Showing posts with label આસ્વાદ ગદ્ય. Show all posts
Showing posts with label આસ્વાદ ગદ્ય. Show all posts

Wednesday, October 1, 2014

બત્રીસ કોઠે હાસ્ય : અનાયાસ હાસ્ય..


હાસ્ય પ્રયત્નપૂર્વક ઉપજાવવું પડે ત્યારે હસવું ન આવે. હાસ્ય જ્યારે સ્વયંભૂ નીપજી આવે ત્યારે હસવું રોકાય નહિ. કમનસીબે બીજા પ્રકારના હાસ્યલેખકોની સંખ્યા સતત ઘટતી રહી છે. આવું લખનારને શ્લેષવાળી સસ્તી શબ્દરમત, પત્નીનાં પાત્રને ઉતારી પાડવું, પોતાની જાતને મૂર્ખ અને ડફોળ ચીતરીને જાતની ખીલ્લી ઉડાડવી જેવી બાલીશ વસ્તુઓ નથી કરવી પડતી. ઉર્વીશ કોઠારી લિખિત 'બત્રીસ કોઠે હાસ્ય', બીજા પ્રકારમાં આવે છે. 
ઉર્વીશ કોઠારી
          આપણી રોજબરોજની જિંદગી મોટેભાગે સામાન્ય અથવા રૂટીન હોય છે. પણ ઉર્વીશભાઈ તેમાંથી અસામાન્ય હાસ્ય નીપજાવી શકે છે. આ પુસ્તકમાંના ૩૪ લેખ તેની સાબિતી છે. પાણીપૂરી ના ખાધી હોય એવી વ્યક્તિઓ આંગળીને વેઢે ગણાય તેટલી હશે. ઘરમાં ઘૂસી ગયેલો ઉંદર પકડવાની કોશિશ કરી હોય તેવા ઢગલાબંધ વ્યક્તિઓ મળશે. બેસણાંમાં પણ આપણામાંથી દરેક વ્યક્તિ ગઈ જ હશે. શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે ફરવા જનારા પણ આપણામાંથી  મળી જશે. હોટેલમાંથી પાર્સલરૂપે જમવાનું ઘરે મંગાવનારા લોકોમાં આપણે પણ આવી જતા હોઈશું.
       બસ, આવા જ સાવ સામાન્ય અને ઘરેલુ કહી શકાય તેવા વિષયોમાં ઉર્વીશભાઈએ હાસ્ય પૂરીને, તેને અસામાન્ય બનાવ્યા છે. એટલી હદે કે વાચકને પોતાના જ જીવનની એ વાત છે એવું લાગે. લેખની ઘટનાને તાદૃશ (વિઝ્યુલાઈઝ) અનુભવી શકાય એટલી તેમાં જીવંતતા છે.
       શીર્ષક પણ ખૂબ આગવાં કહી શકાય તેવાં છે. માત્ર અનુક્રમણિકા જોવા જ પુસ્તક હાથમાં લીધું હોય અને આખું વાંચવું પડે તેવી ઉત્કંઠા ઉભી કરવામાં શીર્ષકો સફળ રહ્યાં છે. તેમાં ઉપયોગમાં લીધેલા શબ્દો ખૂબ જાણીતા હોવાનો ખ્યાલ આપે. થોડાં ઉદાહરણ :
એન્ટર,સ્પેસ,કંટ્રોલ, ગીત ગાયા મચ્છરોને, લસ્સી જૈસી કોઈ નહિ, જૂતાં તમારાં ઉતારો હો રાજ, રેઇનકોટ : ફિર ભી રહેગી નિશાનિયાં..
       આવાં સ-રસ શીર્ષકોથી શરૂ થતો દરેક લેખ વાચકને એકલાંએકલાં, આયાસ વિના સહજપણે હસાવી શકવાની શક્તિ ધરાવે છે. લેખની ભાષા, ઉદાહરણ, કટાક્ષ, વર્ણન, સરખામણી, જીવંતતા તો તેને વાંચીને માણવાથી જ અનુભવી શકાય. છતાં, થોડો આસ્વાદ એનો પણ.
       -  બેઠાં બેઠાં ઊંઘાય? આવો સવાલ ઓફિસમાં પૂછવામાં જોખમ છે. બોસ આ સવાલ અને તેના પૂછનારની સામે ઘૂરકિયું કરીને કહેશે, આ ઇન્ક્વાયરી છે કે પરમિશન? ઇન્ક્વાયરી હોય તો કહેવાનું કે હા, મારાથી ઊંઘાય. અને પરમિશન હોય તો, સોરી, તમારાથી ના ઊંઘાય.
       - આ સંવાદ સાંભળીને, ઘરમાં બેઠેલા ચંપલચતુર કે બૂટબહાદુરને ધરતી મારગ આપે તો તેમાં સમાઈ જવાનું નહિ, પણ તેમાં પોતાના બૂટ-ચંપલ સંતાડી દેવાનું મન થઇ જાય છે.
- જીવદયાપ્રેમીઓ મનુષ્ય સિવાયના કોઈ પણ જીવ ઉપર દયાનાં ડબલાં ઢોળવા તત્પર હોય, એવા કપરા સમયમાં ઉંદરને જીવતો પકડવાનું પરાક્રમ, કેટલીક યુનિવર્સીટીઓના પોસ્ટલ કોર્સની જેમ ઘર બેઠે પાર પાડી શકાય છે. તેમાં કાયદો નડતો નથી અને સમાજ આડે આવતો નથી.
- શટલનો સંબંધ વાહનના બાહ્ય સ્વરૂપ સાથે નથી. એ સ્ટેટ ઓફ માઈન્ડ છે. કોઈ પણ વાહન તેના ડ્રાઈવરની ઈચ્છા વિરુદ્ધ શટલ બની શકતું નથી અને ડ્રાઈવર ઈચ્છે તો કોઈ પણ વાહનને શટલ બનાવી શકે છે.
       સાદી કોથળીનો પણ બોમ્બ જેવો ઉપયોગ થઇ શકે છે તેની સાબિતી અહી મળે છે. મોર્નિગવોક કરનારાઓની માનસિકતા અને તેમના ઘરના સભ્યોની વિચારધારા ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે. સાથે, મોર્નિગવોક કરનારાઓની પરિસ્થિતિનું વર્ણન આપણને એ બગીચામાં સદેહે હોવાની અનુભૂતિ કરાવે છે. ટપોરીલોગ ઉપરનો અભ્યાસ ખડખડાટ હસવા માટે શબ્દશઃ મજબૂર કરે છે.
        મોટે ભાગે પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હોય. પણ અહી પસ્તાવાના છે. એ શબ્દની ચોખવટ પણ લેખક તરીકે ઉર્વીશભાઈએ તેની નીચે જ પહેલાં વાક્યમાં કરી છે. પણ એક વાચક તરીકે તો હું એટલું જ કહીશ કે જે આ પુસ્તક ના વાંચે એ પસ્તાવાના....
ઉર્વીશભાઈનાં અન્ય લખાણની મજા માણવા માટે તેમના બ્લોગની મુલાકાત અચૂક લેવી... આ રહી તેની લિંક. 
http://urvishkothari-gujarati.blogspot.in/

Wednesday, September 24, 2014

લાઘવનું સૌંદર્ય – સમક્ષ


કચ્છ એક એવો જીલ્લો છે કે જે બધી રીતનું વૈવિધ્ય ધરાવે છે. સંસ્કૃતિ, સંગીત, કળા, સાહિત્ય- ગમે તેની વાત કરીએ, કચ્છની એક આગવી ઓળખ છે. તેમાં પણ ખાસ કરીને સાહિત્યની વાત કરીએ તો કવિતા હોય કે નાટક, વિવેચન, વાર્તા, કે પછી અનુવાદ, કચ્છી ને ગુજરાતીના સમર્થ લોકોથી કચ્છ શોભે છે.કચ્છ, ગુજરાત અને ગુજરાત બહાર પણ કચ્છની યશપતાકા ફરકાવનારા સાહિત્યકારો કચ્છમાં વસે છે.  
            સિદ્ધહસ્ત કવિઓ પણ કચ્છની પરંપરામાં છે. દરેક ગુજરાતી સામયિક કે સમાચારપત્રમાં કચ્છના કવિઓની હાજરી હોય જ છે. કેટલાય કવિઓ અને કાવ્યસંગ્રહો વિવિધ પારિતોષિક વિજેતા બની ચૂક્યા છે. અન્ય ભાષાઓના કાવ્યોના ભાવવાહી ગુજરાતી અનુવાદો પણ કચ્છે આપ્યા છે.
       અહીં જે કવિની વાત કરવી છે, તેમનાં લઘુકાવ્યોથી બધાં પરિચિત છે. ખ્વાબ ઉપનામથી સુંદર રચનાઓ લખતા શ્રી મદનકુમાર અંજારિયાના એક કાવ્યસંગ્રહ સમક્ષનો નાનકડો પરિચય આપવાની કોશિશ કરી છે.  
            કવિ ભલેને એમ કહેતા હોય કે હું સક્ષમ નથી, સમક્ષ છું. પણ આપણને આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી એ વાતની ખાતરી થઈ જાય છે કે એ સમક્ષ પણ છે અને સક્ષમ પણ. એમની રચનાઓ જ આ બેય વાતની સાક્ષી પૂરે છે. નાનીનાની સુંદર ભાવવાહી રચનાઓથી સક્ષમ બનેલો આ કાવ્યસંગ્રહ, અનેક વાસ્તવિકતાઓને આપણી સમક્ષ અનેરી છટાથી મૂકે છે.  
            સહુથી આકર્ષક હોય તો તે છે શીર્ષકો. એક કે બે શબ્દોથી રચાયેલી ચારથી પાંચ લીટીની નાનકડી રચનાઓનાં મોટેભાગે એક એક શબ્દનાં શીર્ષક જ એટલાં સરસ છે કે આખી રચના વાંચ્યા પછી, ફરીથી એ શીર્ષકને તે રચનાના સંદર્ભમાં વાંચવાનું મન થઇ જાય. ત્યારે શીર્ષકની પછી નવી જ અર્થછાયા સ્પષ્ટ થાય અને રચનાનો પણ નવો જ અર્થ સમજાય.
આવાં થોડાં ઉદાહરણ જોઈએ તો :

કાતરનાં એક પાનાંએ
બીજાં પાનાંને કહ્યું :
ટેરવાની મર્યાદાનું
ઉલ્લંઘન કરનાર
નખને
કપાવું પડે છે.
 આ રચનાનું શીર્ષક છે : સજા.

આમ તો મને
પાંખોય હતી !
પણ
એની જાણ તો
છેક ત્યારે થઇ
જ્યારે
ઊડી ગયું
પ્રાણ પંખેરૂ !

આ રચનાનું શીર્ષક કલ્પી શકાય કે? શીર્ષક છે : નિરર્થક.
            આમ તો માનવજાતના કહેવાતા વિકાસના, પણ ખરેખર તો વર્તમાન સમસ્યાઓને રજૂ કરતી રચનાઓ પણ ખૂબ ચોટદાર છે.જેમ કે,  

સાંભળ્યું છે કે
માંદી હવાને
ઓક્સિજન પર
રાખવી પડી છે !
આ લઘુકાવ્યનું શીર્ષક છે : પ્રદૂષણ.

જમીનને
કાગળિયાના જોરે
બિનખેતીમાં ફેરવીને
ત્યાં બનાવેલા
આલિશાન મકાનની
અગાસી પર
તેઓ બનાવે છે
ટેરેસ ગાર્ડન !
કચ્છની જ વર્તમાન હાલતને છતી કરતી આ રચનાનું શીર્ષક છે : પ્રાયશ્ચિત.

            શીર્ષક તો સ-રસ છે જ, સાથે આ લઘુકાવ્યોમાં કવિએ જીવનની કરૂણતા અને વાસ્તવિકતાઓને પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. જેમ કે આ એક હાઈકુ.
ભરેલ તોયે
ખાલી પેટે,રઝળે
રાંક સગર્ભા !

અને વિકાસ શીર્ષકની આ રચના :

ગંઠાઈ જવાનો ગુણ
લોહી સુધી
સીમિત હતો,
જે હવે પહોંચી ગયો છે
લાગણી સુધી.

            વળી, કવિ એ પણ જાણે છે કે માનવજાતનું ભવિષ્ય શું હશે. એટલે જ તેઓ આગાહી નામની રચનામાં કહે છે કે ગઇકાલ સુધી ખેતી, હિસાબ, આયોજન જેવાં કામ તું જ કરતો હતો. તારા વતી હવે એ બધું યંત્ર કરે છે.  આવતીકાલે તારા વતી યંત્રો વિચારશે, ચિંતા અને પ્રેમ પણ યંત્રો જ કરશે. ગઈ કાલ અને આજની આવી ઘટનાનાં પરિણામની આગાહી કરતાં કવિ કહે છે કે પરમ દિવસે તારા બદલે જીવશે પણ યંત્રો. યંત્રની જેમ જીવતા માનવને જોઈને લાગે જ છે કે કવિની આગાહી સાચી પડી ચૂકી છે.
            પ્રશ્ન નામની એક રચનામાં પણ કવિને એ જ પૂછવું છે કે સંગીતમાંથી સંગીત બાદ થાય તો શેષ વધે શાંતિ, હાજરીમાંથી હાજરી બાદ થાય તો શેષ વધે એકાંત, રકમમાંથી રકમ બાદ થાય તો શેષ વધે શૂન્ય. આટલે સુધી તો બરાબર, પણ મૂળ પ્રશ્ન એ છે કે માણસમાંથી માણસ બાદ થાય તો શેષ શા માટે વધતો હોય છે રાક્ષસ?
       તે જ રીતે ખોખલી માન્યતાઓ અને દંભ ઉપર આકરો પ્રહાર કરતી આં રચના :
                                      ચામડાંનાં પગરખાં
                                        બહાર ઉતારી
                                        મંદિરમાં પ્રવેશું છું.
   જન્મજાત ચામડે મઢેલો હું !

            અનધિકૃતજેવું ખૂબ જ અર્થપૂર્ણ શીર્ષક ધરાવતી આ રચના આજના કહેવાતા વિકસિત સમયમાં પણ કેટલી વાસ્તવિક છે ! રાવણ નામની રચના દ્વારા પણ આવી જ વાત કવિ મૂકે છે :

આપણામાંથી
કોઈને પણ
દશ માથાં નથી,
તો શું થયું !
સવાલ માથાંનો નથી,
મથરાવટીનો છે.  

            માણસના રાવણપણાને છતું કરતી એક અન્ય રચના છે :

રાવણ જેવા નહિ,
માણસ જેવા ઈરાદે,
સમજણની સીતાનું
અપહરણ કરી જાય છે..
લંકાના રાવણ કરતાં
વધુ ભયંકર છે
શંકાનો રાવણ !

            અને માણસનો જ વધુ પરિચય આપતી એક બીજી રચના કંઈક આવી વાત કહે છે :
આપણી એક જ ફૂંક
દીવા જેવા દીવાને
હોલવી નાખે છે !
ભીતરમાં આપણે
ભરી બેઠા છીએ
કેટલું બધું અંધારું!
            અશક્ય નામની રચનામાં કવિ કહે છે :
ઘરમાં
ગાય પાળવાનું
નક્કી કરનારો હું
કામધેનુ એપાર્ટમેન્ટના
સાતમા માળે રહું છું!

            કેટકેટલા મહાન આત્માઓ આપણને સુધારવા પોતાના જીવનની આહુતિ આપી ગયા. ફરક પડ્યો છે કંઈ? તો હજુ પણ નામની રચનામાં કવિ વાસ્તવિકતા બતાવતાં કહે છે :

ઈસુની છબી
ભીંતે ટાંગવા માટેય
હું
ભીંતમાં
ઠોકી રહ્યો છું
ખીલો!

            અહિંસા નામની રચનામાં કવિ સરસ સંદેશ આપે છે :
એક કાંકરે
બે પક્ષી મારવાં..
- એ કહેવતનો
દુરુપયોગ કરનારને
ક્યાંથી સમજાય
કે-
એક પણ કાંકરો
માર્યા વગર
જીવાડી શકાય છે
બધાં પક્ષીઓને.

            આપણી આંખ એ આપણા માટે દુનિયાને જોવાની બારી છે. કહેવાય છે ને કે સારું કે ખરાબ કંઈ હોતું નથી, આપણી દ્રષ્ટિ એને એવો અર્થ આપે છે. કવિ બે સરસ રચનાઓમાં આવી જ વાત કહે છે :

આંખોની
તકલીફના કારણે
છેવટે
વિશ્વ અસ્પષ્ટ
દેખાવા લાગ્યું,
છેક ત્યારે
એ સમજ સાંપડી
કે
વિશ્વ
હકીકતમાં
અસ્પષ્ટ નથી.

સ્પષ્ટતા શીર્ષક ધરાવતી આ રચના અને ઉપકાર શીર્ષકની આ રચના દરેકને આત્મમંથન કરવા પ્રેરે છે :

પ્રભુ !
મારી આંખોને
તેં નબળી પાડી;
એ બદલ પણ
તારો ઋણી છું !
કેમ કે -
યુવાન હતો, ત્યારે
સારી જગ્યાઓનેય
આમાં શું જોવાનું છે!
-કહીને ટાળતો હું,
આજે
ક્ષુલ્લક ચીજોને પણ
મન ભરીને
જોવા મથું છું !

            માતા વિષયક પણ ઘણી રચનાઓ છે, જે સ્ત્રીઓનો ચહેરો ના જોતા પાખંડી અને બેવડા વલણવાળા ધર્મગુરૂઓ સામે મૂકવાનું મન થાય.

મરણ પામવાના
અનેક રસ્તા છે
પણ
જન્મ
પામવાનો
એકમાત્ર
રસ્તો છે-
મા.

કહેવાય તો કાવ્ય, પણ શબ્દની પીંછીએ દોરાયેલું આ રમણીય ચિત્ર :

વરસાદે
કવિને કહ્યું-
મારો, બાળપણનો
ફોટો બતાવું?
..અને તેણે
આંગળી ચીંધી
વાદળ તરફ !
કે પછી સજીવારોપણનું આ સુંદર ચિત્ર :

વૃક્ષોના છાંયડા
એ તો
સૂરજની આંખોના  
પલકારા છે.
           
            આવાં તો કેટકેટલાં લઘુકાવ્યોથી સમૃદ્ધ બનેલો આ સક્ષમ સંગ્રહ નકશીદાર અરીસાનાં મુખપૃષ્ઠથી શોભે છે. જે વાચકને એકવાર પોતાની અંદર ઝાંકવા મજબૂર કરે છે. વાત કોઈ વિચારધારાની હોય કે અંધશ્રદ્ધાની, માન્યતાની હોય કે લાગણીની, કુદરતી સૌંદર્યની હોય કે માનવીય કુરૂપતાની- કવિએ દરેક બાબતને ટૂંકા અને ચોટદાર શબ્દોમાં મૂકી છે. વાગે નહિ પણ ખટકી જાય એ રીતે. એટલે જ તો દરેક રચના વાચકને વિચારવા માટે પ્રેરે છે.  કેમ કે વાગેલું તો રૂઝાઈ જાય, ખટકે તેને કાઢવું જ પડે. તે પ્રક્રિયા પીડાદાયક હોય, પણ છેવટે પીડામુક્ત પણ કરે. એવી જ વાત આં સંગ્રહમાં પણ છે. લાગણી, વિચારો કે શબ્દો ભલે કવિના હોય, અહેસાસ તો દરેક વ્યક્તિનો હોઈ શકે. એટલે જ આ રચનાઓ આપણને આપણી જ વાત લાગે છે.
            કવિનું નિરીક્ષણ દુનિયાથી અલગ હોય તેની સાક્ષી આ સંગ્રહ તેની રચનાઓ વડે પૂરે છે. આમ તો જે બધાં જુએ તે જ કવિ જુએ. પણ બધાંથી આવી રચનાઓનું સર્જન થઇ શકતું નથી. જ્યારે કવિને તો દીપપ્રાગટ્ય પછી ઓલવી નાખેલી મીણબત્તી, પ્રકાશ પાછળ થતી સતી લાગે છે.

            આજના સમયમાં બોલનારા ઘણા છે, કહેનારા ઓછા. એટલે જ કહેનારા પોતાની વાત બને તેટલાં ટૂંકાણમાં રજૂ કરવાનું પસંદ કરે છે. શ્રી ખ્વાબના જ શબ્દોમાં કહું તો આ સંગ્રહ ઘણાં નાળિયેરો વચ્ચે ઉગેલું શ્રીફળ છે. લાઘવનું  સૌંદર્ય ભાવક સમક્ષ મૂકતા આ સંગ્રહનો પોતાનો વ્યાપ ઘણો મોટો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

Saturday, September 13, 2014

ઈડલી, ઓર્કિડ અને હું

આ વાત છે એક એવા હોટેલિયરની, જેણે નાનકડી ઉડીપી હોટલમાં બેસીને ફાઈવસ્ટાર હોટેલનું સપનું જોયું અને તેને સાકાર પણ કરી બતાવ્યું. તે સ્વપ્નદ્રષ્ટાનું નામ વિઠ્ઠલ કામથ. 

આ યાત્રાના તેમના અનુભવનો અર્ક એટલે ઈડલી, ઓર્કિડ અને હું. મૂળ મરાઠીમાં લખાયેલી આ અનુભવયાત્રાનો રસાળ ગુજરાતી અનુવાદ કર્યો છે અરુણાબહેન જાડેજાએ.

વિઠ્ઠલ કામથનો પરિવાર જ હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલો. એટલે નાનકડા વિઠ્ઠલને પહેલથી જ એ વાતાવરણ મળેલું. માતા-પિતા, ભાઈ-બહેનો અને પ્રેમાળ પડોશીઓ સાથેની ઘટનાઓ ખરેખર માણવાલાયક છે.

વિઠ્ઠલ કામથનું સપનું પાછું નાનું નહિ. તે સાકાર કરવાની તૈયારી પણ એટલી જ મોટી. હિંમત, સાહસ, નિર્ણયશક્તિ, હકારાત્મકતા, લડી લેવાની તાકાત, અનુભવમાંથી શીખવાની આવડત, પડકાર ઝીલવાની શક્તિ, નિષ્ફળતા પચાવીને ફરી ઉભા થવાનું જીગર... આ બધી બાબતોના અનુભવોનો સરવાળો એટલે ઈડલી, ઓર્કિડ અને હું.


એક સફળ વ્યાવસાયિકની આ સફર, આ ક્ષેત્રમાં પાડવા માંગતા નવોદિતોને ઘણું ઘણું શીખવે છે. સાથે આ પુસ્તક વાંચનાર દરેક વ્યક્તિ પોતાના જીવન માટે ઘણું શીખી શકે છે,

તોત્તોચાન

શાળા.. આ શબ્દ સાંભળીને મોટી ઈમારતો, વિશાળ વર્ગખંડો, કડક શિક્ષકો એવું કેટલુંય આપણી નજર સામે ખડું થઇ જાય. પણ એવું બને તો કે આવું કંઇ જ ના હોય, છતાં શાળા હોય તો? કેવી મજા આવે !! આ વર્ણનથી પણ સરસ એવી એક સાચી શાળાની વાત કરે છે તોત્તોચાન.

આ નામ છે એક પુસ્તકનું અને પોતાની શાળાની વાત કરનારી નાનકડી નાયિકાનું. તેત્સુકો કુરુનાયોગી એટલે કે તોત્તોચાન. તેની શાળા, પ્રિન્સિપાલ અને શાળાની ભણાવવાની પદ્ધતિ વિશેની વાત, તોત્તોચાનની જબાને. ખૂબ સુંદર, રસાળ અનુવાદ છે શ્રી રમણ સોનીનો. 

એક શાળા બાળકનું ઘડતર કેવી રીતે કરી શકે તેની આ સત્યઘટના છે. ભણવાનું તો છે જ, સાથે જીવનનાં મૂલ્યો પણ ક્યારે મનમાં રોપાઈ જાય તેની વાચકોને પણ ખબર નથી પડતી. વળી ક્લાસ અને શિક્ષકો પણ આગવા.. ખેડૂત શીખવે પર્યાવરણ. સ્વીમીંગ પુલનાં પાણીમાં રમતાં રમતાં શીખાય કે સ્ત્રી-પુરુષના શારીરિક તફાવતો હોય કે શારીરિક તકલીફો, એ કોઈ મહાન બાબત નથી.

ટ્રેનના ડબ્બામાં શાળા હોય એવી કલ્પના કદી આવે કે? તોત્તોચાનની શાળા સાચે જ એવી હતી, સાચી ટ્રેનના ડબ્બામાં ક્લાસ હોય તેવી. પણ ત્યાં સુધીની સફર કાપતાં શું તકલીફ પડી હતી, તે તો તોત્તોચાનની માતા જ જાણતી હતી. બાળકોની સાહજિક ચંચળતા તોત્તોચાનમાં પણ હતી. તેને લીધે એક પણ શાળા તેને રાખવા તૈયાર નહોતી. તોત્તોચાનનાં જાતજાતનાં પરાક્રમોની કેટલીય ઘટનાઓ ઘટ્યા પછી તેને શ્રી કોબાયાશીની આ અદભૂત અને અજોડ શાળામાં પ્રવેશ મળ્યો હતો.
        બાળમાનસમાં મૂલ્યો અને શિસ્તનાં બીજ કેવી રીતે રોપવાં તે શ્રી કોબાયાશી જાણતા હતા. દરેકને માન આપવું, શારીરિક તફાવતોને નજરઅંદાજ કરીને એક માનવ તરીકે વિકસવું, બધું જ ખાતાં શીખવું, રમતગમતમાં જીતવા કરતાં ભાગ લેવો મહત્વનો છે તે સમજવું... આવું તો કેટલુંય આ શાળામાં હતું. પૌષ્ટિક ખાવાની અઘરી વાતને થોડું દરિયામાંથી અને થોડું પહાડમાંથી જેવી રસપ્રદ રીતે સરળ બનાવવામાં આવી હતી.
        શ્રી કોબાયાશીએ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ કે પછી શિક્ષણ અને બાળમાનસ જેવા ભારે ભરખમ વિષયો ઉપર કોઈ સેમિનાર નહોતા યોજ્યા કે નહોતા લખ્યા લેખો. વિશ્વની સારી ગણાતી શાળાઓની મુલાકાત લીધી અને જે સારું લાગ્યું તે અપનાવીને પોતાની શાળામાં અમલમાં મૂકયું. ડોનેશન, વાલી અને બાળકના ઇન્ટરવ્યુ, બિનજરૂરી ઇતરપ્રવૃત્તિઓ જેવી ભારતીય શિક્ષણપ્રણાલીની તદ્દન વિરુદ્ધની આ વાત છે. એટલે આપણા પરંપરાગત માનસમાં આ વાત ઉતારવી અઘરી છે. એટલે જ તોત્તોચાન પુસ્તકના વખાણ ખૂબ થયાં, પણ તેની શિક્ષણ પદ્ધતિઓ કેટલી શાળાએ અપનાવી હશે? માત્ર સરસ સૂત્રો આપવાથી યોજનાનો પ્રચાર થાય, શિક્ષણની સ્થિતિ તો એ જ હોય. 

શિક્ષણપ્રેમી દરેક વ્યક્તિએ વાંચવા અને વસાવવા જેવું આ પુસ્તક છે. એક વાર વાંચવાનું ચાલુ કર્યા પછી એકીબેઠકે પૂરું કરીને જ હાશ થશે એવું રસમય છે આ પુસ્તક. એટલું જ નહિ. વારંવાર વાંચવું પણ ખૂબ ગમશે તેની ગેરંટી.
L

સુખને એક અવસર તો આપો.

સમયની રીતે જોઈએ તો આ પુસ્તક જૂનું કહી શકાય તેવું છે. પણ અમુક પુસ્તકોને સમય સ્પર્શી શકતો નથી. આ પુસ્તક પણ એવું જ છે. જયારે વાંચો ત્યારે નવો અર્થ પ્રગટાવવા સમર્થ.

મોટા ભાગના લોકોની જિંદગી ફરિયાદો કરવામાં જ વીતી જતી હોય છે. નાની નાની ખુશીઓ તો અઢળક હોય છે સામે. પણ રોદણાં રોવામાં મશગુલ હોય, તેને તે ક્યાંથી દેખાય? સંબંધની મીઠાશ, તંદુરસ્ત શરીર, અવનવી તક, સરસ સંજોગ.. કુદરતના પાલવમાં કંઇ કેટલુંય હોય છે. પણ મનથી ખાલી માનવ આ માણી શકતો નથી, સુખ અનુભવી શકતો નથી. એટલે જ આ પુસ્તક કહે છે કે સુખને એક અવસર તો આપો.
ફિલ બોસ્મન્સનાં મૂળ પુસ્તક “ધ નોટ્સ ટુ માયસેલ્ફ”નું ગુજરાતી કર્યું છે શ્રી મહેશ શાહે. વિષયને અનુરૂપ ખૂબ સરસ ફોટોગ્રાફ્સ પુસ્તકની શોભા વધારે છે. લાંબું વાંચવું ના ગમતું હોય એને પણ આ પુસ્તક એક વાર ખોલ્યા પછી જલદી બંધ કરવું નહિ ગમે. કેમ કે તેની નાની નાની વાતો જીવનમાં બહુ મોટી અસર કરે તેવી છે. જીવનનાં દરેક પાસાં આ પુસ્તક આવરી લે છે. એટલે કોઈને જન્મદિવસની યાદગાર ભેટ તરીકે આપવા આ પુસ્તક શ્રેષ્ઠ પસંદગી બની રહે તેમાં બેમત નથી.

Thursday, August 7, 2014

ચિનગારી




મોટાભાગના લોકો પાસેથી એ ફરિયાદ સાંભળવા મળે કે સમય જ નથી મળતો. એટલી હદે કે બીજા માટે તો ઠીક, પોતાની જાત માટે પણ સમય નથી મળતો. પહેલી નજરે વિચિત્ર લગતી આ વાત, બીજી નજરે એટલે કે શાંતિથી વિચારતાં સાચી લાગશે. મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ વગેરેના વગર વિચાર્યા ઉપયોગથી આજે માનવ પોતાની જાત સાથે વાત કરવા માટે આઉટ ઓફ કવરેજ થઇ ગયો છે.
મૂકેશ મોદી
ત્યારે રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલી  વિચારધારા, અનુભવ, વર્તન જેવી બાબતો માટે માર્ગદર્શક બનતું એક નાનકડું પુસ્તક છે “ચિનગારી”. પુસ્તકનો પરિચય તેનાં જ એક વાક્યથી આપવો હોય તો કહી શકાય કે તમને તમારા અંગે વિચારતાં કરી મૂકવા. આ છે પુસ્તકનો મુખ્ય હેતુ. શ્રી મૂકેશ મોદી લિખિત આ પુસ્તક, નાની પણ ચિનગારી સમી પ્રજ્વલિત બાબતોને હળવાશથી અને વાતચીતની ભાષામાં વાચકો સામે મૂકે છે.
વિષયોનું વૈવિધ્ય આપીને મૂકેશભાઈએ કેટલાય વિષયોને વિચારવા માટે વાચક સામે ખૂલ્લા મૂકી આપ્યા છે. “ચિનગારી”માં પુસ્તકની વાત પણ છે અને પ્રવાસની પણ. ફિલ્મની વાત પણ છે અને ફેસબૂકની પણ. મૂલ્યોની વાત સાથે મેનેજમેન્ટની વાત પણ લેખકે આવરી લીધી છે. વળી તેમના પોતાના અનુભવોની વાત પણ વણી લીધી હોવાથી લખાણ જીવંત અને રસપ્રદ બને છે.
લેખનાં શીર્ષકો જ આપણને આખો લેખ વાંચવા પ્રેરે છે. થોડા દાખલા જોઈએ તો : અસફળ રહેવું અને નિષ્ફળ જવામાં ફરક છે, તમને અફસોસ કરતાં આવડે છે?, ચાલો, હવાઈ મિનારાઓના પાયા ચણીએ, જે મજા લૂંટી શકે એ મેચ્યોર, તમે અન્ફ્રેન્ડ કરવાવાળા કે વિથડ્રો થવાવાળા?, ગુસ્સાની પાઠશાળા..
કેટલાય પ્રશ્નોની છણાવટ આ લેખોમાં કરવામાં આવી છે, જે આપણને આપણા વિષે વિચારતા કરી મૂકે છે. શા માટે જીવવું તે વિશેની વાતમાં લેખકે  સ્વથી સમાજ સુધી લાગુ પડતા આ પ્રશ્નની ચર્ચા કરી છે. આપણે આપવાના અભિગમવાળા છીએ કે લેવાના, તે પ્રશ્ન આપણને આપણા દરેક વર્તન માટે એક વાર વિચારી લેવાની પ્રેરણા આપે છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે એમાંની એક પણ બાબત એવી નથી કે જે આપણને લાગુ પડતી ના હોય. જીવનમાં ક્યારેકને ક્યારેક આ તમામ પરિસ્થિતિમાંથી આપણે ગુજરી ચૂક્યા હશું. એટલે આપણને દરેક વાત પોતાની જ લાગે છે.
સંબંધો, સમસ્યાઓ, સંભાવનાઓ, સ્વભાવ, સંજોગો, સમાજ.. કેટકેટલી બાબતોથી ઘેરાયેલી આપણી જાત ઉપર છવાયેલી રાખ હટાવીને,આપણામાં જ છૂપાયેલી ચિનગારીને હળવી ફૂંક મારીને છતી કરવાનું કામ આ પુસ્તક કરે છે.
પુસ્તકમાંથી થોડું આચમન :
o
Ø આપણે આપણી જાતને જે છીએ તે સ્વીકારતા નથી. આપણે આપણી જાતને જે માનીએ છીએ તે તરીકે સ્વીકારીએ છીએ.
Ø અસલી અર્થાત્, એક્ટીવ જીવન એટલે મન, બુદ્ધિ, હૃદય, આત્મા જે કહે છે, એને માની એ પ્રમાણે જીવવું. ભલે બધા દેશી કહે તો દેશી, પણ ગુજરાતી થાળી જમવાની મજા આવતી હોય તો એ જમવું એટલે અસલી જીવન.
Ø સ્વપ્નને વાસ્તવિક મહેનતનો ટેકો નહિ મળે તો સ્વપ્ન ધૂળધાણી થઇ જશે. ભવ્ય અને ક્રાંતિકારી વિચારો તો ઘણાને આવે છે, પણ જેઓ તેની ઉપર કામ શરૂ કરે છે, તેઓ જ ઇતિહાસમાં સ્થાન પામે છે.
Ø શું સારું કે શું ખરાબ, શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ એ આપણે નક્કી કરવા જઈએ તો અવશ્ય ગૂંચવાઈ જશું. પરંતુ, જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગ્રત હોઈએ તો ઘણા રસ્તા ખૂલવા માંડે.
Ø અને તરસ છે તો ચોક્કસથી ક્યાંક પાણી હોવાનું જ. કારણ કે કુદરત એટલી નિષ્ઠુર તો નથી જ કે જે તરસનું નિર્માણ કરે અને પાણીની શોધ જ ન કરે, કુદરત એટલી તો નિર્દયી ન જ હોય કે ખાલીપો આપે અને ભરપૂર જીવનની શક્યતા ન આપે, કુદરત એવી દયાહીન તો નથી જ કે શોધ કરવાની લગન આપે અને શોધ કરવાની શક્તિ ના આપે. જો તરસ છે, તો પાણી હોવાનું અને હોવાનું જ.  

દરેક લેખના અંતે “ચલતે ચલતે” શીર્ષકથી મૂકાયેલું નાનું નાનું લખાણ પણ લેખને અનુરૂપ અને ચોટડૂક છે. તે લેખને વધુ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. વાંચીને વિચારતાં કરતું અને તે પ્રમાણે અમલીકરણ કરવાની પ્રેરણા આપતું પુસ્તક.