Showing posts with label બીરેન કોઠારી. Show all posts
Showing posts with label બીરેન કોઠારી. Show all posts

Saturday, May 21, 2016

પાણી સાધન કે સંપત્તિ નથી, સ્રોત છે

-બીરેન કોઠારી

માનવજાતની પ્રકૃતિ બહુ અળવીતરી હોય છે. કોઈ ચીજ તેની પાસે હોય ત્યારે તેને કશી કિંમત ન હોય. એને તે વેડફી નાંખે, બેફામપણે વ્યય કરે અને તેનું નિકંદન કાઢવાને આરે લાવીને મૂકી દે. અને એ ચીજ તેની પાસેથી જતી રહે ત્યારે તેને મેળવવા માટે એ ધમપછાડા કરે, આકાશપાતાળ એક કરે. આ બાબતનું સૌથી જાગતું ઉદાહરણ એટલે પાણી.
માનવજીવન જ નહીં, જીવ માત્રના જીવન માટે પાણી અનિવાર્ય છે. માનવ પાણીને નાથતો થયો, સંઘરતો થયો ત્યારે લાગ્યું કે તેને પાણીનું મૂલ્ય સમજાઈ રહ્યું છે. પણ આડેધડ વિકાસની આંધળી દોટમાં અત્યારે તે અભૂતપૂર્વ જળસંકટનો સામનો કરી રહ્યો છે. એક તરફ પીવાના પાણીના સાંસા છે અને બીજી તરફ કેટલુંય પાણી વેડફાય છે. એટલું જ નહીં, પાણીને લઈને કોઈ ભાવિ આયોજન પણ નજરે પડતું જણાતું નથી.

મહારાષ્ટ્રના લાતુરમાં પાણીના વિતરણ ટાણે ૧૪૪ મી કલમ લાગુ પાડવામાં આવી છે અને ત્યાં પાણી ભરેલી ટેન્‍કરો ટ્રેન દ્વારા મોકલવામાં આવી રહી છે. દેશના એક ભાગમાં આટલી વિકટ પરિસ્થિતિ છે અને બીજી તરફ ક્રિકેટ મેચોના આયોજન પાછળ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આવો જ વિરોધાભાસ ગંગા, યમુના કે અન્ય નાની મોટી નદીઓના કહેવાતા શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાબતે જોવા મળે છે. આ નદીઓમાં વ્યક્તિગત તેમજ તંત્રગત રીતે ગંદકી ઠાલવતી વખતે પાછું વાળીને જોવાતું નથી. એ રીતે નદીની ઓળખ મટી જવા આવે ત્યારે કરોડોના ખર્ચે શુદ્ધિકરણનું આયોજન કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ પણ નદીને ફરીથી પ્રદૂષિત કરવા માટે જ કરવામાં આવે છે, એ અલગ વાત છે.
આજકાલ રીવરફ્રન્ટના રૂપાળા નામે નદીકાંઠાઓને શણગારવાની યોજનાઓની ચર્ચા થઈ રહી છે. સૂકાઈ ગયેલી એક નદીમાં બીજી નદીનું પાણી ઠાલવીને તેના પટને કોઈ પણ ભોગે ભરેલો રાખવામાં આવે છે, જેના સાન્નિધ્યમાં કળા, સંસ્કૃતિ, સ્વાસ્થ્ય તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોના ગૌણ કાર્યક્રમના નિમિત્તે  ખાણીપીણીનો મુખ્ય કાર્યક્રમ ચાલતો રહે છે. આ બધો કચરો ભલે નદીમાં ઠલવાતો. રીવરફ્રન્‍ટને વિકસાવવાની આવી યોજનાઓ ઠેરઠેર ચર્ચાઈ રહી છે અને ઘણે ઠેકાણે એનો અમલ થવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. નાગરિકો બિચારા વહેતું પાણી જોઈને એટલા રાજી થઈ જાય છે કે તેમના મનમાં હકારાત્મક વિચારોની ગંગા વહેવા માંડે છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાના જળાશયો ક્યારના લુપ્ત થઈ ગયા છે. આવા જળાશયો પાણીના તળને જાળવી રાખવામાં ઘણા મદદરૂપ થઈ પડતા. જળાશયો પર હવે બહુમાળી ઈમારતો વટભેર ઉભી છે અને જળાશયની યાદ અપાવતા ખાડા જ્યાં અને જેટલા પણ બચ્યા છે ત્યાં કચરો ઠલવાતો રહેવાથી એ કુદરતી કચરાપેટી બની રહ્યા છે.
વ્યાપક સ્તરે આવો અભિગમ જોઈને વ્યક્તિગત સ્તરે આપણને સૌને થાય કે આમાં આપણાથી શું થઈ શકે? આ સમસ્યા એટલી વિશાળ અને મુખ્યત્વે નીતિગત કારણે ઉદભવેલી જણાય છે!
જરા વિચારીએ તો ખ્યાલ આવે કે આપણા સ્તરે હાથ ધરાયેલા ઉપાયોનું મહત્ત્વ પણ કમ નથી. સૌ પ્રથમ તો પાણીને આપણે સંબંધિત તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની અને આપણા હકની ચીજ તરીકે જોવાનું બંધ કરવું રહ્યું. કુદરત દ્વારા આપણને પ્રાપ્ત સૌથી મહત્ત્વના નૈસર્ગિક સ્રોત તરીકે તેને આપણે જોઈશું તો જ તેનું મૂલ્ય સમજાશે. આ મહામૂલા સ્રોતને વેડફી દેવો કોઈ કાળે પોષાય નહીં.
પાણીના વેડફાટને નિયંત્રિત કરતો કોઈ કાનૂન બને કે ન બને, નાગરિકધર્મ તરીકે પણ આ બાબતને ગંભીરતાથી લેવા જેવી છે. તંત્ર દ્વારા સામૂહિક સ્તરે જે થાય એ, પણ વ્યક્તિગત સ્તરે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવા જેવી છે. પોતાના વિસ્તારમાં પાણીની છત ભલે હોય, પણ તેનાથી એને વેડફી દેવાનો પરવાનો આપણને મળી જતો નથી.
પાણીના સદુપયોગનું પહેલવહેલું પગથિયું છે તેને નકામું વહી જતું અટકાવવાનું. ટપકતા નળ, ટપકતા સાંધાઓનો ઈલાજ વેળાસર કરીને તેને બંધ કરવાં જોઈએ. પ્લમ્બરને બોલાવવાની મજૂરીની સરખામણીએ પાણીનું મૂલ્ય અનેકગણું વધુ છે.
વિવિધ ઘરેલુ કાર્યો માટે પાણીનો ઉપયોગ કરતી વખતે પાણીના નળને સતત ચાલુ રાખવાને બદલે જરૂર પૂરતું પાણી જે તે કામ મુજબના પાત્રમાં ભરીને તેને વાપરવું હિતાવહ છે. દાંતે બ્રશ કરવા કે દાઢી કરવા જેવું નાનું કામ હોય કે વાસણ ઘસવા, વાહનો ધોવા કે સ્નાન કરવા જેવું વધુ પાણી વાપરતું કામ કેમ ન હોય!
વપરાયેલા પાણીના તેના ઉપયોગ મુજબ પ્રકાર પાડવામાં આવ્યા છે. વાસણ ધોવાં, નહાવું, કપડાં ધોવા વગેરે જેવી ઘરેલુ પ્રવૃત્તિઓથી પેદા થયેલા નકામા પાણીને ગ્રે વોટર કહેવામાં આવે છે. શૌચાલયોમાંથી નીકળેલું મળમૂત્રવાળું પાણી બ્લેક વોટર તરીકે ઓળખાય છે. ગ્રે વોટર પર પ્રક્રિયા કરીને તેને શૌચાલયોમાં ફ્લશ કરવા તેમજ બગીચાને સિંચિત કરવામાં ફરી વાપરી શકાય છે. પણ બ્લેક વોટરને પુનઃઉપયોગમાં લઈ શકાતું નથી. અલબત્ત, એ બાબત ધ્યાનમાં રાખવી રહી કે ગ્રે વોટરમાં ઓગળેલા સાબુ તેમજ ડિટરજન્ટ હોવાથી તેની પર પ્રક્રિયા કરવી જરૂરી છે. તેને એમનું એમ વાપરવામાં આવે તો છોડના વિકાસ વિપરીત થઈ શકે.
સામાન્ય રીતે આપણા ઘરોમાં તમામ પ્રકારનાં વપરાયેલાં પાણીને ગટરમાં વહાવી દેવાની ગોઠવણ કરવામાં આવી હોય છે. આ સંજોગોમાં ગ્રે વોટરના પુન: ઉપયોગ માટે થોડી કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવી પડે. આ કામ ઝંઝટભર્યું લાગતું હોય તો પણ એ સમજવું રહ્યું કે આ ઝંઝટ કેવળ એક વારની છે. તેની સામે મળનારો લાભ અનેકગણો વધુ છે.


પાણીનો વેડફાટ અટકાવવા માટે દરેક જણ પોતપોતાની મૌલિક પદ્ધતિ શોધી શકે. પાણીનો વેડફાટ અટકાવવાની સાથે સાથે બીજી મહત્ત્વની વાત છે વરસાદી પાણીના સંચયની. વરસાદી પાણીનો સંચય ઘરના સભ્યદીઠ કેમ ન કરી શકાય? ‘રેઈન બેરલ તરીકે ઓળખાતા સાવ સાદા પીપમાં, તદ્દન ઓછી જગામાં અને સાવ મામૂલી ખર્ચે આ કામ કરી શકાય છે. કુટુંબ સાધનસંપન્ન હોય કે ન હોય, પણ લોકો આ પદ્ધતિ અપનાવે એ ઈચ્છનીય છે, કેમ કે, પાણી કંઈ પૈસા ખર્ચીને ખરીદી લેવાની કોઈ ચીજ નથી, પણ મહત્ત્વનો પ્રાકૃતિક સ્રોત છે, એ સૌને સમજાય એ જરૂરી છે. બીજી ઘણી બિનજરૂરી બાબતો પાછળ નાણાં આપણે વેડફતા હોઈએ છીએ. તેની સરખામણીએ આ પ્રયત્ન અને તેની પાછળનો ખર્ચ વધુ ન ગણાય. જળ એ જ જીવન જેવાં સૂત્રો લખવાથી કંઈ પાણી બચતું નથી. આ સૂત્ર લખવા ઉપરાંત તેને અપનાવીએ તો જ તેનો અર્થ સરે. 

(તસવીર સૌજન્ય : ઈન્ટરનેટ)

Wednesday, March 2, 2016

એને નારાયણી નહીં, નારી માનીએ તોય ઘણું !


                                                                      - બીરેન કોઠારી

ઈતિહાસમાં મધ્યયુગ તરીકે ઓળખાવાયેલો સમયગાળો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓના કાળાડિબાંગ અંધકાર જેવો હતો, એમ કહી શકાય. ત્યાર પછી ધીમે ધીમે વિજ્ઞાનને કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવતું ગયું. વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, તે જેટલી ઝડપથી લોકોની જીવનશૈલી બદલી નાંખે છે, એ ગતિએ માન્યતાઓ કે માનસિકતાને બદલી શકતું નથી. પરિણામે છેલ્લામાં છેલ્લી ઢબનું ઉપકરણ વાપરતો માણસ માનસિક રીતે સો-બસો વરસ પાછળ અને પછાત હોય એની નવાઈ નથી. બીજા દેશોની ખબર નથી, પણ આપણા દેશમાં આવા પરચા અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ આધુનિકતમ તબીબી કે ઈજનેરી આવિષ્કાર અંગેના સમાચાર વાંચીને સહેજ આનંદની અને એકવીસમી સદીમાં આવ્યા હોવાની ખરેખરી લાગણી અનુભવાય. તેની સામે બીજી અનેક બાબતો જાણીને મધ્યયુગમાં રહી ગયા હોવાનો આભાસ થાય અને સ્વાતંત્ર્યપ્રાપ્તિનો અર્થ નવેસરથી વિચારવો પડે.
૧૯૪૭માં દેશને સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ અને ત્યાર પછી ૧૯૫૦માં બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણમાં તમામ દેશવાસીઓને સમાનતા અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. આમ છતાં, હજી ઘણાં સ્થાનો એવાં છે કે જ્યાં બંધારણ જેવી કોઈ બાબત લાગુ પડતી નથી, એમ લાગ્યા વિના રહે નહીં.
કેરળના સબરીમાલાના મંદીરમાં રજસ્વલા સ્ત્રીઓને મંદીરમાં પ્રવેશવા ન દેવાની પ્રથા અને એ અંગે સર્વોચ્ચ અદાલતની ટીપ્પણીને પગલે વ્યાપક ઉહાપોહ અને વિરોધ થયો. આ વિરોધ માંડ શમે ત્યાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરના મંદીરની પ્રથા સામે મહિલાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. શનિદેવના આ મંદીરમાં મૂર્તિ પર તેલ ચડાવવાનો હક કેવળ પુરુષોનો જ છે. આ પ્રથા સામે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે. આધ્યાત્મિક ગુરુ તરીકેની ઓળખ ધરાવતા શ્રી શ્રી રવિશંકરે આ આખા મામલે મધ્યસ્થી કરીને એવો ઊકેલ સૂચવ્યો કે પુરુષ યા સ્ત્રી બન્નેમાંથી કોઈ હવે તેલ નહીં ચડાવે. તેને બદલે કેવળ પૂજારી જ આ વિધિ કરશે. કેવળ પૂજારી દ્વારા વિધિ કરવામાં આવે તો મહિલા પૂજારીઓની નિમણૂક કરવાની માગણી મહિલા સંસ્થાએ કરી છે. આ વિવાદમાં નોંધપાત્ર બાબત એ છે કે મહિલાઓએ પુરુષોના પૂજા કરવાના હકને નાબૂદ કરવા સામે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે અમારે પુરુષોનો હક નાબૂદ કરાવવો નથી, પણ અમારો પોતાનો હક જોઈએ છે. આ આખા મુદ્દામાં વિધિના ઔચિત્ય, જરૂરિયાત કે નિરર્થકતાની ચર્ચાને બાજુએ રાખીએ તો લિંગભેદનો મુદ્દો કેન્‍દ્રસ્થાને છે.
કેવળ સબરીમાલા કે શનિ શિંગણાપુરનાં મંદીરોની વાત ક્યાં કરવી? ઘણાં બધાં સ્થાનિક મંદીરોમાં પણ રજસ્વલા મહિલાઓની પ્રવેશબંધી અંગેની સૂચનાઓ ચીતરેલી હોય છે. મહિલાઓને આ બાબતે વાંધો છે કે નહીં એ પછીની વાત છે. પણ આજના વૈજ્ઞાનિક તેમજ માહિતીના સ્ફોટના યુગમાં આવી માન્યતાઓ પ્રચલિત છે એ આઘાતની વાત કહેવાય. ઘણી મહિલાઓએ આના વિરોધમાં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે એ આનંદની વાત છે. અધિકાર કે વિશેષાધિકાર નહીં, કેવળ નારીત્વના સ્વીકાર અને નારીત્વની જરૂરિયાત બાબતે આપણાં ધર્મસ્થાનોની અને એ રીતે આપણી માનસિકતાની આ સ્થિતિ છે!
વિકાસ, સ્ત્રીસશક્તીકરણ અને સમાન તકોની મોટી મોટી વાતો દેશની હવામાં ચોમેર પ્રસરતી રહે છે. આ વાતાવરણમાં આવી મધ્યયુગીન માન્યતાઓ અને ખાસ તો તેની પાછળની માનસિકતા વરવા સ્વરૂપે પ્રગટ થાય એ જોઈને લાગે છે કે હજી આપણે ઘણો લાંબો પંથ કાપવાનો છે. એટલું જ નહીં, આ લાંબો પંથ કાપતાં અગાઉ તેની દિશા અને ધ્યેય પણ નક્કી કરવાનાં છે. સ્ત્રીસન્માન કે સ્ત્રીશક્તિની વાત આવે એટલે જાણ્યાસમજ્યા વિના યત્ર નાર્યસ્તૂ પૂજ્યન્‍તેનો સાચોખોટો શ્લોક ફટકારી દઈને જ નારીસન્માનની વિભાવના આપણે ત્યાં આદિકાળથી ચાલી આવતી હોવાનો સંતોષ કે ગૌરવ લઈને આપણે ઈતિ કરી દઈએ છીએ. દેવતાઓને નિવાસ કરતા જોવાની અને એ માટે નારીઓની પૂજા કરી દેવાની આપણને એટલી બધી ઉતાવળ હોય છે કે નારીઓ મનુષ્ય છે એ વાત જ ધ્યાનમાં આવતી નથી.
આવા સામૂહિક વલણનું પ્રતિબિંબ જાહેર ક્ષેત્રે મહિલાઓ માટેની પ્રાથમિક સુવિધાઓ તરફ નજર નાંખતાં સ્પષ્ટ થઈ જશે. મહિલાઓને સમાન અધિકાર આપવાના ભાગરૂપે પોલિસ ખાતામાં મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. પણ પોલિસ વિભાગમાં કાર્યરત હોય એવી મહિલાઓના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે મોટા ભાગનાં પોલિસ સ્ટેશનોમાં મહિલાઓ માટે શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. આને કારણે મોટા ભાગની મહિલાઓ ફરજ પર હોય ત્યારે લઘુશંકાને ટાળવા માટે તરસ લાગે ત્યારે પાણી સુદ્ધાં પીતી ન હતી અને તરસી રહેતી હતી. આઈ.પી.એસ. અધિકારી અને સશસ્ત્ર સીમા બળનાં ઈ‍ન્સ્પેક્ટર જનરલ રેણુકા મિશ્રાએ હાથ ધરેલાં આ સર્વેક્ષણનાં બીજાં પણ ઘણાં તારણો છે. મહિલાઓનું શારિરીક બંધારણ પુરુષથી તદ્દન અલગ છે અને તેથી તેમની જરૂરિયાતો પણ અલગ છે. સાવ પ્રાથમિક તબક્કાની આ જરૂરિયાતો પૂરી પાડવાનું પણ ભાગ્યે જ ધ્યાનમાં આવે છે. 
આ અનુભવ ભારતભરમાં કામ કરતી મહિલાઓને હશે. કેવળ પોલિસવિભાગમાં જ નહીં, મોટા ભાગનાં જાહેર સ્થળોએ મહિલાઓ માટેનાં અલાયદાં શૌચાલય ભાગ્યે જ હોય છે, અને જે હોય છે એની હાલત એવી હોય છે કે તેનો ઉપયોગ કરતાં સૂગ ચડે. મંદીરોની વાત હોય કે જાહેર સ્થળોની, મહિલાઓ માટે પાયાની જોગવાઈની તો ઠીક, એ દિશામાં વિચારવા સુધીની જોગવાઈ પણ આપણે ભાગ્યે જ કરી શક્યા છીએ.

ભવ્ય સાંસ્કૃતિક પરંપરા, નારીઓનું આદરપૂર્ણ સ્થાન, આદર્શ નારીરત્નો વગેરે બાબતો આપણને ગૌરવના મિથ્યા કેફમાં એવા ડૂબાડી રાખે છે કે વર્તમાન સમયની વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરવામાં આપણને જરાય વાંધો આવતો નથી. વીસમી, એકવીસમી કે બાવીસમી સદી કેવળ કેલેન્‍ડરમાં બદલાતો સમય છે. કેલેન્‍ડર બદલાવાની સાથે આપણા વિચારોમાં કશો ફરક પડે છે કે કેમ, એ મહત્ત્વનું છે. 
'ગુજરાતમિત્ર' સમાચારપત્રમાં આવતી લેખકની કોલમ 'ફિર દેખો યારો'માં પ્રકાશિત લેખ તેમની મંજૂરીથી સાભાર. )

Friday, November 27, 2015

યે પાંચ સાલોં કા દેને હિસાબ આયે હૈં



બીરેન કોઠારી
આ બ્લોગ પર મારાં પોતાનાં લખાણો સિવાય મને ગમતી રચનાઓ તેમજ અન્ય ઉપયોગી લેખો મૂકવાનો ઉપક્રમ મુખ્યત્વે રહ્યો છે. આ ઉપક્રમ અંતર્ગત વધુ એક આરંભ કરતાં આનંદ થાય છે. લેખક- ચરિત્રકાર અને મારા મિત્ર બીરેન કોઠારીની સાપ્તાહિક કોલમ'ફિર દેખો યારોં' , સુરતથી પ્રકાશિત અખબાર 'ગુજરાતમિત્ર'માં  દર ગુરુવારે પ્રકાશિત થાય છે, જેમાં તેઓ નાગરિકધર્મને લગતા સામાન્ય પ્રશ્નો અને વ્યક્તિગત સ્તરે તેના શક્ય ઉપાયો મૂકવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરે છે. તેમના મેઈલીંગ લીસ્ટ દ્વારા તેમજ 'વેબગુર્જરી' પર આ લખાણો વાંચવા મળે છે. એ વાંચીને, મને અંગત રીતે લાગે છે કે એક ઉમદા વિચાર વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે એને મારા બ્લોગ પર રીપોસ્ટ કરું. બીરેનભાઈએ આ માટે અનુમતિ આપી તે બદલ તેમનો આભાર. દર અઠવાડિયે નિયમિતપણે અહીંં એમની કોલમના લખાણને એ જ નામ હેઠળ રીપોસ્ટ કરવામાં આવશે. આશા છે, મારી જેમ સહુને ગમશે જ. 


********************************

આપણી લોકશાહીમાં ચૂંટણીઓની નવાઈ નથી. નગરપાલિકાઓ, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ ખરી જ, એ ઉપરાંત નાનીમોટી અનેક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ ખરી. દરેક ચૂંટણી આપણને આપણો મત કિંમતી અને પવિત્ર હોવાનું યાદ દેવરાવતી રહે છે. એક રીતે નાગરિક તરીકે ભલે કામચલાઉ તો કામચલાઉ, પણ આપણા મહત્ત્વનો અહેસાસ આ મોકે આપણને થાય છે. ચૂંટણી કોઈ પણ હોય, એક જાગૃત મતદાતાને થતી મૂંઝવણ લગભગ કાયમી હોય છે. મત કોને આપવો? પક્ષને નજર સામે રાખવો કે ઉમેદવારને? ચૂંટણી અગાઉ વિવિધ પક્ષો પોતાનો ચૂંટણીઢંઢેરો બહાર પાડે છે. તેને તેઓ કેવી અને કેટલી ગંભીરતાથી લે છે એ અલગ વાત થઈ, પણ એક ઔપચારિકતા લેખે પોતાના પક્ષની નીતિ દર્શાવવી જરૂરી બની રહે છે. ખરેખર તો, દરેક ચૂંટણી વખતના જે તે પક્ષના ચૂંટણીઢંઢેરા સાચવીને રાખ્યા હોય અને તેને જે તે પક્ષની વર્તમાન સ્થિતિ અને નીતિ સાથે સરખાવવામાં આવે તો કવિ રાજેન્‍દ્ર શુક્લની પેલી પંક્તિ યાદ આવ્યા વિના રહે નહીં: આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. મૂળ પંક્તિનો સંદર્ભ ભલે અલગ રહ્યો, પણ મતદાતા તરીકે વિચારીએ તો એ તદ્દન બંધબેસતી લાગે. વિવિધ સ્તરની ચૂંટણીઓ માટે એક જ પક્ષના ચૂંટણીઢંઢેરાનો અભ્યાસ કરીએ તો તેની અર્થવિહીનતા અથવા તો એ ઢંઢેરાની ગંભીરતા જે તે પક્ષને માટે કેટલી છે એ તરત સમજાઈ જાય.
આપણા દેશની સાત દાયકા જૂની લોકશાહીની તાસીર જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે હજી આપણે આપણા પ્રતિનિધિને ચૂંટતા નથી, બલકે આપણા ઉદ્ધારકને, આપણા તારણહારને ચૂંટીએ છીએ. આ તારણહાર ચૂંટાશે, ચૂંટાયા પછી પોતાની જાદુઈ લાકડી ફેરવશે અને ઉદ્ધાર થઈ જશે. વરસોવરસ એક વ્યક્તિને તારણહારના સ્થાને મૂક્યા પછી તેનાથી કંટાળીએ ત્યારે બીજા તારણહારને ચૂંટીશું. આમાં ક્યાંય આપણે લોકપ્રતિનિધિ તરીકેની ઉમેદવારની ભૂમિકાની કે તેણે કરેલા કાર્યની ભાગ્યે જ ચર્ચા કરીએ છીએ. ચૂંટણીનો દિવસ નજીક આવતો જાય એમ ઉમેદવાર કયા મુદ્દાઓ આગળ ધરે છે, એની પર નજર નાંખીએ તો એ સમજાય કે આપણા મતનું મૂલ્ય તેને મન કેવું છે!
સામે પક્ષે એ પણ જોવાની જરૂર છે કે ઉમેદવારનું મૂલ્ય આપણા મનમાં કેવું છે! આપણી સોસાયટીમાં તે એક-બે બાંકડા મૂકી આપે, લાઈટના બે-ચાર થાંભલા ગોઠવી આપે કે ડામર અને કપચી ભરેલાં એકાદ બે ડમ્પર ઠાલવી દે એટલામાં જ રીઝી જવા આપણે તૈયાર હોઈએ છીએ? કે પછી તેનાથી આગળ એ કંઈક કરે એવી આપણી અપેક્ષા હોય છે? સ્થાનિક સ્તરે આવાં કામો દ્વારા જે તે ઉમેદવાર ચૂંટાઈ આવે એ પછી તેને આ પદ્ધતિ ફાવી જાય છે. મોટે ભાગે તે વારંવાર ચૂંટાતો રહે છે અને એમ સમજી બેસે છે કે આ રીતે ચૂંટાવાનો તેનો અધિકાર છે.
લોકશાહીને એક શાસનપદ્ધતિ તરીકે આપણે સ્વીકારી તેની સાથે જ એક બાબત જોડાયેલી હતી કે દર પાંચ વર્ષે શાસક બદલાતા રહે. એ રીતે શાસકને પોતાને પોતાના શાસનકાળ પ્રત્યે એક દૃષ્ટિપાત કરવાની તક મળે અને તેના મનમાં પણ અનિશ્ચિતતા રહે. દરેક ચૂંટણી વખતે મતદાતાઓએ આ હકીકત યાદ રાખવા જેવી છે. કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ ઉમેદવાર હોય, આખરે તે પ્રજા દ્વારા ચૂંટાતો પ્રતિનિધિ છે. પ્રજા ઈચ્છે તો જ તેને ચૂંટે અને સત્તાસ્થાને બેસાડે. સત્તાસ્થાન પણ પોતાનો અધિકાર જમાવવા નહીં, બલકે પ્રજાની સેવા માટે છે એ બાબત તેના મનમાં સતત રહેવી જોઈએ. દર પાંચ વરસે તેને આ બાબતનો અહેસાસ થવો જોઈએ.  
એટલે કે કોને મત આપવો એ મૂંઝવણનો ઉકેલ બહુ સાદો છે. સત્તાસ્થાને જે શાસક કે પક્ષ હોય તેને ફરી મત ન આપવો, એટલી સાદી બાબત મતદાતા તરીકે આપણે યાદ રાખવા જેવી છે. આનું કારણ એટલું જ કે જે તે પક્ષ કે ઉમેદવારને યાદ રહે કે તે પ્રજા પર શાસન કરવા નહીં, પણ પ્રજાનાં કામ કરવા માટે ચૂંટાયા છે. પોતે શાસક નહીં, સેવક છે, એ તેણે યાદ રાખવું અને તેમને એ યાદ રહે એ જોવાનું કામ આપણું છે. કોઈ પણ ઉમેદવાર ગમે એવો લાયક કે કાર્યક્ષમ હોય, એક ટર્મથી વધુ તક તેને આપવી નહીં, અને બીજી તક આપવી હોય તો વચ્ચે એક ટર્મ તેને ઘેર બેસાડીને પછી એ તક આપવી. આમ કરવાનો હેતુ એટલો જ કે પ્રજા એ કોઈની જાગીર નથી એ બાબતનો અહેસાસ તેના મનમાં બરાબર રહે.
આને લઈને ભલે એમ બને કે મહાનગરપાલિકાની ચૂંટણી, રાજ્યસ્તરની ચૂંટણી કે કેન્‍દ્રીય સ્તરની ચૂંટણીમાં એક જ મતદાર અલગ અલગ, વિરોધાભાસી લાગે એ રીતે મત આપે. પણ લોકશાહીનો સાચો ઉપયોગ તેમજ હેતુ એ જ છે. આપણા દેશમાં એક જ પક્ષના શાસનના લાંબા ગાળા પછી થોડો સમય મિશ્ર સરકારનો સમયગાળો ચાલ્યો. હવે પાછો એક જ પક્ષના શાસનનો દોર આવ્યો છે. પણ બહુમતિથી ચૂંટાયેલા પક્ષની નીતિરીતિઓમાં ખાસ ફરક હોતો નથી. તેમની વિચારધારા કે સિદ્ધાંતો એક હોય અને તેનાથી સાવ વિરોધાભાસી તેમનો વ્યવહાર હોય એ અનુભવથી નાગરિકો એ હદે રીઢા થઈ ગયા છે કે તેની નવાઈ રહી નથી. ચૂંટણીટાણે ઉછાળવા માટે જાતજાતના મુદ્દાઓ શોધી લાવવા અને ચૂંટણી પછી તેને ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનો ક્રમ નિયમીત બનેલો છે. ઉમેદવારો ભલે અપરિપકવતા કે બાલીશપણું દેખાડે, નાગરિકોએ પુખ્તતા દર્શાવવા માટે હવે આમ કરવું જરૂરી લાગે છે. ગમે એટલા સારા ઉમેદવારને સળંગ ચૂંટવાને બદલે તેને બદલતા રહેવું. લોકશાહીનો મૂળભૂત ઢાંચો એટલો મજબૂત છે અને તે કદી વ્યક્તિવિશેષ આધારીત નથી. તે ગુણો અને સિદ્ધાંતો પર આધારીત છે. તેથી શાસન અસ્થિર થવાનો કે આપણું શું થશે?’ પ્રકારનો ભય મતદારે પોષવાની જરૂર નથી. એ ભીતિ સેવવી જ હોય તો ભલે ઉમેદવાર સેવતો!

વિવિધ સ્તરની ચૂંટણીઓ આવતીજતી રહેશે, પણ આ ગ્રંથિ તેમનામાં વિકસે એ જોવાની જવાબદારી નાગરિક તરીકે આપણી છે.                                                              

Tuesday, February 3, 2015

સાથી હાથ બઢાના

સાથી હાથ બઢાના

મિત્ર બીરેન કોઠારીના બ્લોગ "પેલેટ" પર આ લેખ વાંચ્યો, એ અગાઉ  પણ આ પ્રોજેક્ટ વિષે તેમણે પોતાના બ્લોગ પર વખતોવખત લખ્યું છે. (એ તમામ લખાણો 
http://birenkothari.blogspot.in/search/label/Uniform%20Project પર ક્લીક કરવાથી વાંચી શકાશે.)  પણ ત્યારે મારો પોતાનો બ્લોગ શરૂ થયો ન હતો. હવે મારું પોતાનું એ માધ્યમ સુલભ છે, ત્યારે થયું કે આવી સરવાણીનો સ્રોત વધુને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે. કરવા જેવા એક કામમાં સેતુ બનવા મળે એ પણ ઓછા સંતોષની વાત નથી.  આ કામગીરીના બીજા પગથિયાં પણ અવારનવાર મૂકતા રહેવાનો ઈરાદો છે. 



-ઉત્પલ ભટ્ટ

(અમદાવાદ રહેતા મારા મિત્ર ઉત્પલ ભટ્ટ મૂળ પત્રકાર અને પ્રિન્ટ માધ્યમ તેમજ ઈલેકટ્રોનિક માધ્યમ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા પછી હવે સરકારી નોકરીમાં છે. આ બન્ને પ્રકારની કારકિર્દીમાં રહ્યા હોવા છતાં તેમનામાં રહેલી સંવેદનશીલતા હજી અકબંધ રહી શકી છે.  પોતાનો એક અનુભવ તેમણે પત્રરૂપે લખી મોકલ્યો છે. યોગાનુયોગે આજે દેશનો ત્રેસઠમો પ્રજાસત્તાક દિન છે. આ પોસ્ટ આપણા 'પ્રજાસત્તાક' રાષ્ટ્રને અને જેના હાથમાં સત્તા રહેલી છે એ 'પ્રજા'ને અર્પણ છે. )

પ્રિય મિત્રો,
કુશળ હશો. પણ હું મારા માટે એમ કહી શકું એમ નથી. 
ના, એવું કશું અંગત કારણ નથી. કારણ સામાજિક, સામૂહિક છે, એટલે મને થયું કે મારી અનુભૂતિ તમારી સાથે વહેંચીને થોડો હળવો થાઉં.
વર્તમાન ગુજરાત સરકાર દ્વારા ત્રણ દિવસનો ગુણોત્સવ નામે કાર્યક્રમ ઉજવવામાં આવે છે, એની આપને જાણ હશે જ. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓનું  મૂલ્યાંકન કરવાનો છે. વિવિધ ખાતાઓના સરકારી કર્મચારીઓને આ માટે રાજ્યભરમાં મોકલવામાં આવે છે.
મને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો નવેમ્બર,૨૦૧૧ માં મળ્યો હતો. ત્રણ દિવસમાં ત્રણ ગામની શાળાઓની અમે મૂલ્યાંકન માટે મુલાકાત લીધી.
આમાંની એક શાળા હતી શરૂપુર ટીંબી નામના ગામની. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી સુરત જતાં વચ્ચે પાલેજ આવે છે. પાલેજથી ડાબી બાજુએ વળીએ એટલે કોળીયાદ વટાવ્યા પછી આ ગામ આવે છે. સાવ છેવાડાનું, મુખ્યત્વે ખેતી પર નભતું આ ગામ છે, જેમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ મોટે ભાગે ખેતમજૂરોનાં સંતાનો છે. ખેતમજૂર એટલે ગરીબીનો પર્યાય. બે ટંકનું ભોજન મેળવવા માટે તેના આખા કુટુંબે દિવસ આખો ખેતરમાં મજૂરી કરવી પડે. બાળબચ્ચાંઓને ભણવા મોકલે તો એમનો રોજ પડે. એને બદલે એ લોકો મજૂરીએ આવે તો કુટુંબની આવકમાં વધારો થાય અને બે ટંકનું ભોજન પૂરતું મળી શકે.
આમ છતાંય આ છોકરાંઓને શાળાએ ભણવા માટે આવતાં જોઈને મને આનંદ થયો. જો કે, બહુ જલદી તેનું રહસ્ય પણ જાણવા મળી ગયું. અક્ષરજ્ઞાન કે શિક્ષણ માટેના પ્રેમથી પ્રેરાઈને તે અહીં નહોતા આવતા. તેમના આવવાનો હેતુ કંઈક જુદો હતો.
સરકાર સંચાલિત મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળામાં ભોજન જમાડવામાં આવે છે. એ રીતે એક ટંકનું પૂરતું ભોજન મળી રહે અને પેટનો ખાડો પૂરાય. શાળામાં નિયમીત આવવાનું કારણ આ હતું. ભોજનની કે તેની સામગ્રીની ગુણવત્તાનો ઉલ્લેખ જાણી જોઈને હું ટાળું છું, કેમ કે એવો વૈભવ આ બાળકોને પોષાઈ શકે એમ નથી.
એક ટંક પેટ ભરીને જમવા તો મળે !
સ્વાભાવિક છે કે ગુણોત્સવ માટે શાળામાં જતા સરકારી કર્મચારીઓના સ્વાગતમાં કશી કચાશ ન છોડાય. છોકરાંઓને પીવાના પાણીના ફાંફા હોય, પણ મૂલ્યાંકન માટે આવનારાઓ માટે ઠંડા પીણાંની શીશીઓના બિલ્લા ફટાફટ ખોલી દેવામાં આવે. આમાં શાળા સંચાલકોનોય વાંક નથી. પોતાની શાળાનું મૂલ્યાંકન સારી રીતે થાય એ માટે આ સરકારી મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં શો વાંધો? ઉપરાંત અતિથિ દેવો ભવનો મંત્ર આપણી ભારતીય સંસ્કૃતિને પણ અનુરૂપ છે. પછી ભલે ને ઘરનાં છોકરાં ઘંટી ચાટતાં. જો કે, મેં આ વિદ્યાર્થીઓને અપાતું મધ્યાહ્ન ભોજન જ જમવાનો આગ્રહ રાખ્યો. સંચાલકોને થોડી નવાઈ લાગી. મારી મનોસ્થિતિ એવી હતી કે ત્યારે બીજું કોઈ પણ ભોજન ખાતાં મને અપરાધભાવ સિવાય બીજી કોઈ લાગણી ન થઈ હોત.-
આ છોકરાંઓએ પહેરેલાં કપડાં પર મારી નજર ગઈ. મોટે ભાગે તેમણે મેલાં,ફાટેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. શર્ટનાં તૂટી ગયેલાં બટન એમના એમ જ હોય, તો પેન્ટની બગડી ગયેલી ચેઈન પણ ખુલ્લી કે અધખુલ્લી સ્થિતિમાં જ હોય. અને આ બહુ સહજ સ્થિતિ હતી, જેની તેમને કશી સૂધ નહોતી. આ જોઈને મને કમકમાં આવી ગયાં. એકવીસમી સદીમાં પ્રવેશ્યાનેય હવે એક દાયકો વીતી ગયો. અને
હજીય આ બાળકોની આવી દશા? આપણી જાતને વિકસીત ગણાવવાનો આપણને શો અધિકાર છે? અને આપણા કયા એવા નસીબ છે કે આપણે સુખસગવડો ભોગવીએ? માત્ર અમુક વિસ્તારમાં, અમુક કુટુંબમાં જન્મ લેવાથી જ એમની દશા ને! ખરું જુઓ તો એ આપણા જ ભાંડરડાં કહેવાય!
મારો વારો ક્યારે આવશે? 
આવા આવા અનેક સવાલો મારા મનમાં ઉભા થતા ગયા. મૂલ્યાંકનની ઔપચારિકતા તો મેં પૂરી કરી દીધી અને આ ગામ છોડ્યું, પણ મારા મનમાંથી આ ગામ ખસ્યું નહીં.
પાછા વળતાં સતત વિચાર આવતા રહ્યા કે કંઈક કરવું જોઈએ આપણે. પણ એ કંઈક એટલે શું?
મારાં કુટુંબીઓ અને કેટલાક મિત્રો સાથે આ વાત મેં ચર્ચી. અનેક ચર્ચાઓ પછી પ્રાથમિક ધોરણે એવું નક્કી કર્યું કે ઉત્થાન અને ઉદ્ધારની લાંબીપહોળી વાતો કરવાને બદલે પહેલાં તો તેમને તાત્કાલિક ધોરણે કપડાં પૂરાં પાડવાં. પણ ના, ઉતરેલાં કે જૂનાં કપડાં તો નહીં જ, ભલે ને એ ગમે એવી સારી કે નવા જેવી સ્થિતિમાં કેમ ન હોય! બલ્કે બે જોડી નવો ગણવેશ તેમને આપવામાં આવે તો એમનું એક વરસ ટૂંકું થાય. આમાં દાનનો કે એમને ઉપકૃત કર્યાનો ભાવ ન જ હોય, બલ્કે આવી એમને આવી સ્થિતિમાં જોઈને અનુભવાતી શરમનો અને એને લઈને એક પ્રકારનો ફરજપાલનનો ભાવ હતો.
ન્યૂ જર્સી (અમેરિકા) રહેતા મારા કઝીન ડૉ. શમિક પટેલને મેં આ અંગે વાત કરી અને શમિકે આને બદલે આમ કરવા જેવું છે’, આ રીતે તમે ક્યાં ક્યાં પહોંચી વળશો?’, આવા ગાંડા ન કઢાય જેવી સલાહ, શિખામણ કે સૂચન આપવાને બદલે કાચી સેકંડમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણ નાણાંકીય સહાય કરવાનું વચન આપ્યું. આમ, નાણાંકીય પીઠબળની ખાતરી મળ્યા પછી અમે આગળની કાર્યવાહીનો આરંભ કર્યો.
જયેશ પરમાર: દોરાની સિલાઈ
સાથે પ્રેમના ટાંકા
મારો એક મિત્ર જયેશ પરમાર અમદાવાદમાં દરજીકામ કરે છે. તેને આ યોજનાની જાણ કરી. જયેશે પણ આમાં પોતાનો સહકાર આપવાની ઉત્કટતા દેખાડી અને સાવ મામૂલી માર્જિન લઈને પોતે સિલાઈ કરી આપવાની તૈયારી દેખાડી. એના આધારે ગણતરી કરતાં ગણવેશની એક જોડીની સિલાઈની કિંમત રૂ. ૨૨૫/- બેઠી. એક જોડીમાં વિદ્યાર્થીઓ માટે આખી બાંયનું શર્ટ તેમજ ફૂલ પેન્ટ અને વિદ્યાર્થીનીઓ માટે સલવાર તેમજ કમીઝનો સમાવેશ થાય છે. દરેકને એવી બે જોડી આપવાની હતી. આ કામ સોંપવાનું નક્કી કર્યું એ પછી જયેશ જાતે જ એક દિવસ અમદાવાદથી શરૂપુર ટીમ્બી આવવા નીકળ્યો. પહેલાં ટ્રેન, પછી બસ અને ત્યાર પછી શટલ રીક્ષામાં મુસાફરી કરતાં કરતાં એ શરૂપુર ટીમ્બી પહોંચ્યો. આચાર્ય અને શિક્ષિકાબહેનોના સહકાર વડે તેણે કુલ ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ, એમ કુલ ૬૧ જણનાં ગણવેશના માપ લીધા અને દરેકના નામ મુજબ માપ લખ્યાં. આ માપને આધારે પેન્ટ- શર્ટ તેમજ સલવાર-કમીઝના કુલ કાપડનો અંદાજ આવી ગયો.
હવે અમે તપાસ કરી કાપડ માર્કેટમાં હોલસેલ કાપડ વેચતા વેપારીની. બે-ત્રણ જગાએ ફરીને પૂછપરછ કરતાં એક દુકાનેથી રેમન્ડના તાકા વાજબી ભાવે ખરીદ્યા. આમ, વિદ્યાર્થી દીઠ એક જોડીની કુલ કિંમત રૂ. ૩૫૦/- આવી.
સિવવાનું કામ શરૂ થયું. થોડા દિવસમાં તમામ ગણવેશ તૈયાર થઈ ગયા એટલે દરેકના ગણવેશનું અલગ પેકેટ બનાવીને તેની પર નામ લખી દેવામાં આવ્યાં. નવમી જાન્યુઆરી, ૨૦૧૨એ શાળામાં જવાનું નક્કી કર્યું. યોગનુયોગે ડૉ.શમિક પટેલ ભારતમાં, અને વડોદરામાં હતા. તેમણે પણ સાથે આવવાની તૈયારી બતાવી. વડોદરાના બીરેન કોઠારી સાથે આ કાર્યક્રમ અમલમાં મૂક્યા પછી વખતોવખત વાત થતી રહેતી હતી. તેમણે સાથે આવવાનું કહી જ રાખ્યું હતું. અમે ત્રણેય ઉપડ્યા શરૂપુર ટીમ્બી.
શાળામાં અમારા આવવાની જાણ હતી, તેથી અમારી જાણે કે રાહ જ જોવાતી હતી. બપોરે બેની આસપાસ અમે પહોંચ્યા. આચાર્ય મહેશભાઈ પટેલ અને શિક્ષિકા બહેનો તારાબેન પટેલ તેમજ વીરલબેન પ્રજાપતિએ અમને આવકાર્યા અને સૌ વિદ્યાર્થીઓને એક વર્ગમાં એકઠા કર્યા. 
"હા, સાહેબ! એ હું જ." 
દરેકના મોં પર ખુશાલી જોઈ શકાતી હતી. દરેકનાં નામની યાદી તૈયાર હતી અને દરેકે દરેક પેકેટ પર જે તે વિદ્યાર્થીનું નામ લખેલું હતું. નામ બોલાય એ વિદ્યાર્થી આવે અને પોતાને અપાયેલી બેગ લઈને હોંશે હોંશે પાછો બેસી જાય. એ વખતે એના મોં પરનું સ્મિત જોવા જેવું હોય. એક પછી એક એમ કુલ એકસઠ જણને બબ્બે જોડી ગણવેશ આપવામાં આવ્યા. નવાં કપડાં હાથમાં આવ્યા પછી એમનાથી એને પહેર્યા વિના રહેવાય? જોતાજોતામાં એક રૂમમાં જઈને વિદ્યાર્થીઓએ અને બીજી રૂમમાં જઈને વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે નવાં કપડાં પહેરી લીધાં. અને બહાર આવીને એકબીજાને કેવાક થઈ રહે છે એ ઉત્સાહથી જોવા માંડ્યા. અમુકને બટન વાસતા બરાબર ફાવતું નહોતું. ડો.શમીકે કાળજીપૂર્વક એમને શર્ટનાં તેમજ બાંયનાં બટન બીડી આપ્યાં. આ દૃશ્ય જોઈને અમારાં હૈયાંને જે ટાઢક મળી છે એને શી રીતે વર્ણવવી! સૌના ચહેરા પર છલકાતી ખુશાલીમાં અમનેય ભીંજાવાનો મોકો મળ્યો અને આ પ્રકારના આગામી પ્રોજેક્ટ અંગે વિચારવાની પ્રેરણા મળી.
"લાવ બેટા, બટન વાસી આપું." 
આ પ્રોજેક્ટને પાઈલોટ પ્રોજેક્ટ ગણીએ તો તેની ટૂંકમાં વિગત આ મુજબ છે:
સ્થળ: સરકારી પ્રાથમિક શાળા, શરૂપુર ટીમ્બી. (જિ.વડોદરા)
કુલ વિદ્યાર્થીઓ: ૬૧ (ધો.૧ થી ૫, જેમાં ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ)
અપાયેલા ગણવેશ: ૬૧ ૨ જોડી = કુલ ૧૨૨ જોડી
ગણવેશનું કાપડ: રેમન્ડ્સ
ગણવેશનો રંગ: ડાર્ક બ્રાઉન (પેન્ટ/ સલવાર) અને લાઈટ બ્રાઉન (શર્ટ/કમીઝ)
જોડી દીઠ કિંમત: ૩૫૦/- રૂ.
આમ, આ પહેલા પ્રોજેક્ટનો સફળતાપૂર્વક અંત આવ્યો. પણ ખરેખર તો એ આરંભ છે. પાછા વળતાં આગામી કાર્યક્રમો શી રીતે આગળ વધારવા એ અંગે ઘણી ચર્ચા થઈ અને આવું કંઈક નીપજી આવ્યું.
આગળનો વિચાર એવો છે કે આ પ્રકારની ગુજરાતના અંતરીયાળ વિસ્તારની વધુ ને વધુ શાળાઓને શોધીને તેની પસંદગી કરવી. સામાન્યપણે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સોથી ઓછી હોય છે. એટલે કોઈ મિત્ર યા શુભેચ્છક (દાતા નહીં) આખેઆખી શાળાને જ સ્પોન્સર કરે એ ઈચ્છનીય છે, જેથી કામ સરળ અને ઝડપી બની રહે. (રૂ.૩૫૦/- X વિદ્યાર્થીઓની સંખ્યા). અલબત્ત, આ સૂચન માત્ર છે, ફરજિયાત નથી. ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવા કોઈ ઈચ્છે તો એ વિકલ્પ પણ છે જ. અરે, એક વિદ્યાર્થીને કોઈ સ્પોન્સર કરવા ઈચ્છે તો પણ આવકાર્ય છે.

નવા કપડા પહેરીને દોસ્તારો સાથે ફોટો પડાવવાની મઝા જ જુદી. 

આ પ્રક્રિયામાં નાણાંકીય લેવદદેવડનો ભાગ અત્યંત પારદર્શક છે. સમગ્ર પ્રોજેક્ટ સ્પોન્સર કરનાર મિત્ર કે શુભેચ્છકે ફક્ત બે ચેક આપવાના રહેશે. એક દરજીના નામનો અને બીજો વેપારીના નામનો. આ સિવાય એક, બે, પાંચ કે દસ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ સ્પોન્સર કરનાર મિત્ર પણ આમ કરી શકે યા મનીઓર્ડર/બેન્ક ટ્રાન્સફર/રોકડા/રૂબરૂ/આંગડિયા દ્વારા પણ મોકલી શકે. અમારું કામ એક હાથમાંથી લઈને બીજા હાથમાં પહોંચાડવા પૂરતું જ છે.
એક વાતનું પુનરાવર્તન જરૂરી સમજું છું. મને લાગે છે કે પૂરતાં કપડાં હોવાં એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને આપણા જેવા સુધરેલા ગણાતા લોકોની આ ફરજ પણ છે. કોઈ આ કામ કરે એવી રાહ જોઈને બેસી રહેવાને બદલે કે તંત્રને ગાળો ભાંડવાને બદલે આપણે આટલું કરીએ તોય ઘણું. આમ કરવા પાછળ સેવા કરવાનો કોઈ ભાર મનમાં નથી. બલ્કે ફરજપાલનની જ મુખ્ય લાગણી આ પ્રોજેક્ટ પાછળનું ચાલકબળ છે. ભાવિ આયોજન કે વીઝન-૨૦૨૦ જેવા ભારેખમ શબ્દો વાપરતાંય શરમ આવે છે.
આ એક પ્રોજેક્ટ તો સફળતાપૂર્વક સંપન્ન થયો. હવે? હાલ અમે એવી પ્રાથમિક શાળાઓની તલાશમાં છીએ કે જ્યાંના વિદ્યાર્થીઓને ગણવેશની જરૂરિયાત હોય. પ્રાથમિક તપાસમાં અમને વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના મોગરા ગામની સરકારી પ્રાથમિક શાળા નં.૨ ની જાણકારી મળી છે, જેમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં.૧ અંગે માહિતી મળી છે, જે જૂથશાળા છે અને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૦ છે. મેઘરજ તાલુકાને ગુજરાત સરકારે ડાર્ક ઝોન (અંધારમુલક) તરીકે જાહેર કરેલો છે. પાણીની કાયમી અછત કે ખારાશવાળા વિસ્તારને આ શ્રેણીમાં મૂકવામાં આવે છે.
"એ ફરી આવજો." 
તમારા ધ્યાનમાં આવી કોઈ શાળા હોય તો પણ અમને જણાવી શકો છો. એ રીતેય અમને મદદ મળશે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે અમે કોઈ સ્થાયી ફંડ એકઠું કરવા માંગતા નથી કે એન.જી.ઓ.ની જેમ કાગળના એવરેસ્ટ ખડકીને ફંડીંગ મેળવવાનોય કશો ઈરાદો નથી. મારા તમારા જેવા સંવેદનશીલ મિત્રો હાથમાં હાથ રાખીને કામ કરે અને એક સે એક મિલે તો કતરા બન જાતા હૈ દરિયાના ન્યાયે સાવ સહજ ભાવે કામ થાય એવી અને એટલી જ અપેક્ષા છે.
સૌ પ્રથમ અમે શાળા શોધીએ, તેની વિદ્યાર્થીસંખ્યાને આધારે કિંમતનો અંદાજ માંડીએ અને એ પ્રોજેક્ટ પૂરતા કેટલા નાણાં જોઈશે એ જણાવીશું અને ફક્ત એ પ્રોજેક્ટ પૂરતી રકમ જ એકઠી કરીશું. આને લઈને નાણાંકીય વહીવટનો હિસ્સો સરળ રહેશે. કેમ કે આ આખા કાર્યક્રમમાં મૂળભૂત હેતુ નાણાંકીય વહીવટનો નથી, બલ્કે વસ્ત્રો જેવી મૂળભૂત જરૂરીયાત પૂરી પાડવાનો છે.
વધુ વિગતો માટે આપ મારો સંપર્ક + 91 97129  07779 (cell) પર કરી શકશો યા bhatt.utpal@gmail.com પર ઈમેલ કરી શકશો. 
આપના તરફથી  સહકારની અપેક્ષા સાથે એટલું જ કહીશ કે સાથી હાથ બઢાના’.

આપનો,  

ઉત્પલ ભટ્ટ

બીરેનભાઈનાં અન્ય લખાણો માણવા માટે અહી આપેલી લીક ઉપરથી તેમના બ્લોગ ઉપર જઈ શકાશે.
http://birenkothari.blogspot.in