Showing posts with label મારી વાત. Show all posts
Showing posts with label મારી વાત. Show all posts

Wednesday, February 21, 2018

મારી વાત


ગ્રાહક : નમસ્તે
અધિકારી : નમસ્તે
ગ્રાહક : મારે નવી પાસબુક લેવાની છે.
અ: ૫૦૦૦ રૂપિયા.
ગ્રા: હેં !??!!
અ: હા.
ગ્રા: આટલી બધી ફી? ઈ મેઈલ દ્વારા સ્ટેટમેન્ટ મગાવું તો?
અ: હા, એ સસ્તું પડશે. ૪૯૯૯ રૂપિયા.
ગ્રા: ઓહ ! એક રૂપિયો ઓછો? !
અ: હાસ્તો, અમે ડીજીટલ ઇન્ડિયાને સપોર્ટ કરીએ છીએ. અને હા, હાર્ડ કોપી કે સોફ્ટ કોપી, એમાં દરેક એન્ટ્રી દીઠ ૩૦૦ રૂપિયા.
ગ્રા: અચ્છા. ચેકબુક ?
અ: ૮૦૦૦ રૂપિયા
ગ્રા: બસ?
અ: હા. અને ડીજીટલી ટ્રાન્ઝેક્શન કરો તો દરેક ટ્રાન્ઝેક્શન દીઠ ૫૦૦ રૂપિયા.
ગ્રા : બરોબર. એકાઉન્ટમાં મીનીમમ બેલેન્સ કેટલું રાખવાનું?
અ: એક કરોડ રૂપિયા.
ગ્રા: આખી જિંદગી દરમ્યાન?
અ : ના, રોજનું.
ગ્રા: અને ન હોય તો એટલું?
અ: તો રોજનો ૫૦૦૦૦ રૂપિયા દંડ.
ગ્રા: તો મેસેજ એલર્ટ અને એ બધી સિસ્ટમ?
અ: હા, ચાલુ જ છે ને એ સિસ્ટમ. એક એન્ટ્રીના ૪૯૯ રૂપિયા.
ગ્રા: લોન લેવી હોય તો?
અ: કઈ?
ગ્રા: કોઈ પણ.
અ : એમ ના ચાલે. દરેક પ્રકારની લોનના નિયમો અલગ હોય.
ગ્રા: અચ્છા. તો શિક્ષણ માટે?
અ: એ તમને નહિ પોસાય. બાળકોને મફત શિક્ષણ આપે એવી શિક્ષણ સંસ્થામાં ભણાવો.
ગ્રા: એવી તો ક્યાં હોય?
અ: તો એમાં બેન્ક શું કરે?
ગ્રા : હા,એ વાત તો સાચી છે હો તમારી. અચ્છા, ધંધા માટે?
અ: કયો ધંધો છે તમારો?
ગ્રા: આમ તો કરીયાણાની નાની દુકાન છે. એટલે વિચાર છે કે એમાં થોડી ઈમીટેશન આઈટેમ્સ ઉમેરીએ. બહેનો જ વધુ આવતી હોય ને ખરીદી માટે તો.
અ: હં.. તો તમારી પાસે શું મિલકત છે?
ગ્રા: આ દુકાન, એક એક બેડરૂમ-હોલ-કિચનનું ઘર.
અ: પત્ની, બાળકો, માતા-પિતા?
ગ્રા: હા, એ તો હોય જ ને?
અ: બસ, તો એમને તમારે બેન્કને જમા કરાવવાનાં રહે.
ગ્રા: એટલે?
અ: એટલે એમ કે તમે લોન પૂરી કરી દો ત્યાં સુધી એ લોકો બેન્ક માટે કામ કરે.
ગ્રા: ઓહો, તો તમારી પાસે બધા લોનધારકોના પરિવાર માટે કામ હોય?
અ:  એ ચિંતા તમારી નથી. કશું તો અમને ચિંતા કરવા દો.





















Tuesday, March 29, 2016

સલામતીનો સવાલ


મહિલાઓની સલામતીની વાત આવે એટલે જાતજાતની ચર્ચા શરૂ થઇ જાય. કેટલાય મત આવી જાય. કેટલીયે યોજનાઓની વાત સામે મૂકવામાં આવે. પણ હકીકત એ છે કે મહિલાઓની સલામતી માત્ર આવી ચર્ચાઓમાં અને અભિપ્રાયોમાં જ બંધાઈ ગઈ છે. પણ જયારે બહેનો સાથે રૂબરૂ વાત થાય ત્યારે એ અહેસાસ થાય કે એક પણ જગ્યા બહેનો માટે સલામત નથી. તે નોકરી કરતી હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થિની હોય, ગામ કે શહેરમાં રહેતી બહેન કે પછી સરપંચ હોય. દરેકને એ મહેસૂસ થાય છે કે એ કોઈ જગ્યાએ સલામત નથી.
અસલામતી તો એટલી બધી છે કે માતાનો ગર્ભ પણ અસલામત છે. આવી વાત કહેતી બહેનો અસલામત જગ્યાઓની આખી યાદી બનાવે નાખે છે. ત્યારે એવું લાગે કે ખરેખર આ આખી દુનિયામાં સ્ત્રીઓ માટે સલામત હોય એવી કોઈ જગ્યા નથી. આ અતિશયોક્તિ નથી, પણ કમનસીબે વાસ્તવિકતા છે. આપણા કચ્છ જિલ્લાની બહેનોના મોઢેથી સાંભળેલા તેમના અનુભવો છે.
કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. પણ ઘણી બધી બહેનો માટે ઘર પણ સલામત નથી. પિતા, પતિ, પુત્ર, ભાઈ, સસરા, દિયર, જેઠ.. કોઈ પણ સંબંધ હોય, કેટલીયે મહિલાઓને અગણિત કડવા અનુભવો થાય છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં આ વાત કહી શકે છે, કેમ કે પોતાનાં ઘરની “આવી” વાત કેમ કહેવી? એ તો સહન જ કરવી પડે ને?
“ઘરની બહાર નીકળીએ તો રસ્તોય ક્યાં સલામત છે? હું તો રીક્ષા કરવાને બદલે પગે જ જાઉં બધે હોં.” કહેતી બહેન આગળ ઉમેરે છે કે એટલે રોજ દસેક કિલોમીટર તો હાલવું જ પડે. એટલે બીજી બહેન ઉમેરે છે : રીક્ષાની ક્યાં વાત કરે છે? બસ કે કોઈ પણ વાહન ક્યાં સલામત છે આપણા માટે? દારૂડિયા લોકો ચડે. તેમના અને બીજાના અણગમતા સ્પર્શનો અનુભવ તો રોજ હોય. અરે, ડ્રાઈવર અરીસામાંથી ઈશારા કરે એવુંયે બને છે. જાતે વાહન ચલાવીએ તો જાણીજોઇને નજીકથી વાહન ચલાવનારાયે છે અને પીછો કરનારા પણ છે. બસમાં અપડાઉન કરવામાં તો રોજની તકલીફો છે. નવી જોડાયેલી શિક્ષિકાને આઠમા-નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન કરે તેવા પણ અનુભવ હતા.  
એટલે કોઈ પણ નોકરી કરતી બહેનોય અસલામતી અનુભવે છે. પછી એ આશાવર્કર હોય કે આચાર્યા. સૂના વિસ્તારોમાં રસીકરણ માટે જતી આશાવર્કરને અસલામતી લાગે છે અને ઘરકામ માટે જતી બહેનોને પણ ડર લાગે છે. નર્સની કામગીરી કરતી બહેનોને લાગે છે કે રાતની ડ્યુટી તેમના માટે સલામત નથી. કંપનીમાં કામ કરતી બહેનોને પણ અસલામતી લાગે છે. અરે, સરપંચ બહેનોને પણ ઘણા પુરુષ અધિકારીઓથી કડવા અનુભવ થાય છે.
પેટીયું રળવા કચ્છ બહારથી આવેલી બહેનોને તો વળી આર્થિક અસલામતી પણ લાગે છે. આખો મહિનો કામ કરીને વળતર ના આપ્યું હોય તેવી ઘટનાઓ પણ છે. દારૂડિયા પતિની મારપીટ તો રોજની હોય છે. ફાઈબરના કાચાં મકાનોમાં રહેતી બહેનો સતત એ ફડકા સાથે જીવે છે કે એક લાતથી ખુલ્લાં થઇ જતાં મકાનમાં કઈ પણ થઇ શકે છે. અન્ય રાજ્યોમાંથી પરણીને આવેલી બહેનો ઘરમાં સલામતી નથી અનુભવતી. અજાણી ભાષા, અજાણ્યો વિસ્તાર, અજાણ્યા લોકો... એક બહેન હિન્દીમાં કહે છે કે અમારું શોષણ તો ઘરના પુરુષ સભ્યો જ કરે છે. કારણ કે તેમને ખ્યાલ છે કે અહી આનું કોઈ નથી. કોણ મદદ કરશે એને અને એ જશે પણ ક્યાં?
અલબત્ત, સંવેદનશીલ પુરુષો પણ છે, બસ, તેમની સંખ્યા ઓછી છે. કુટુંબનો સાથ મળે છે એવી બહેનોને અન્ય લોકોથી અસલામતીનો અનુભવ થાય છે. દરેક બહેનનો એક જ સૂર હતો કે આ સમાજમાં થોડી સમજ આવે, બહેનો માટે તેની દ્રષ્ટિ બદલાય તો સારું.. અને આ સમાજ એટલે તો કોણ? આપણે જ.

(કચ્છમિત્રમાં તા. ૨૪-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Tuesday, March 15, 2016

જાતીય સતામણી એ સ્ત્રીના માનવ અધિકારનું હનન

ગઈ કાલે પુરુષોનાં વલણ અને વર્તનમાં બદલાવ માટેનાં સૂચનો વિષે વાત કરી. આજે કરીએ તે વાતને પૂરક એવી મહિલાઓનાં વર્તન-વલણના બદલાવ વિષેની ચર્ચા.
પ્રથમ વાત તો એ જ કે મહિલાઓએ જાતીય સતામણીને ઓળખવી જરૂરી છે. અસ્વસ્થ, અપમાનિત અથવા ભયભીત બનાવતો કોઈ પણ વ્યવહાર જાતીય સતામણી છે. સામેવાળી વ્યક્તિના ઈરાદા કરતાં, મહિલા શું અનુભવે છે એ વધારે મહત્વનુ છે. જો કોઈ મહિલાને આવી કોઈ પણ પ્રકારની સતામણીનો અનુભવ થાય, તો તેનો વિરોધ કરવાનો તેને અધિકાર છે.  
એક એવી ગેરસમજ છે કે સ્ત્રીની ‘ના’ એટલે ખરેખર ‘હા’ હોય છે. પણ એ વાત બિલકુલ સાચી નથી. સ્ત્રીની ‘ના’ એ ‘ના’ જ હોય છે. જે બાબત અણગમતી હોય તેના માટે દરેક સ્ત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ના કહેવી જ જોઈએ. મને આ પસંદ નથી” અથવા “રોકાઈ જાવ”. આ વાક્યોને જોરપૂર્વક બોલીને તરત જ પોતાનો વિરોધ કે અણગમો બતાવી દેવાં.
એવું બનતું હોય છે કે એકાદ મહિલા કે કિશોરીને જાતીય સતામણીનો અનુભવ થાય એટલે તેમનાં બહાર જવા ઉપર યા તો બંધન આવી જાય છે અથવા સમય નક્કી થઇ જાય છે. રાતે તો બહાર જવાનું બિલકુલ બંધ ! પણ આવું કરવાને બદલે બહેનોએ સતર્ક અને આત્મવિશ્વાસુ બનવાની જરૂર છે. આવી સતામણી થાય ત્યારે શાંત રહીને તે વ્યક્તિ સામે નજર મેળવી અને દ્રઢતાથી સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહેવી. જેથી સામેની વ્યક્તિને સ્પષ્ટ સંદેશ મળે કે આ મહિલા સતર્ક છે અને આ જગ્યા પર રહેવાનો એને પણ એટલો જ અધિકાર છે.
મિત્રો અને સહયોગીઓનો સાથ સતામણી છતી કરવામાં મદદગાર સાબિત થાય છે. ઉપરાંત, એક મહિલા તરીકે જો તમારી હાજરીમાં કોઈની સતામણી  થતી હોય તો તેને મદદ કરવા તથા પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું જોઈએ.
જાતીય સતામણીની ઘટના બને તો પોલીસને તેની ફરિયાદ નોંધાવવી ખૂબ જ જરૂરી છે. જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જેને નજર અંદાજ ન કરવો જોઈએ. તે એક મહિલાનું અપમાન તો છે જ, સાથે માનવ અધિકારનું પણ હનન છે. આવી ઘટના કોઈની પણ સાથે બને, તેની જાણ યોગ્ય અધિકારીઓને તરત કરવી જ જોઈએ.
જાતીય સતામણી માટે મહિલાએ ક્યારેય પોતાની જાતને દોષી ના માનવી જોઈએ. એ પુરુષો દ્વારા મહિલાઓ પર સત્તા અને મર્દાનગી અભિવ્યક્ત કરવા માટેનું માધ્યમ છે. એ વાત ખાસ યાદ રાખવી કે કપડાં અથવા તો રહેણી-કહેણી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય વર્તાવ અથવા તો સતામણીને આમંત્રણ આપતા નથી.
મહિલાઓ આ સૂચનોને ધ્યાનમાં લઈને પોતાનું વર્તન બદલાવે તો તેમને તો વ્યક્તિગત ફાયદો થશે જ. સાથે, બીજા સંવેદનશીલ લોકોનો સાથ પણ મળી શકશે. જે જાતીય સતામણીના કિસ્સાઓ ઘટાડવામાં મદદરૂપ બની શકે. સ્વસ્થ વિચારસરણી ધરાવતાં સ્ત્રી-પુરુષો જ સાથે મળીને આ સમાજને તંદુરસ્ત અને મહિલાહિંસામુક્ત બનાવશે તેમાં બેમત નથી.

 (કચ્છમિત્રમાં તા. ૧૨-૩-૨૦૧૬ના પ્રકાશિત)


મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી

આપણી સમજ, સંવેદના, અભ્યાસ, અનુભવ એ બધી બાબતો આપણને એક સુસંસ્કૃત માનવ તરીકેની ઓળખ આપે છે. પણ આ બધું હોય છતાં, આપણી ઓળખ ખોટી ઉભી થાય એવું બને. એ માટે કારણરૂપ છે આપણું વર્તન. ઉપરની બધી બાબતોને આપણું વર્તન જ યોગ્ય અથવા નકામી ઠેરવે છે. જ્યાં સુધી કોઈ બાબતમાં વર્તનમાં ના આવે ત્યાં સુધી એ ગમે તેટલી આદર્શ અથવા સારી હોય, વાસ્તવિક નથી બનતી. 
આજે વાત કરવી છે પુરુષ અને સ્ત્રીનાં પરસ્પર સાથેનાં વર્તનની. મોટેભાગે તો આપણે સહુ જાણેઅજાણે સમાજ જેમ ઈચ્છતો હોય છે એમ જ વર્તન કરતાં હોઈએ છીએ. એની અસરને લીધે પૂર્વગ્રહ, પૂર્વધારણાઓ અને ના જાણે શું શું પરિણામ આવે છે. એના કરતાં થોડું વિચારીને વર્તન કરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉભા થતાં અટકી શકે.
ઘણી વાર પુરુષો મિત્રવર્તુળમાં પોતાની સ્વીકૃતિ અને મહત્વ બતાવવા મર્દાનગીનું દંભી પ્રદર્શન કરતા હોય છે. આ પ્રકારનો વ્યવહાર બિલકુલ અયોગ્ય છે. પુરુષોએ પોતાના શબ્દો અને વર્તન પર ધ્યાન આપવાની સાથે તેને સન્માનજનક બનાવવા જોઈએ.
મહિલાઓને જોર-જબરદસ્તી, જરૂરથી વધારે મિત્રતા અને બિનજરૂરી આત્મીયતાની કોશિશ પસંદ નથી હોતી. એટલે એવું બિલકુલ ના માની લેવું કે તેમને આવું વર્તન ગમે છે. મહિલાવિરોધી ભાષા, ગાળો, અભદ્ર બોલીથી દૂર રહેવું. આવી ભાષાનો ઉપયોગ મહિલાઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. મહિલામિત્ર હોય કે મહિલા સહકર્મચારી, તેમને માન આપવું કેમ કે અનાદર તંદુરસ્ત સંબંધ માટે જોખમી છે.
આસપાસ થતા સંભવિત જાતીય સતામણીના બનાવો પ્રત્યે સતર્ક અને મદદ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણી વાર આવી સતર્કતા મહિલાને મોટી દુર્ઘટનાથી બચાવે છે. ક્યારેક તો એવું બને છે કે હાજરીમાત્ર અથવા થોડો મોટો અવાજ પણ શોષણખોરને પીછેહઠ કરવા ફરજ પાડે છે.
એવું તો ક્યારેય ભૂલથી પણ ના વિચારવું કે યુવતીઓને છેડછાડ પસંદ હોય છે. આ એક બહુ મોટાપાયે ફેલાયેલી ગેરમાન્યતા છે. એ સમજવું બહુ જરૂરી છે કે જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જે નજરઅંદાજ ન કરી શકાય. ફિલ્મો કે ટીવી ધારાવાહિકોમાં બતાવવામાં આવતાં સતામણીના દ્રશ્યો પણ મહિલાઓને અસુરક્ષિત અને અસલામતીનો અનુભવ કરાવે છે.
યુવતીઓ પોતાની ઈચ્છા પ્રમાણે કપડાં પહેરે તો તેની સતામણી વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ટૂંકા કે આધુનિક કપડાં પહેરતી યુવતી “ચાલુ” અથવા “બોલ્ડ” છે. પણ એ માન્યતા સાવ પાયાવિહીન છે. કપડાં એ પસંદગીનું પ્રતિબિંબ છે, નહિ કે વર્તન અને વલણનું. પુરુષ હોય કે મહિલા બન્નેને પોતાની મરજી પ્રમાણે કપડાં પહેરવાનો હક છે. શક્ય છે કે કોઈ યુવતીનાં કપડાં કોઈને પસંદ ન આવે પણ તે બાબત ગુસ્સો કે અવગણનાનો અધિકાર નથી આપતી.
 જાતીય સતામણી કોઈ મજાક નથી. આ એક અનિચ્છનીય અને આક્રમક સત્તાનું પ્રદર્શન છે. જે મહિલાઓના આત્મવિશ્વાસને ડગમગાવે છે. એટલું જ નહિ, તેને ગુસ્સો અને નારાજગીનો અનુભવ કરાવે છે. મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી. યુવતીઓને એક સાથી અને મિત્રની જરૂર હોય છે, નહિ કે આક્રમક અને તેની ગરિમાને નુકસાન પહોંચાડનાર શોષકોની. ભીડની માન્યતા સાથે ચાલી શોષક બનવું એ સાચું લાગી શકે, પણ આ માન્યતાથી અલગ વર્તન પુરુષોને સન્માન અપાવે છે. આશા છે કે આ સૂચનો મહિલાઓ માટે સ્વસ્થ અને સલામત વાતાવરણ ઉભું કરશે. કાલે વાત કરીશું બહેનોની એમાં ભાગીદારીની...

 (કચ્છમિત્રમાં તા. ૧૧-૩-૨૦૧૬ના પ્રકાશિત)

મહિલાઓની રોજિંદી હાલત તરફ કોનું ધ્યાન જાય છે?


બે દિવસ પહેલાં ગયેલા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી સફળ મહિલાઓની વાત જાણી હશે. તેમનો સંઘર્ષ અને તેના પછી મેળવેલી સરસ સફળતાની વાત.
સમાજમાં બહેનોની પરિસ્થિતિ વિષે હકારાત્મક બાબતો બહાર આવે તે એક પ્રેરણાદાયી વાત છે. વર્ષમાં એક દિવસ આવી વાતો કરવી સારી લાગે છે. તકલીફ બાકીના ૩૬૪ દિવસની છે. મહિલાઓ સાથે થતી જાતીય સતામણીના કિસ્સા રોજેરોજ વધે છે. મહિલાઓનાં અપમૃત્યુનો આંકડો પણ ઓછો નથી થતો. મહિલાઓની રોજેરોજની વાત આ એક દિવસની ઉજવણીથી ખૂબ અલગ હોય છે. અને કરુણતા એ છે કે માત્ર મોટી ઉમરની બહેનો જ નહિ, કિશોરીઓ પણ નાની ઉમરથી સ્ત્રી હોવાની કીમત ચૂકવે છે.
એક અભ્યાસના ભાગરૂપે ભુજનાં ૨૬૫ કિશોર-કિશોરીઓ સાથે વાત કરવાની તક મળી. એમણે પોતાના અંગત અનુભવો બહુ નિખાલસ રીતે વ્યક્ત કર્યા. કિશોરીઓને પણ માત્ર જાતીય સતામણી જ નહિ, બીજી જાતજાતની સતામણી સહન કરવી પડે છે, જેને જાણીને ચોંકી જવાની સાથે દુઃખની લાગણી પણ થાય. જેમ કે : “ હું એક છોકરી છું, તો મને પતંગ ઉડાડવા પણ ના મળે?” આવો સવાલ કરનારી કિશોરીની કેટલી નાનકડી ઈચ્છા, જે આખરે અફસોસમાં બદલાઈ જાય ! એક છોકરીનાં માતાપિતાને કુટુંબથી અલગ રહેવું પડે છે. કેમ કે તેઓ પોતાની દીકરીને ભણાવવા માગે છે અને કુટુંબના વડીલ એવા દાદા તેની વિરુદ્ધ છે.
ભણવા માટે પોતાનાં ગામમાંથી ભુજ આવવા અપડાઉન કરતી કિશોરીઓની વાત તો વળી અલગ જ છે. તેમને તો શું ને શું સહન કરવું પડે છે ! એક છોકરીને એ પ્રશ્ન છે કે બસને લીધે ક્યારેક મોડી આવે તો લોકો વાતો કરે છે કે આવડી મોડી આવી તો જરૂર કોઈ સાથે ”ચક્કર” હશે ! કોઈ આવી ટીકા સહન કરે છે તો કોઈને રોજ બસમાં પુરુષોનો અણગમતો સ્પર્શ સહન કરવો પડે છે. આ જ અભ્યાસમાં જયારે કિશોરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ઘણા છોકરાઓ એ બસમાં જાય, જેમાં છોકરીઓ વધુ હોય. ભલે ને તે બસ ગમે તે ગામની હોય !
અપડાઉન એ કોઈ છોકરીની કારકિર્દીનો ભોગ પણ લઇ લે છે. એક છોકરી તેની વાત કરતાં કહે છે કે મારી કોઈ મિત્ર ભુજ ભણવા નહોતી આવતી. તો મારાં કુટુંબના સભ્યોએ મને પણ ભુજ જવા દેવાની ના પડી દીધી. એકલી છોકરીને ભુજ કેમ મોકલાય? મારે તો એન્જિનિયર બનવું હતું પણ શું થાય? ગામમાં જેટલાં ધોરણ છે એટલું ભણીને સંતોષ માનવો પડશે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ પણ છોકરીઓ માટે તો જાણે કે ગુનો જ છે. એક છોકરી પોતાનો અનુભવ કહે છે કે છોકરાઓ વોટ્સએપ કે સોશિયલ સાઈટ્સ ઉપર રાતે મોડે સુધી ઓનલાઈન રહે તો કોઈ નોંધે પણ નહિ. જયારે એ જ બાબત છોકરીઓ માટે શંકાનું કારણ બને છે. છોકરી થઈને આટલે મોડે સુધી ઓનલાઈન !!
તો આ છે પરિસ્થિતિ. પસંદગીનાં કપડાની વાત હોય કે પસંદગીની ડીગ્રીની વાત, રાતે બહાર જવાની વાત હોય, અન્ય સ્થળે ભણવાની વાત કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ - છોકરીઓને ના તો પસંદગી કરવા મળે છે કે ના તો નિર્ણય કરવા મળે છે. અને આ બધી બાબતો એટલી સ્વાભાવિક રીતે તેમની જીંદગીમાં વણાઈ ગઈ છે કે તે ખોટું છે એવો અહેસાસ જ નથી થતો. અને જ્યારે અહેસાસ મરી જાય ત્યારે વ્યક્તિનું માનવપણું પણ સાથે મરી જાય છે. અને સાચી તો વાત છે, આપણે સ્ત્રીને “નારાયણી” માનીએ છીએ પણ એ સહુથી પહેલાં એક માનવ છે એ સહજતાથી ભૂલી જઈએ છીએ.

            
      કચ્છમિત્રમાં તા. ૧૦-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Wednesday, March 9, 2016

સલામત શહેરની તરફ....

આપણે જે શહેર કે ગામમાં રહેતાં હોઈએ તે આપણને ખૂબ પ્રિય હોય છે. તેના વિષે કોઈ કંઈ ઘસાતું બોલે તો આપણે તરત જ બચાવમાં ઉતરી જઈએ છીએ. પણ આ લાગણીને જરા બાજુ ઉપર મૂકીને માત્ર એક પ્રશ્ન વિષે શાંતિથી અને તટસ્થતાથી વિચારીએ. “શું મારું શહેર/ગામ કિશોરીઓ અને મહિલાઓ માટે સલામત છે ખરું?”
જવાબમાં “ના” મળે તો આઘાત લાગે ને? પણ આ વરવી વાસ્તવિકતા છે કે એક પણ ગામ કે શહેર કિશોરીઓ અને મહિલાઓ માટે સલામત નથી. એના અગણિત દાખલાઓ સમૂહ માધ્યમો દ્વારા જાહેરમાં આવે છે. બદનામીના ડરને લીધે બહાર ના આવતા હોય એવા કિસ્સાઓ તો અલગ.
જો આપણે આપણા વતનને સાચાં દિલથી પ્રેમ કરતાં હોઈએ તો તેના નાગરિક તરીકે આપણી જવાબદારી બને છે કે તેને સલામત શહેર/ગામ બનાવીએ. એના માટે સૈનિક કે પોલીસ બનવાની જરૂર નથી. એક સામાન્ય નાગરિક તરીકે પણ આપણે ઘણું કરી શકીએ છીએ તેમ છે. અહી એવી બાબતો મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેનો અમલ કરવામાં આવે તો કિશોરીઓ અને બહેનોની સલામતી જાળવી શકાય.
સમજવું બહુ અગત્યનું છે કે લિંગ આધારીત હિંસાના વિવિધ સ્વરૂપો મહિલાઓને શહેર પરનો એક નાગરિક તરીકેનો અધિકાર મેળવવામાં અડચણરૂપ થાય છે. જેમાં જાહેર જગ્યાઓમાં મુક્તપણે હરવું-ફરવું મહત્વનું પ્રથમ પગથીયું છે. એટલે કે બગીચા, બજાર, મુખ્ય રસ્તાઓ ઉપર બહેનો મુક્ત રીતે હરીફરી શકે છે કે નહિ એ ચકાસવું પડે. માત્ર દિવસે જ નહિ, મોડી સાંજ કે રાતનો સમય પણ તેમને ત્યાં ફરવા માટે અનુકૂળ રહે છે કે નહિ તે પણ જોવું પડે. ઘણી વાર એવું બને છે કે આવી ભીડભાડવાળી જગ્યાઓએ સીટી મારીને, અભદ્ર કમેન્ટ કરીને, શરીરના અમુક ભાગોએ જાણીજોઈને સ્પર્શ કરીને બહેનો સાથે છેડછાડ કરવામાં આવે છે.
આવી જાહેર જગ્યાઓને મહિલાઓ માટે સંવેદનશીલ અને સલામત બનાવવા માટે મહિલાઓ, સ્થાનીય શાસન અને મહિલાઓના મુદ્દે કામ કરતાં જૂથોની એક-બીજા સાથેની ભાગીદારી જાહેર જગ્યાઓમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. શાળા-કોલેજ જેવાં સ્થળોએ પણ પોલીસની નજર હોવી જોઈએ. જેને લીધે રજા સમયે થતી ભીડમાં પણ કિશોરીઓ સલામત રહે.
 સ્ટ્રીટ સર્વે, જૂથ ચર્ચા, સલામતી ઓડીટ જેવાં અલગ અલગ માધ્યમથી વિવિધ વર્ગની મહિલાઓ અને કિશોરીઓના રોજીંદા અનુભવોને જાણી અને સમજી શકાય છે. લૈંગિક હિંસાની સચોટ, વિશ્વાસપાત્ર અને સ્થાનિક આંકડાકીય માહિતી મેળવવા માટેના આ ખૂબ અસરકારક માધ્યમ છે. માહિતીનું વિશ્લેષણ અને છણાવટ ભારપૂર્વક સાબિત કરે છે કે દરેક વ્યક્તિને જાહેર સ્થળો અને તે માટેની નિર્ણય-પ્રક્રિયામાં શામેલ થવાનો સંપૂર્ણ અધિકાર છે.
મહિલાઓ, યુવતીઓ અને અન્ય હિતધારકોમાં જાહેર સ્થળોએ હિંસા વિશે સમજ વિકસાવવી. આ મુદ્દે સ્ત્રીઓને પોતાના વિસ્તાર માટે આગેવાની લેવા પ્રેરિત કરવી. બજેટની યોગ્ય ફાળવણી માટે નીતિ-વિષયક હિમાયત કરી  સશક્ત કરવી. જેને લીધે બહેનોના અભિગમથી નાણાકીય ફાળવણી કરવામાં આવે.
બહેનોના સામુદાયિક સંગઠનો વચ્ચે ઇન્ટરનેટ અને મીટીંગોના માધ્યમથી શીખવાની અને ચિંતન કરવાની જગ્યા પૂરી પાડવાથી પ્રકારના કામોને વધુ અસરકારક બનાવી શકાય છે. બહેનો પોતાના અનુભવો વ્યક્ત કરતી થાય છે. પોતાની તકલીફોનો પોતે જ હલ શોધતી થાય છે. એટલું જ નહિ, માહિતીની તાકાતથી શાસનને પણ જવાબદાર બનાવે છે.
એક બાબત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે મહિલાઓની સલામતી એ માત્ર મહિલાઓનો મુદ્દો નથી. એ દરેક સંવેદનશીલ નાગરિકનો મુદ્દો બંને એ અત્યંત જરૂરી છે. કેમ કે દરેક ઘરમાં મહિલા સભ્ય હોય જ છે.
સલામત શહેરની દિશામાં થયેલા પ્રયત્નો અને ટકાઉપણા માટે પ્રાપ્ત સફળતાને ટકાવી રાખવી, સતત સંપર્ક અને સંકલન, જ્ઞાનનું આદાન-પ્રદાન, વિચાર અને વલણમાં બદલાવ સતત અને સુપેરે ચાલુ રહે તે આવશ્યક છે.  
             (કચ્છમિત્રમાં તા. ૯-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Tuesday, March 8, 2016

સ્નેહ-શાંતિના સાથે સલામતીની વાટે


પરિવર્તનનો પવન આજે ચારે દિશાઓમાં ફૂંકાઈ રહ્યો છે. કચ્છ પણ તેમાંથી બાકાત નથી. એકાદ દાયકા પછી જે કચ્છ આવતા હોય તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કે આ એ જ કચ્છ છે ! મોટાં મકાનો અને દુકાનો, પહોળા રસ્તા, અઢળક કંપનીઓ, અન્ય રાજ્યોના રહેવાસીઓની મોટી સંખ્યા, આલિશાન સરકારી કચેરીઓ, પ્રવાસીઓ અને હોટેલ્સની વધી ગયેલી સંખ્યા અને બીજું કેટલુંય.
એની સાથે એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સિક્કાની બીજી બાજુની જેમ, આ જ પરિવર્તન સાથે નકારાત્મક પાસાં પણ જોડાયેલાં છે. વધતાં જતાં વ્યસનો, વધતા જતા ગુનાઓ, વધતી જતી હિંસા, હિંસાના બદલાતા પ્રકાર આ નકારાત્મક બાજુઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ બધી બાબતોની અસર ઘણા બધા વર્ગ ઉપર થાય છે. જેમાં સામાજિક, આર્થિક, તક અને સગવડોની દ્રષ્ટિએ વંચિત નાગરિકો આનો સહુથી વધુ ભોગ બને છે. તેમાં પણ મહિલાઓની સ્થિતિ વધુ કફોડી છે. કેમ કે તેઓ સામાજિક માળખાંમાં નીચેથી પણ નીચેના સ્તરે છે.
કચ્છમાં પણ મહિલાઓની આવી જ પરિસ્થિતિ છે. અલબત્ત, હકારાત્મક પરિવર્તન પણ છે, એ રાહતરૂપ બાબત છે. મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરતી થઇ છે. દીકરીઓ ભણતી થઇ છે. પણ જેમ માળખાંકીય સગવડોને વિકાસ  કહેવાય કે કેમ, એ એક સવાલ છે. એ જ રીતે આવાં થોડાં-ઘણાં ઉદાહરણોને મહિલા સશક્તિકરણ ગણી શકાય કે કેમ એ પણ એક સવાલ છે.
એટલે જ હવે મહિલા સશક્તિકરણના અર્થમાં પણ પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે. એ માટે સમાજ, સરકાર અને સંસ્થાઓ સાથે મળીને કદમ ઉઠાવે તો બહુ સરસ અને નક્કર પરિણામ પણ લાવી શકાય એમાં બેમત નથી. સંસ્થા એટલે માત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ જ નહિ, શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાં સામેલ થાય. કેમ કે કિશોરીઓ અને યુવતીઓ પણ પોતાને સલામત અનુભવતી નથી એ હકીકત છે.
અત્યારે એવો સમય આવી ગયો છે કે મોટાભાગની મહિલાઓ એક પણ સ્થળે સલામતીનો અહેસાસ નથી કરતી, પછી તે કોઈ પણ ઉમરની હોય. તેમને અસલામતીનો અહેસાસ કરાવતી જગ્યાઓ પણ અનેક છે. શૈક્ષણિક સંસ્થાઓ, કામના સ્થળો, જાહેર રોડ, જાહેર વાહનો, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, મનોરંજનના સ્થળો અને પોતાનું ઘર પણ.
એ પણ બહુ દુઃખદ કહેવાય તેવી વાત છે કે સ્વજન કહી શકાય તેવા પુરુષો જ નહિ, ઉપરી અધિકારી, શિક્ષક, ડ્રાયવર-કંડકટર, પોલીસ, સરકારી અધિકારીઓ, ધર્મગુરૂઓ, સાથી કર્મચારીઓ જેવા પરિચિત કે થોડા પરિચિત પુરુષો પણ જાતીય સતામણી કરતા હોય છે.
કદાચ આ બધું બહુ નિરાશાજનક કે નકારાત્મક લાગે. પણ કમનસીબે આ જ વાસ્તવિકતા છે. જેના કેટલાય જીવતા દાખલા આપણી આસપાસ જ જોવા મળે છે. પણ એ જોવા માટે માનવની સંવેદનશીલ આંખ અને હૃદય જોઈએ.
પણ હવે આશાનું એક કિરણ ફૂટ્યું છે. સરકારી તંત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કિશોરીઓ અને મહિલાઓની સલામતી વિષે કામગીરી શરૂ કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ એ કોઈ યોજના, પ્રોજેક્ટ કે ઉજવણીનો મુદ્દો ના હોઈ શકે કે નથી એ પુરુષોનો વિરોધ. મહિલાઓ પોતાની જિંદગીના દરેક નિર્ણયો લેતી થાય અને તેમાં પરિવારથી માંડીને આસપાસના વાતાવરણમાં તેની સાથે જોડાયેલા તમામ લોકો તેને સાથ આપે. આ માટે મહિલાઓએ પોતાના  વિચારો, અનુભવો, સપનાંઓની અભિવ્યક્તિ કરવી પડશે. તો જ સાચાં સશક્તિકરણ તરફની સફરની શરૂઆત થશે, જેમાં દરેકની સહભાગીદારી હશે.

એ વિષે સતત વિચાર અને સંવેદનશીલતા સાથે તેનું યોગ્ય અમલીકરણ થાય એ અનિવાર્ય છે. એટલું નહિ, આ અમલીકરણ થાય એ જવાબદારી માત્ર મહિલાઓની નથી. એ જવાબદારી તો દરેક સંવેદનશીલ વ્યક્તિની છે. જો આપણે આપણને સંવેદનશીલ વ્યક્તિ માનતાં હોઈએ તો.. સ્નેહ, શાંતિના સાથે સલામતી તરફ શરૂ થયેલી આ સફરના હમસફર બનવા આપ સહુને આમંત્રણ છે.
                                  ('કચ્છમિત્ર'માં ૮/૩/૧૬ના રોજ પ્રકાશિત) 

Saturday, November 22, 2014

મારી વાત

                  મને (પોતાના) પગ સિવાય બીજું કોઈ વાહન ચલાવતાં નથી આવડતું. તેથી ક્યાંય જવાની જરૂર પડે તો છકડા તરીકે જાણીતાં વાહનનો મોટેભાગે ઉપયોગ કરું છું. જેની સગવડ આખાં ભુજમાં મળી રહે છે.
            આવી રીતે જાહેર વાહનનો ઉપયોગ કરવાથી જાતજાતના લોકો સાથે રોજ જવાનું થાય. એટલે જાતજાતના વિચારો સાંભળવા મળે. ઓબામાએ અમેરિકાનો વહીવટ સારી રીતે કેમ ચલાવવો ત્યાંથી માંડીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ કેવી રીતે રમવી ત્યાં સુધીનું જ્ઞાન માત્ર પંદર-વીસ મિનિટની સફરમાં મેળવી શકાય. પણ ઘણી વાર એવી વાતો શીખવા મળે કે જીવન પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મને એવા અનુભવો થયા છે. શક્ય છે કે તે તમને પણ બે ઘડી વિચારતા કરી દે..
            એક વાર છકડામાં મારી બાજુમાં એક પ્રૌઢ બહેન બેઠેલાં. પહેલાં તેમણે અમસ્તું જ એક સ્મિત આપ્યું. પછી પૂછ્યું : નોકરી કરો છો? મેં હા પાડી એટલે બીજો સવાલ આવ્યો : રોજ ટિફિન લઈને જતાં હશો કેમ? મારા હાથમાં ટિફિન હતું જ, એટલે મેં એની પણ હા પાડી. તેમણે પૂછ્યું : ક્યાં નોકરી કરો છો? મેં તેના વિષે થોડી વાત કરી. પછી તેમનો નવો સવાલ આવ્યો : મારા ભાઈને શું થયું હતું? એક મિનિટ તો હું સમજી જ નહિ કે એ મને શું પૂછવા માગે છે. પછી સવાલ મગજમાં ઉતર્યો અને સમજાયો એટલે મેં કહ્યું કે મેં લગ્ન જ નથી કર્યાં. તો એ કહે : ઓહ, મને એમ કે તમે કોઈ ઘરેણાં નથી પહેર્યા અને કપડાં પણ આછા રંગનાં છે એટલે.. માફ કરજો હો..
            ત્યારે તો મેં આ વાત હસવામાં કાઢી નાખી. પછી મને થયું કે એ બહેનની જેમ આપણે પણ કેટલી બધી વાર માત્ર વ્યક્તિના બહારના દેખાવ ઉપરથી કેવી કેવી ધારણાઓ બાંધી લેતાં હોઈએ છીએ ! એમાં પણ બહેનોનાં તો કપડાં અને ઘરેણાં ઉપરથી તેનો સામાજિક દરજ્જો અને તે મુજબનું વર્તન પણ નક્કી થાય.
            બહેનો ઉપરાંત પણ, કોઈ પણ વ્યક્તિ માટે આપણે એવું જ કરીએ છીએ. વ્યક્તિનો ધર્મ, જ્ઞાતિ, શહેર-ગામની વ્યક્તિ છે કે તે પણ નક્કી કરીને, તે મુજબ તેમાં આપણા પૂર્વગ્રહો અને ધારણાઓ ઉમેરીને, શુંને શું વિચારી લેતાં હોઈએ છીએ. અમુક જ્ઞાતિ એટલે આવી, અમુક ધર્મ એટલે આવું જ હશે, ગામડાંના છે એટલા આવા હશે, અભણ લાગે છે તો આમ જ કરશે, મજૂર જેવા દેખાય છે, તો પાકીટ સાચવજો.. આવું તો કેટલુંય...
            પણ ખરેખર કોઈ પણ વ્યક્તિ કેવી છે એ આપણે આવી રીતે માત્ર બહારથી જોઇને, ધારણાઓ બાંધીને નક્કી કરી શકીએ ખરાં? આપણા પોતાના વિષે કોઈ આવી રીતે નક્કી કરી લે અને વર્તન પણ તે મુજબ કરે, તો આપણને તે ના જ ગમે.
            આવી રીતે બીજી એક ઘટનાએ મને બીજો એક વિચાર આપેલો. એક વાર છકડામાં મારી સામે બે યુવાનો બેઠેલા. ના, કોઈ પૂર્વધારણા ના બાંધશો...એમણે કોઈ છોકરીની મસ્તી નહોતી કરી. એમાંથી એક યુવાનને દાઢી ઉપર નાની પણ ગંભીર ઈજા થઇ હતી. પટ્ટી બાંધેલી હતી. રસ્તાને લીધે જરા આંચકો આવે કે તે ખોંખારો પણ ખાય તો તેને ખૂબ પીડા થતી હતી. એકાદ વાર તો એની આંખમાં આપોઆપ પાણી પણ આવી ગયું.
            તેઓ તો એક હોસ્પિટલ પાસે ઉતરી ગયા, પણ મને વિચાર આવ્યો કે મારા જેવી બોલકણી વ્યક્તિને આવી કોઈ ઈજા થાય અને મોઢું બંધ રાખવું પડે તો તો તકલીફ થઇ જાય ! એના પછી મને તરત બીજો વિચાર આવ્યો કે અરે, મને તો ક્યારેય આવી કોઈ ગંભીર ઈજા થઇ જ નથી. બે-ત્રણ અકસ્માતોમાંથી પસાર થઇ છું, મારી કામગીરીમાં પણ મોટાભાગે ફરવાનું રહે છે. છતાં, મને એવી ઈજા નથી થઇ કે મારા શરીરનો કોઈ ભાગ થોડા દિવસ માટે કામ ના કરી શકે. ના તો ક્યારેય ફ્રેકચર કે એવી કોઈ ઈજા થઇ છે. એટલું જ નહિ, એવી કોઈ ગંભીર બીમારી પણ નથી આવી કે દવાખાનામાં દાખલ થવું પડે, પરિવારના લોકોને દોડાદોડી કરવી પડે. એનાથી આગળ મને એવો વિચાર આવ્યો કે માત્ર મને જ નહિ, મારા પરિવારના કોઈ સભ્યને પણ આવી કોઈ તકલીફ નથી પડી કે નથી કોઈને ગંભીર રોગ.
            મને લાગ્યું કે હું સાવ નગુણી છું કે આવી સરસ ભેટ માટે મેં કુદરતનો ક્યારેય આભાર પણ નથી માન્યો. કેમ કે આ જ છકડાઓમાં મેં લોકોને બહુ જ દુઃખી હાલતમાં દવાખાને જતા જોયા છે. ક્યારેક દવાખાને જવાનું થાય તો તકલીફોથી પીડાતા જોયા છે. પૈસા ના હોવાથી, ગમે તેટલી જરૂરી દવા પણ ના ખરીદતા લોકો જોયા છે. જયારે કદાચ મને કોઈ ગંભીર બીમારી આવે તો મારી પાસે તો પૈસા પણ છે.
            કુદરત આપણને કેટલું બધું આપે છે ! પણ આવી રીતે મેં તો ક્યારેય વિચાર્યું નહોતું, જ્યાં સુધી મેં પેલા ભાઈને જોયા નહોતા. કેટકેટલું છે, જે મને સહજતાથી મળ્યું છે. સારી તંદુરસ્તી અને કોઈ પણ ખોડ-ખાંપણ વિનાનું શરીર, સારો પરિવાર, સમજુ અને પ્રેમાળ મિત્રો, સારી નોકરી, સારા સાથી કાર્યકરો.....

હવે મને મારા માટે ને મારા પરિવાર માટે રોજ આવી કોઈ ભેટ દેખાય છે અને તે માટે હું કુદરતનો આભાર માનવાનું ચૂકતી નથી..
        

Monday, October 27, 2014

મારી વાત


મોટે ભાગે આપણને બધાં પાસેથી એવું વધારે સાંભળવા મળે છે કે દુનિયા બહુ ખરાબ થઇ ગઈ છે. કોઈ ઉપર ભરોસો રાખવા જેવું નથી રહ્યું. પણ ક્યારેક અચાનક એવા અનુભવ થઇ જાય છે કે માનવજાત ઉપરથી ડગી ગયેલો વિશ્વાસ ફરી સ્થિર થઇ જાય.

        એક વાર હું મારાં શહેર ભુજથી ૫૦ કિમી દૂર આવેલ માંડવી ગામ જઈ રહી હતી. ત્યાંથી પાછાં આવતાં સાંજ થઇ ગઈ. માંડવીથી ભુજ વચ્ચે તુફાન ગાડીઓ ફેરા કરે. હું તેના સ્ટેન્ડ પાસે ઉભી હતી. એક ડ્રાઈવર મને પૂછી ગયા કે ભુજ જ જવું છે કે નહિ. ત્યાં એક સાવ ખાલી ગાડી પસાર થઇ. હજી તો હું તેના ડ્રાઈવરને પૂછવા જાઉં ત્યાં પેલા ડ્રાઈવરે આવીને મને રોકી અને કહે : બહેન, આમાં ના જશો . કેમ કે આ અમારી રોજિંદી લાઈનની ગાડી નથી. કોઈ અજાણ્યો ડ્રાઈવર છે.

        હું ફરી વાહનની રાહ જોતી ઉભી. પેલા ડ્રાઈવર મારી પાસે આવ્યા અને કહે : જો મારી ગાડી ભરાય તો તમને કહું છું. નહિ તો હજી છેલ્લી એસટી છે, તેમાં જતા રહેજો.  પણ કોઈ ગાડી તો આવી નહિ. અંધારું વધતું જતું હતું. ત્યાં ફરી એ ડ્રાઈવર આવ્યા અને કહે : હવે લાગતું નથી કે ભુજ માટે પેસેન્જર મળે. અહી હવે બહુ વસ્તી નથી. તમે અહી એકલા ના ઉભશો. હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં. ત્યાં લોકો હશે અને છેલ્લી બસ પણ હમણાં જ્ આવશે.

         એ ભાઈ મને એકાદ કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેન્ડ પાસે પોતાની તૂફાનથી મૂકવા આવ્યા. નસીબજોગે બસ આવી ગઈ હતી. ભાઈએ મને ત્યાં ઉતારી. મેં એમનો આભાર માન્યો અને કેટલ પૈસા આપવાના તે પૂછ્યું. તો તેઓ કહે : બહેન, આટલામાં પૈસા લેવાય? એમાં શું? તમે આમ એકલાં ઉભા હો અને હું ત્યાં હોઉં તો તમે મારી જવાબદારી બની જાઓ. એટલે જ્ મેં તમને અજાણી ગાડીમાં જવાની ના પાડી. હવે તો તમે અહી વસ્તીમાં છો તો ચિંતા નથી. હવે હું ઘરે શાંતિથી જઈશ.
       
આવા ઘણા અનુભવ થયા છે અને શ્રદ્ધા છે કે થતા રહેશે. હું એ બધા અનુભવોને અહી મૂકતી રહીશ. આશા છે કે એ વાંચીને માનવજાત ઉપરનો આપણા સહુનો વિશ્વાસ અતૂટ રહેશે. એટલું જ નહિ, આપણે પણ કોઈને આવી રીતે યથાશક્તિ ઉપયોગી થવાની વૃત્તિ રાખીને તેમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે કારણભૂત બની શકીએ.....