Showing posts with label મહિલા સશક્તિકરણ. Show all posts
Showing posts with label મહિલા સશક્તિકરણ. Show all posts

Saturday, November 12, 2016

મહિલા સશક્તિકરણ: દિલ્લી અભી દૂર હૈ

         
મહિલા સશક્તિકરણ. આ શબ્દનાં જાતજાતનાં અર્થઘટનો જમાના મુજબ થવા લાગ્યાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કે સેમિનારોમાં આ વિષયે મજાકથી માંડીને ફિલોસોફી તેમ જ મતમતાંતરો ચર્ચાતાં રહે છે. લેખ, કવિતા, નિબંધ- બધું જ લખાય છે. વાસ્તવમાં મહિલા સશકિતકરણ થયું છે ખરું? થયું છે તો કેટલું? અને તેનો માપદંડ શો?
        એ હકીકત છે કે મહિલા સશકિતકરણ માટે ઘણાં નક્કર પગલાં લેવાયાં છે. કચ્છમાં ધરતીકંપ પછીનાં વર્ષોમાં આ મુદ્દો બહુ વેગ પકડી રહ્યો છે. બહુ બધાં ક્ષેત્રે મહિલાઓ આગળ આવી રહી હોવાની વાત થઈ રહી છે. ઘણી સંસ્થાઓ આ ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહી છે અને સરકારની પણ જાતજાતની યોજનાઓ અને ઉજવણી આ મુદ્દાને કેન્‍દ્રમાં રાખીને કરવામાં આવતી હોય છે.
        નોકરી કરનારી મહિલાઓનો વર્ગ વધી રહ્યો છે. પોતાનો - સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનો ઘણી સારી સંખ્યામાં દેખાઈ રહી છે. પહેલાંની સરખામણીએ ભણતરમાં પણ છોકરીઓની સંખ્યા વધી રહી છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ સિવાયના અન્ય તાલુકાઓમાં શરૂ થયેલી કોલેજને લીધે અપડાઉનનો પ્રશ્ન ટળી ટળી ગયો છે. પરિણામે છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહી છે. પત્રકારત્વ, પોલીસતંત્ર જેવાં ક્ષેત્રોમાં આંગળીને વેઢે ગણાય તેટલી, પણ મહિલાઓ છે ખરી. એટલે એમ કહી શકાય કે હવે મહિલાઓના વિવિધ ક્ષેત્રના પ્રવેશની શરૂઆત થઈ ગઈ છે.

        વિવિધ રાજકીય પક્ષોનાં મહિલાજૂથો અલગ બને છે. તેમાં તેમને આગેવાની લેવાની તક મળે છે. તે જ રીતે ગામોમાં સરપંચ અને પંચાયત બોડીમાં પણ મહિલા સભ્યો હોય છે. વહીવટ ખરેખર તેઓ ચલાવે છે કે નહિ એ અલગ પ્રશ્ન છે. તે જ રીતે પંચાયતને સહયોગ આપવા અને ગામના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અલગ અલગ સમિતિઓ જેમ કે, સંજીવની સમિતિ, પાણી સમિતિ કે શિક્ષણ સમિતિ વગેરેમાં પણ મહિલા સભ્યો હોય છે. હવે તો જ્ઞાતિ મુજબનાં મહિલામંડળ પણ થવા લાગ્યાં છે. અલબત્ત, તેઓ જ્ઞાતિના હિત માટે નિર્ણયો કેટલા લે છે એ અભ્યાસની બાબત છે.
        આ અને હજી પણ એમાં ઉમેરી શકાય એવી ઘણી બાબતો માટે વિચાર આવે કે શું આ જ છે મહિલા સશક્તિકરણ? આ શબ્દોનો અર્થ શો થાય? એથી સહેજ આગળ વિચારીએ તો, માત્ર મહિલા જ નહિ, કોઈના પણ માટે સશક્તિકરણની વ્યાખ્યા શી? કોઈ પણ વ્યક્તિ પોતાની જાત માટેના તમામ નિર્ણયો પોતાની રીતે, પોતાની જાતે લઈ શકે એ નિર્ણયો લેવા જેટલી પરિપક્વતા તેનામાં વિકસે ત્યારે એને સાચા અર્થમાં ‘સશક્તિકરણ’ કહી શકાય.
         અલબત્ત, આ અર્થને જ્યારે મહિલાઓ સંદર્ભે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે હજી મંઝિલ ઘણી દૂર છે. એટલું હકારાત્મક આશ્વાસન છે કે એ દિશામાં કદમ માંડવાનું શરૂ થયું છે. એટલે મંઝિલ દૂર છે, પણ હાંસલ અવશ્ય થશે.
        તકલીફ એ છે કે આપણે ત્યાં મોટા ભાગે બધી બાબતોને બાહ્ય માપદંડથી જ મૂલવવામાં આવે છે. એ ધર્મપાલન હોય, દેશપ્રેમ હોય કે પછી મહિલા સશક્તિકરણ. બહાર દેખાતી સ્થૂળ બાબતો માપદંડ બને ત્યારે સાચું મૂલ્યાંકન અઘરું છે. સશક્તિકરણનાં ઘણાં પાસાં છે. એને બહારથી માપવાને બદલે ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ તો સાચું ચિત્ર બહાર આવે. આ માટે સમય કે દરકાર તો પછીના તબક્કે આવે, એ સમજવાની નિયત પણ ઓછી જોવા મળે છે. જાહેર જીવનમાં પડેલા જવાબદાર લોકો પણ અનેક પ્રસંગે મહિલાઓ વિષે જે ટીપ્પણીઓ પ્રસાર માધ્યમોમાં કરે છે એ તેમની અસલી માનસિકતા સૂચવે છે. એટલું જ નહિ, તે એ પણ દર્શાવે છે કે આ મુદ્દે હજી આપણા લોકો  સપાટી ઉપર જ છબછબિયાં કરી રહ્યા છે.

        ખરેખર જોઈએ તો મહિલાઓની જિંદગીમાં ઉપરછલ્લો જ ફરક આવ્યો છે. મહિલાઓ નોકરી કરતી થઈ છે. પણ એ સ્થળે એમની સલામતી કેટલી? કેટકેટલાં પ્રકારનાં શોષણનો ભોગ તેઓ બને છે ! ઉપરાંત, પોતાની આવકનો પોતાની મરજી મુજબ ખર્ચ કરવાનો નિર્ણય બહુ ઓછી મહિલાઓ લઈ શકતી હશે. મહિલાઓને નામે મિલકત તો હજી પણ બહુ ઓછી જોવા મળે છે. અને જે જોવા મળે છે એ પણ ટેક્સ બચાવવાના ઈરાદાથી જ. પિતાની કે પતિની મિલકતમાં પોતાના અધિકારરૂપે ભાગ માગતી મહિલાને આજે પણ તિરસ્કારની નજરે જોવામાં આવે છે.
        એ જ પરિસ્થિતિ ભણતરની છે. દીકરીઓનું ભણતર વધ્યું છે પણ શરતો હજી સમાજની જ લાગુ પડે છે. પોતાનાં ગામમાં જેટલાં ધોરણ સુધીની શાળા હોય એટલું જ ભણવું એવા નિર્ણય છોકરીઓ માટે તેમના વાલીઓ દ્વારા લેવામાં આવે છે. બાજુનાં ગામ કે શહેરમાં આગળ ભણવાની સુવિધા હોય તો પણ છોકરીઓને ત્યાં જવા નથી મળતું. કદાચ કોઈ જાય તો અપડાઉનમાં શોષણનો ભોગ બને એવી શક્યતા હોય છે. માત્ર આ જ કારણસર કેટલી બધી છોકરીઓની કારકિર્દી બની શકતી નથી. બીજું પરિણામ એ આવે છે કે અપડાઉનમાં આવો કશો અનુભવ થાય તો છોકરીઓ પોતાનું ભણતર બંધ થઈ જશે એ બીકે કોઈને તેઓ કોઈને કહેતી નથી. ‘જે થાય તે, ભણવા તો મળે છે ને!’ એવા વિચારે બસ કે અન્ય વાહનમાં કે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ ઉપર થતી જાતીય સતામણી સહન કર્યા કરે છે. એ રીતે જોઈએ તો સગવડ અને વિકાસમાં આ ફરક છે. કમ્પ્યુટરથી સજ્જ, વિશાળ મકાનવાળી એકદમ અદ્યતન શાળા હોય. પણ એમાં છોકરીઓની સંખ્યા ઓછી હોય કે છોકરીઓ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા ના હોય તો એ માત્ર સગવડ અને એ પણ અપૂરતી સગવડ છે, વિકાસ નથી જ નથી.  
        હમણાં એવો પ્રવાહ ચાલ્યો છે કે ‘આપણી’ સંખ્યા વધારો. આવાં બેજવાબદાર નિવેદનો આપણા નેતાઓ જાહેરમાં કરે છે. એમને ખ્યાલ નહિ હોય કે એક બાળકને જન્મ આપતાં કેટલી તકલીફ પડે છે. પ્રસૂતિ એ સમાજની નહિ, પણ કુદરતની વ્યવસ્થા છે. એટલે એ દુનિયાની દરેક સ્ત્રી માટે એકસરખી જ હોય છે. એમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે વિસ્તાર નડતાં નથી. એટલે ‘વધુ બાળકો પેદા કરો’ એ બોલવું સહેલું છે, એટલું કરવું સહેલું નથી.
        કેટલાં બાળકોને જન્મ આપવો એ નક્કી કરવું સ્ત્રીના હાથમાં નથી. એને લાગે કે મારે એક સંતાન જ પૂરતું છે. પણ એ જો દીકરી હોય તો કુટુંબનાં દબાણને વશ થઈને તે સ્ત્રીએ પુત્રજન્મ ના થાય ત્યાં સુધી વારંવાર પ્રસૂતિની પીડામાંથી પસાર થવું પડે છે. કાયદો ગમે તે હોય, તેને અવગણીને ડોક્ટરોને વધુ પૈસા આપીને, સોનોગ્રાફી દ્વારા ગર્ભપરીક્ષણ કરાવવામાં આવે છે. ગર્ભમાં બાળકી હોય તો પોતાની મરજી વિરુદ્ધ તે સ્ત્રીને ભ્રૂણહત્યા કરાવવાની શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થવું પડે એ અલગ.
        આ લખનારને આરોગ્ય ચકાસણીના કેમ્પ દરમ્યાન ત્રણથી ચાર મહિનાના ગાળામાં, અલગ અલગ ગામોની હજારથી વધુ બહેનોને મળવાનું થયું. એ બહેનોએ પોતાનાં દિલની વેદના ઠાલવી તેમાં આ જ વાત વારંવાર સાંભળવા મળી. કેટલીયે બહેનોને દબાણ હતું કે બાળક તો પુત્ર જ હોવું જોઈએ. મોટા ભાગની બહેનોને વારંવાર પ્રસૂતિને લીધે ગર્ભાશયની તકલીફ હતી. પતિ જનનાંગોની સફાઈ ના રાખે એમાં તેની પત્ની જાતજાતના ચેપનો ભોગ બને. આટલી મોટી સંખ્યામાંથી માસિકની તકલીફ ના હોય એવી માંડ એકાદ બે બહેનો હતી. એ સમયગાળા દરમ્યાન શારીરિક પીડા અને માનસિક તાણ બધી બહેનો અનુભવતી હતી.

ત્યારે યાદ આવે કે બસમાં બહેનો માટે અલગ સીટ હોય છે. પણ એ કોણ ખાલી કરી આપીને બહેનોને બેસવા આપે છે? આખી બસમાં કઈ બહેન માસિકના સમયગાળામાંથી પસાર થઈ રહી છે એ કેમ ખબર પડે? બહેનો માટે અલગ સીટની જોગવાઈ આવાં કારણોસર કરવામાં આવી છે. પણ એનો અમલ યોગ્ય રીતે થતો નથી. મહિલા અશક્ત કે નબળી છે એટલે નહિ, પણ આ પરિસ્થિતિ દરમ્યાન એને રાહતની જરૂર હોય છે એ સમજાતું નથી. પોતાનાં ગામમાંથી તાલુકા કે જિલ્લામાં ખરીદી માટે આવતી બહેનો માટે શૌચાલયની પૂરતી વ્યવસ્થા નથી હોતી. બસસ્ટેન્ડમાં પણ એ વ્યવસ્થા નથી હોતી. અથવા હોય તો સફાઈ, પાણી, લાઈટ અદૃશ્ય હોય છે.
        સંતાન બાબતે બીજી સામાજિક તકલીફો પણ થાય છે. દીકરી આવે તો પિતાને નહિ, માતાને જવાબદાર ઠેરવવામાં આવે છે. બાળક રહેવામાં તકલીફ થતી હોય તો સ્ત્રીએ જ તપાસ કરાવવાની, પતિમાં ખામી હોઈ જ ના શકે. એ માટે ક્યારેક પુરુષનાં બીજાં લગ્ન સુધી પણ વાત પહોંચે છે.
        સગવડ અને વિકાસની વાત કરીએ તો દવાખાનું હોય તો પૂરતો અને જરૂરી સ્ટાફ ના હોય. સ્ટાફ હોય તો પાણી કે લાઈટ ન હોય. બધું હોય તો એક મહિલાને તપાસવા માટેની  પૂરતી અંગતતા (પ્રાઈવસી) ના હોય. એટલે માત્ર માળખું, અને એ પણ નામનું, હોય તો તેને સગવડ કહેવાય, વિકાસ કદી ના કહેવાય.

        રાજકીય બાબતોમાં ઉપર ઉપરથી સશક્તિકરણ દેખાય છે. પણ વાસ્તવિકતા અલગ હોય છે. હજી મહિલાઓ સરપંચ કે પંચાયત સભ્ય હોય તો નિર્ણય બીજા લોકો જ લેતા હોય એ સામાન્ય છે. એમાં પણ કહેવાતી નીચી જ્ઞાતિઓની મહિલા હોય તો વાત સાવ પૂરી. તેઓ કદી પંચાયત ઓફીસનું પગથિયું ચડી નથી હોતી. અલબત્ત, હવે ક્ષમતાવર્ધનની ઘણી પ્રક્રિયાઓ સરકાર અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેનાથી કેટલો ફરક પડે છે એ ભગવાન જાણે. સગવડ અને વિકાસની વાત વધુ એક વાર કરીએ તો કમ્પ્યુટરાઇઝ્ડ પંચાયતઘર હોય, બધી વિગતો નાગરિકો માટે ઉપલબ્ધ હોય, સીસી ટીવી કેમેરા લાગેલા હોય તો એ સગવડ છે. એવી ઓફિસમાંથી મહિલા સરપંચ પંચાયત બોડીની નિયમિત મિટિંગ કરે, ગ્રામસભા નિયમિત થાય અને તેમાં ગામના તમામ નાગરિકો હાજર રહે તો એ વિકાસ છે. પણ ખરેખર એવું થાય છે ખરું? બહેનોને એ ખબર પણ નથી હોતી કે ગ્રામસભા ક્યારે યોજાઈ ગઈ. રજીસ્ટર ઘરે આવી જાય એટલે આંખ મીંચીને અંગૂઠો કે સહી કરી આપવાની.
            ધર્મ, જ્ઞાતિ, સમાજ – આ બધી બાબતોનું બંધન સ્ત્રીઓને સહુથી વધુ નડે છે. ભારતનાં બંધારણે આપેલા મૂળભૂત હકો મેળવવા માટે તેમણે લડત કરવી પડે છે. કોર્ટનો આશરો લેવો પડે છે ત્યારે તેમને તે માંડ મળે છે. છતાં, લોકો એને મજાકનું પાત્ર જ બનાવે છે.
        સ્ત્રી સમાનતા અને સશક્તિકરણ માટે પગલાં લેવાય છે પણ એ માટે સ્ત્રીએ પોતાની જાતને પુરવાર કરવી પડે છે. ઓલીમ્પિક્સ રમતોમાં સિન્ધુ, દીપા કે સાક્ષીને પહેલાં પોતાની જાતને, આવડતને સાબિત કરવી પડી. ત્યારે દેશ તેમના માટે ગૌરવ અનુભવે તેવી સ્થિતિ ઉભી થઈ. પણ તેઓ આ રમતો માટેની પૂર્વતૈયારી કરતી હતી ત્યારે તેઓ જ્યાં રહે છે એ સમાજ, તેમને અને તેમના પરિવારને નીચો દેખાડવાની એક પણ તક જતી નહોતો કરતો. એ જ હાલત ભારતમાં ઓછેવત્તે અંશે બધે જોવા મળે છે. કોઈ સ્ત્રી ચીલો ચાતરે અને કશી નવી શરૂઆત કરે એટલે તેની ઉપર માછલાં ધોવાય, એની ક્ષમતા ઉપર શંકા કરવામાં આવે, તે હાંસીનું પાત્ર બને.

        નિર્ભયા જેવો કિસ્સો બને ત્યારે દેશભરમાં નાગરિકો દેખાવો કરે, ન્યાય માગે. પણ એવી  ઘટના ઘર આંગણે બને ત્યારે એ છોકરીના ચારિત્ર્ય ઉપર આંગળી ચીંધવામાં આવે. નિર્ભયા કેસ વખતે એના ઉપર દુષ્કર્મ કરનારા લોકોની મુલાકાત જોઈએ તો એ જ સદીઓ જૂની વાતો સાંભળવા મળેલી. ‘છોકરીઓએ વધુ ભણવું ના જોઈએ’, ‘છોકરીઓએ મોડી રાત્રે બહાર ના નીકળવું જોઈએ’, ‘છોકરીઓએ પોતાના મિત્રો સાથે ફરવું ના જોઈએ’ વગેરે વગેરે.. એ ઘટના પછી કાયદામાં બદલાવ આવ્યો એ બરોબર. માનસિકતામાં બદલાવ આવ્યો ખરો? એ કેસ થોડો જૂનો થયો એટલે હવે ભૂલાઈ ગયો. એના પછી ભારતનાં ઘણાં રાજ્યોમાં આવા કિસ્સા બન્યા ત્યારે એ જ માનસિકતા ઝલકતી લાગે.
        એક અભ્યાસ દરમ્યાન કચ્છમાં વિવિધ વિસ્તાર, ઉમર અને સ્તરની બહેનોને પૂછવામાં આવ્યું કે તમને ક્યાં અસલામતી લાગે છે? જવાબમાં કાર્યસ્થળ, જાહેર પરિવહન, ધાર્મિક સ્થાનો, જાહેર જગ્યાઓ, મનોરંજનના સ્થળો, શૈક્ષણિક સંકુલ વગેરે આવ્યાં. આ યાદી પૂરી જ નહોતી થતી. અને સહુથી ચોંકાવનારી બાબત એ કે તેમાં સહુથી પહેલાં સ્થાનમાં પોતાનાં ઘરનો સમાવેશ થતો હતો. આ જોઈને લાગે કે હજી  આ મુદ્દે ઘણું કામ કરવાનું બાકી છે.
        બહેનોએ પોતે પણ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. સશક્તિકરણ એ બાહ્ય વસ્તુ નથી એ સૌથી પહેલું સમજવાની જરૂર છે. એ બદલાવ આંતરિક એટલે કે વિચારોમાં, વર્તનમાં, નિર્ણયોમાં હોવો જોઈએ. પેન્ટ-શર્ટ પહેરવાં કે રાતે બહાર ફરવું એ સશક્તિકરણ નથી. પુરૂષો કરે છે એ કરવું, એટલે કે પુરુષસમોવડી બનવું એ પણ સશક્તિકરણ નથી. સાચું સશક્તિકરણ છે પોતાની જાત માટે સાચા નિર્ણયો લેવામાં. જેના માટે સંઘર્ષ કરવાની, વિરોધ કરવાની કે બળવો કરવાની જરૂર નથી. જરૂર છે માત્ર તેની સમજણ કેળવવાની અને યોગ્ય બદલાવ માટે પહેલ કરવાની.

        સમાજ, સરકાર અને સંસ્થાઓએ પણ એ રીતે વિચારવાની અને આ દિશામાં પગલાં ભરવાની જરૂર છે. મહિલા સશક્તિકરણ એ કોઈ દિવસ, સપ્તાહ, માસ કે વર્ષ પૂરતી ઉજવણીઓ, કાર્યક્રમો, યોજનાઓ કે પ્રોજેક્ટ નથી. સશક્તિકરણ એ માનસિક બદલાવ છે. એ સગવડ નથી. એ વિકાસ છે. હજી પણ છાપાંઓની મહિલાવિશેષ પૂર્તિ, મહિલાલક્ષી સામયિકો કે જ્ઞાતિના મહિલામંડળો મહેંદી, કેશગુંફન, રંગોળી, વાનગીઓમાં જ કેદ છે. બહેનોને લગતી કાયદાકીય માહિતી, જરૂરી કાઉન્સેલિંગ, આર્થિક રોકાણો માટેનું માર્ગદર્શન, સ્ત્રીહિંસા વિષે ચર્ચા જેવી બાબતો ક્યારેય એમનો ‘પ્રોજેક્ટ’ બનશે ખરો?
        બહેનોનાં અપમૃત્યુના સમાચાર રોજ જોવા-વાંચવા મળે છે. કેમ? કેમ કે મહિલાને નામે મિલકત હોય નહિ. પતિ કહે કે આ ઘર મારું છે. પિતા કહે કે દીકરી તો સાસરે જ શોભે. ઘરનાં સભ્યો આવું કહે તો સમાજ શા માટે બાકી રહે? ‘રિસામણે આવી છે,’  ‘એ તો પહેલેથી જ છૂટી હતી, ‘આવું થવાનું જ હતું’. આવી વાતોથી બધાં સ્ત્રીનું જીવવું હરામ કરી નાખે છે. ત્યારે એને સાંભળનાર કોઈ નથી હોતું. એ જાય તો ક્યાં જાય? એટલે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો એને માટે રહેતો નથી.
        પંચતંત્રની બાપ-દીકરો અને ગધેડાવાળી વાર્તા સ્ત્રીઓના સંદર્ભે બરાબર લાગુ પડે છે. ગધેડા ઉપર બાપ બેસે, દીકરો બેસે, બંને બેસે કે બેમાંથી કોઈ ના બેસે, પણ લોકો ટીપ્પણી કર્યા વિના રહે નહીં. એ જ રીતે સ્ત્રી ભણે કે ના ભણે, નોકરી કરે કે ના કરે, તૈયાર થાય કે ના થાય,  લગ્ન કરે કે ના કરે, દરેક સ્થિતિમાં તેના માટે વિપરીત ટીપ્પણીઓ થતી રહેતી હોય છે. વિકાસની ગમે તેટલી ગુલબાંગો પોકારવામાં આવે, આ મુદ્દે હજી ઘણું કરવાનું બાકી છે. અલબત્ત, સહુએ સાથે મળીને જ.

       આટલું વાંચીને કોઈને એમ લાગે કે આ દૃષ્ટિકોણ નકારાત્મક છે અને જે થઈ રહ્યું છે એની તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. ખરેખર તો આપણે પહોંચવાનું હોય એ તરફ દૃષ્ટિ રાખવાની હોય. વાસ્તવિકતાને નજરઅંદાજ કરવી એ નકારાત્મકતા નથી, કેમ કે, રોગનું નિદાન સાચું હશે તો જ એનો ઈલાજ થઈ શકશે. 
નોંધ : તમામ કાર્ટૂન્સ નેટ ઉપરથી લીધેલાં છે.


('મંગલમંદિર'માં પ્રકાશિત)

Wednesday, March 2, 2016

એને નારાયણી નહીં, નારી માનીએ તોય ઘણું !


                                                                      - બીરેન કોઠારી

ઈતિહાસમાં મધ્યયુગ તરીકે ઓળખાવાયેલો સમયગાળો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓના કાળાડિબાંગ અંધકાર જેવો હતો, એમ કહી શકાય. ત્યાર પછી ધીમે ધીમે વિજ્ઞાનને કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવતું ગયું. વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, તે જેટલી ઝડપથી લોકોની જીવનશૈલી બદલી નાંખે છે, એ ગતિએ માન્યતાઓ કે માનસિકતાને બદલી શકતું નથી. પરિણામે છેલ્લામાં છેલ્લી ઢબનું ઉપકરણ વાપરતો માણસ માનસિક રીતે સો-બસો વરસ પાછળ અને પછાત હોય એની નવાઈ નથી. બીજા દેશોની ખબર નથી, પણ આપણા દેશમાં આવા પરચા અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ આધુનિકતમ તબીબી કે ઈજનેરી આવિષ્કાર અંગેના સમાચાર વાંચીને સહેજ આનંદની અને એકવીસમી સદીમાં આવ્યા હોવાની ખરેખરી લાગણી અનુભવાય. તેની સામે બીજી અનેક બાબતો જાણીને મધ્યયુગમાં રહી ગયા હોવાનો આભાસ થાય અને સ્વાતંત્ર્યપ્રાપ્તિનો અર્થ નવેસરથી વિચારવો પડે.
૧૯૪૭માં દેશને સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ અને ત્યાર પછી ૧૯૫૦માં બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણમાં તમામ દેશવાસીઓને સમાનતા અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. આમ છતાં, હજી ઘણાં સ્થાનો એવાં છે કે જ્યાં બંધારણ જેવી કોઈ બાબત લાગુ પડતી નથી, એમ લાગ્યા વિના રહે નહીં.
કેરળના સબરીમાલાના મંદીરમાં રજસ્વલા સ્ત્રીઓને મંદીરમાં પ્રવેશવા ન દેવાની પ્રથા અને એ અંગે સર્વોચ્ચ અદાલતની ટીપ્પણીને પગલે વ્યાપક ઉહાપોહ અને વિરોધ થયો. આ વિરોધ માંડ શમે ત્યાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરના મંદીરની પ્રથા સામે મહિલાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. શનિદેવના આ મંદીરમાં મૂર્તિ પર તેલ ચડાવવાનો હક કેવળ પુરુષોનો જ છે. આ પ્રથા સામે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે. આધ્યાત્મિક ગુરુ તરીકેની ઓળખ ધરાવતા શ્રી શ્રી રવિશંકરે આ આખા મામલે મધ્યસ્થી કરીને એવો ઊકેલ સૂચવ્યો કે પુરુષ યા સ્ત્રી બન્નેમાંથી કોઈ હવે તેલ નહીં ચડાવે. તેને બદલે કેવળ પૂજારી જ આ વિધિ કરશે. કેવળ પૂજારી દ્વારા વિધિ કરવામાં આવે તો મહિલા પૂજારીઓની નિમણૂક કરવાની માગણી મહિલા સંસ્થાએ કરી છે. આ વિવાદમાં નોંધપાત્ર બાબત એ છે કે મહિલાઓએ પુરુષોના પૂજા કરવાના હકને નાબૂદ કરવા સામે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે અમારે પુરુષોનો હક નાબૂદ કરાવવો નથી, પણ અમારો પોતાનો હક જોઈએ છે. આ આખા મુદ્દામાં વિધિના ઔચિત્ય, જરૂરિયાત કે નિરર્થકતાની ચર્ચાને બાજુએ રાખીએ તો લિંગભેદનો મુદ્દો કેન્‍દ્રસ્થાને છે.
કેવળ સબરીમાલા કે શનિ શિંગણાપુરનાં મંદીરોની વાત ક્યાં કરવી? ઘણાં બધાં સ્થાનિક મંદીરોમાં પણ રજસ્વલા મહિલાઓની પ્રવેશબંધી અંગેની સૂચનાઓ ચીતરેલી હોય છે. મહિલાઓને આ બાબતે વાંધો છે કે નહીં એ પછીની વાત છે. પણ આજના વૈજ્ઞાનિક તેમજ માહિતીના સ્ફોટના યુગમાં આવી માન્યતાઓ પ્રચલિત છે એ આઘાતની વાત કહેવાય. ઘણી મહિલાઓએ આના વિરોધમાં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે એ આનંદની વાત છે. અધિકાર કે વિશેષાધિકાર નહીં, કેવળ નારીત્વના સ્વીકાર અને નારીત્વની જરૂરિયાત બાબતે આપણાં ધર્મસ્થાનોની અને એ રીતે આપણી માનસિકતાની આ સ્થિતિ છે!
વિકાસ, સ્ત્રીસશક્તીકરણ અને સમાન તકોની મોટી મોટી વાતો દેશની હવામાં ચોમેર પ્રસરતી રહે છે. આ વાતાવરણમાં આવી મધ્યયુગીન માન્યતાઓ અને ખાસ તો તેની પાછળની માનસિકતા વરવા સ્વરૂપે પ્રગટ થાય એ જોઈને લાગે છે કે હજી આપણે ઘણો લાંબો પંથ કાપવાનો છે. એટલું જ નહીં, આ લાંબો પંથ કાપતાં અગાઉ તેની દિશા અને ધ્યેય પણ નક્કી કરવાનાં છે. સ્ત્રીસન્માન કે સ્ત્રીશક્તિની વાત આવે એટલે જાણ્યાસમજ્યા વિના ‘યત્ર નાર્યસ્તૂ પૂજ્યન્‍તે’નો સાચોખોટો શ્લોક ફટકારી દઈને જ નારીસન્માનની વિભાવના આપણે ત્યાં આદિકાળથી ચાલી આવતી હોવાનો સંતોષ કે ગૌરવ લઈને આપણે ઈતિ કરી દઈએ છીએ. દેવતાઓને નિવાસ કરતા જોવાની અને એ માટે નારીઓની પૂજા કરી દેવાની આપણને એટલી બધી ઉતાવળ હોય છે કે નારીઓ મનુષ્ય છે એ વાત જ ધ્યાનમાં આવતી નથી.
આવા સામૂહિક વલણનું પ્રતિબિંબ જાહેર ક્ષેત્રે મહિલાઓ માટેની પ્રાથમિક સુવિધાઓ તરફ નજર નાંખતાં સ્પષ્ટ થઈ જશે. મહિલાઓને સમાન અધિકાર આપવાના ભાગરૂપે પોલિસ ખાતામાં મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. પણ પોલિસ વિભાગમાં કાર્યરત હોય એવી મહિલાઓના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે મોટા ભાગનાં પોલિસ સ્ટેશનોમાં મહિલાઓ માટે શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. આને કારણે મોટા ભાગની મહિલાઓ ફરજ પર હોય ત્યારે લઘુશંકાને ટાળવા માટે તરસ લાગે ત્યારે પાણી સુદ્ધાં પીતી ન હતી અને તરસી રહેતી હતી. આઈ.પી.એસ. અધિકારી અને સશસ્ત્ર સીમા બળનાં ઈ‍ન્સ્પેક્ટર જનરલ રેણુકા મિશ્રાએ હાથ ધરેલાં આ સર્વેક્ષણનાં બીજાં પણ ઘણાં તારણો છે. મહિલાઓનું શારિરીક બંધારણ પુરુષથી તદ્દન અલગ છે અને તેથી તેમની જરૂરિયાતો પણ અલગ છે. સાવ પ્રાથમિક તબક્કાની આ જરૂરિયાતો પૂરી પાડવાનું પણ ભાગ્યે જ ધ્યાનમાં આવે છે. 
આ અનુભવ ભારતભરમાં કામ કરતી મહિલાઓને હશે. કેવળ પોલિસવિભાગમાં જ નહીં, મોટા ભાગનાં જાહેર સ્થળોએ મહિલાઓ માટેનાં અલાયદાં શૌચાલય ભાગ્યે જ હોય છે, અને જે હોય છે એની હાલત એવી હોય છે કે તેનો ઉપયોગ કરતાં સૂગ ચડે. મંદીરોની વાત હોય કે જાહેર સ્થળોની, મહિલાઓ માટે પાયાની જોગવાઈની તો ઠીક, એ દિશામાં વિચારવા સુધીની જોગવાઈ પણ આપણે ભાગ્યે જ કરી શક્યા છીએ.

ભવ્ય સાંસ્કૃતિક પરંપરા, નારીઓનું આદરપૂર્ણ સ્થાન, આદર્શ નારીરત્નો વગેરે બાબતો આપણને ગૌરવના મિથ્યા કેફમાં એવા ડૂબાડી રાખે છે કે વર્તમાન સમયની વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરવામાં આપણને જરાય વાંધો આવતો નથી. વીસમી, એકવીસમી કે બાવીસમી સદી કેવળ કેલેન્‍ડરમાં બદલાતો સમય છે. કેલેન્‍ડર બદલાવાની સાથે આપણા વિચારોમાં કશો ફરક પડે છે કે કેમ, એ મહત્ત્વનું છે. 
( 'ગુજરાતમિત્ર' સમાચારપત્રમાં આવતી લેખકની કોલમ 'ફિર દેખો યારો'માં પ્રકાશિત લેખ તેમની મંજૂરીથી સાભાર. )