર જ ના થાય. પણ મને તો ગમે તેમ થાય તે પહેરવાનો શોખ પૂરો કરવો જ હતો. એટલે મેં વિચાર્યું કે હું જાતે જ મારાં કપડાં બનાવીશ.” અને તેણે કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો.
        સંયુક્ત કુટુંબમાં ખૂબ લાડપ્યારથી ઉછરતી કુંજલ પોતાના પરિવારને ખૂબ ચાહે છે. કોઈ પૂછે કે તમે કેટલાં ભાઈબહેન? તો કુંજલ પિતરાઈ ભાઈબહેનોને પણ ગણીને જવાબ આપે. અત્યારે જયારે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યાં છે ત્યારે કુંજલનો પરિવાર સંપ અને પ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમાં પણ સહુની લાડકી કુંજલને બધાનો દિવસમાં એક વાર તો ફોન આવે આવે અને આવે જ.
માતાપિતા સાથે પણ કુંજલને ભાઈબંધી છે. વર્ષાબહેન કહે છે : બાળકને માતા સાથે નાળનો સંબંધ હોય છે એ વાત અમારા કિસ્સામાં એકદમ સાચી છે. કુંજલને તરસ લાગી હોય તો મને પણ લાગે જ. હું તેને પાણી આપું ત્યારે કુંજલને નવાઈ લાગે કે તને કેમ ખબર પડી? એવો જ સંવેદનાસભર સંબંધ છે પિતા સાથે. પ્રદીપભાઈ સતત એ જ વિચારતા હોય કે કુંજલને તકલીફ કેમ ઓછી પડે, એ માટે એ આભ-જમીન એક કરવા તૈયાર હોય. ગાડીમાં તેમણે જાતજાતના ફેરફાર કરાવ્યા છે, જેથી કુંજલ કલાકો સુધી મુસાફરી કરે તો પણ તેને વાંધો નથી આવતો.
વાતો કરવાની અત્યંત શોખીન કુંજલ સોશિયલ વેબસાઈટ ઉપર બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. ઇન્ડીયન આઈડોલમાં ભાગ લેવા એ અમદાવાદ ગઈ હતી ત્યારે ત્યાંના તેના નેટમિત્રો ખાસ તેને રૂબરૂ મળવા આવેલા. વ્હીલચેરમાંથી ક્યારેય પગ પણ નીચે નથી મૂક્યો એવી કુંજલ માટે મોબાઈલ અને ઈન્ટરનેટ આશીર્વાદરૂપ છે. આ માધ્યમોનો તે શ્રેષ્ઠ ઉપયોગ કરે છે.
જેણે કુંજલને વ્હીલચેર સાથે કાયમ માટે જકડી લીધી છે, તેવા રોગને કુંજલ ખુશી અને ખુમારીથી લડત આપે છે. એટલું ઓછું હોય તેમ એ રોગને પડકાર આપતી હોય તેમ સપનાં પણ પડકારવાળાં જુવે છે. તેને ભવિષ્યમાં એક્સપોર્ટ હાઉસ ઉભું કરવું છે. પોતાની સાથે બીજી બહેનોને પણ આવક મળે તેવું જૂથ બનાવવું છે. જેથી તે બહેનો સ્વનિર્ભર બને. પોતાના જેવા શારીરિક પડકારો સાથે જીવતા લોકો માટે અનુકૂળ રહે તેવાં કપડાં ડીઝાઈન કરવાં છે. એક સફળ ગાયિકા પણ બનવું છે.

દોસ્ત કુંજલ, તમારું એક્સપોર્ટ હાઉસ લોકોને આવક આપશે, પણ તેનાથી વધુ તો તમે પોતે બીજા લોકોને આત્મવિશ્વાસ આપો છો. તમારી આ ખુમારી અને આત્મવિશ્વાસ, બધી સગવડો છતાં આળસુ અને ફરિયાદી બનીને જીવતા લોકોને વધુને વધુ શરમાવે તેવી શુભેચ્છા.
                                  ('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમ તરીકે પ્રકાશિત)

2 comments: