Showing posts with label રમણીક સોમેશ્વર. Show all posts
Showing posts with label રમણીક સોમેશ્વર. Show all posts

Saturday, September 13, 2014

આપણે તો એટલામાં રાજી

આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી
એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,
તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તો ય રોમ રોમ ઊણી પલાશ
એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી વાગી
આપણે તો એટલામાં રાજી
પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય
કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા
કોઈ પૂછે તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી

-- રમણીક સોમેશ્વર.