Showing posts with label હરિન્દ્ર દવે. Show all posts
Showing posts with label હરિન્દ્ર દવે. Show all posts

Monday, September 15, 2014

જાણીબૂઝીને અમે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને
છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને
પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ,
કહો કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ,
થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો,
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે
હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?
- હરિન્દ્ર દવે

Saturday, September 13, 2014

પ્રેમમાં ચાલને

-- હરિન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થઈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થઈ ચાલ્યા કરીએ.