Thursday, October 2, 2014

લાલકોરબાની યાત્રા

લાલકોરબાની યાત્રા

આશાપરથી ઈટાલી
સોય - દોરાના સંગાથે

        કોઈ સ્ત્રી એમ કહે કે લગ્નનાં દોઢ વર્ષમાં જ મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારે સાંભળનારને જરૂર સહાનુભૂતિ થાય. જ્યારે એ સ્ત્રી એમ ઉમેરે કે વિધવા થઈ ત્યારે મારી ઉમર હતી ૧૪ વર્ષ. ત્યારે તો સાંભળનારને અરેરાટી થઇ જાય.

        આ કોઈ ટી.વી. ધારાવાહિકની વાત નથી. આ સત્યઘટના છે લાલકોરબાનાં જીવનની. કચ્છ જિલ્લાના લખપત તાલુકાનાં આશાપર ગામનાં વાતની અને જીવનનાં પચાસ વર્ષ વટાવી ચૂકેલાં લાલકોરબા પોતાનાં જીવનની આ દુ:ખદ યાદોમાં ખોવાઈ જતાં થોડાં ઉદાસ થઈ જાય છે.૭૧ની લડાઇ સમયે પાકિસ્તાનમાંથી પહેરેલે કપડે ભાગી છૂટેલા આ સોઢા પરિવારો પાસે કંઈ જ મૂડી નહોતી. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને લીધે લાલકોરબાનાં લગ્ન તેમનાથી સોળ વર્ષ મોટા, ક્ષયપીડિત પુરૂષ સાથે થયેલાં.જે લગ્નના દોઢ વર્ષમાં જ અવસાન પામ્યા. હવે કુટુંબમાં તો બે દેર સિવાય કોઈ જ નહોતું. તેઓ ત્રણે અન્ય કુટુંબો સાથે ભારત આવવા પગપાળા નીકળી પડ્યાં. ઊંટ હતા પણ તેના ઉપર ગર્ભવતી અને નાનાં બાળકોવાળી સ્ત્રીઓ બેસતી. દરરોજના પાંચ ગાઉ કાપીને તેઓ સહુ પંદર દિવસે રાજસ્થાન પહોંચ્યાં.રસ્તાની હેરાનગતિની તો વાત જ ન થાય. ખાવા-પીવા-સૂવા, શેનાંય ઠેકાણાં નહીં.
        રાજસ્થાનથી ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામમાં ગયાં.ત્યાં પણ ઠરીઠામ થવાય એવું ન હોતાં, લખપત તાલુકાનાં કુરિયાણી અને ત્યાંથી માતાના મઢ ગયાં.છેવટે સાથેનાં પશુધન માટે કરીને,આશાપર ગામમાં તળાવ હોવાથી ત્યાં રહેવાનું નક્કી કર્યું.પહેલાં થોડા લોકોએ આશાપરમાં જાતે જ ભૂંગા બનાવ્યા અને પછી સહુ ત્યાં રહેવા ગયા.
        લાલકોરબાને પોતાની કોમના રીતિરિવાજોની મર્યાદા હોવાથી તેઓ બહાર કાંઈ કામ કરવા તો જઈ શકે તેમ નહોતાં. તેથી હાથનો હુન્નર એવું ભરત વેંચવાનું શરૂ કર્યું.ત્યારે કોઇનો ટેકો હતો નહીંવચેટીયાઓ આવે અને જેટલા પૈસા ચૂકવે તેનાથી સંતોષ માનવો પડતો. લાલકોરબાને પોતાની કોમનું પકો ભરત આવડે. પછી તેઓ હરિજન કોમનું નેરણ ભરત પણ શીખ્યાં.
        એ સમયે ત્યાં કચ્છ મહિલા વિકાસ સંગઠન નામની સંસ્થાનાં કાર્યકરો આવતાં. લાલકોરબાએ તેમની સાથે જોડાણ કર્યું.બીજાં કારીગર બહેનો પણ સંકળાયાં.આ સંસ્થા ભરતની ગુણવત્તા જળવાય તેની ખૂબ ચોકસાઈ રાખતી. તેમાં જરાય બાંધછોડ કરવામાં આવતી નહીં. એટલે ધીમેધીમે બીજાં કારીગર બહેનોએ કામ મૂકી દીધું. પણ લાલકોરબાએ કામ ચાલુ રાખ્યું.તેઓ આશાપરથી દયાપરની ઓફિસે જતાં થયાં.ઘણીવાર તેઓ માતાના મઢથી આશાપર એટલે કે ૧૮ જેટલા કિ.મી.ચાલતાં જતાં. કુટુંબનો તેમને ટેકો હતો.ગામલોકો ટીકા કરતા પણ સાથે એ પણ સમજતા કે લાલકોરબાને પૈસાની ખૂબ જરૂર છે.
        અત્યારે લાલકોરબા સંસ્થામાં બે દાયકા જેટલો સમય પૂરો કરવાની નજીક છે. હવે તેઓ ભરતકામની સાથે બચત, શિક્ષણ,આરોગ્ય અને કાયદાના મુદ્દે પણ કામગીરી કરે છે. એક સમયે ઘરની બહાર પણ ના નીકળનાર લાલકોરબા કારીગર પ્રતિનિધિ તરીકે વિવિધ પ્રદર્શનોમાં બેંગલુરૂ, પૂના, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જઈ આવ્યાં છે. એટલું જ નહીં, ઈટાલી પણ જઈ આવ્યાં છે. ત્યાં "આ મશીનનું ભરત છે" તેમ માનતા લોકો સામે તેમણે ભરત ભરીને બતાવ્યું હતું.
        તેઓને પાસપોર્ટ માટે ઘણી તકલીફો પડી હતી.આશાપર ગામનાં બહેનોએ તો લાલકોરબાને પાસપોર્ટ મળી જાય તે માટે માનતાઓ રાખી હતી ! લાલકોરબા માટે આ પાસપોર્ટ બેવડી ખુશી લઈ આવેલો. કેમ કે, તે ઈટાલીની સાથે લાલકોરબાને પોતાના પરિવારને મળવા માટેનો પણ પરવાનો હતો. ૧૯૭૧ પછી પહેલીવાર લાલકોરબા પાકિસ્તાનમાં રહેતાં પોતાનાં કુટુંબને મળવા જઈ શક્યાં. એ માટે તેઓ સંસ્થાનો અને તેના કાર્યકરોનો ખૂબ આભાર માને છે. કેમ કે તેઓ ના હોત તો પાસપોર્ટ મેળવવો લગભગ અશક્ય બની જાત.
        પોતાની કોમ અને પોતાના જ વિસ્તારના લોકો સાથે કામ કરવું ઘણું અઘરું હોય છે. ખાસ કરીને જ્યારે તે કામ સાથે પૈસા જોડાયેલા હોય. પણ, લાલકોરબા આ કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતર્યાં છે.તેઓ પોતાની દેરાણી કે ભત્રીજીનાં ખરાબ ભરતના પૈસા એક પણ ક્ષણ વિચાર્યા વિના કાપી લે છે.યોગ્ય ના લાગે તો તેમને કામ ના પણ આપે કે ના તો સંસ્થાને એમ કરવાની ફરજ પાડે. એટલે જ આખાં લખપતમાં તેમનું ખૂબ જ માન છે. ગામનાં અન્ય બહેનો તથા લખપતનાં ૧૫ ગામો લાલકોરબાને લીધે જ સંસ્થા સાથે જોડાયાં છે. હવે તો તેઓ જરૂર પડે ગામોમાં રાત પણ રોકાય છે. આશાપરની બહેનોના ઘરના લોકો લાલકોરબા સાથે હોય છે એટલે જ પોતાની બહેનોને ગમે ત્યાં જવા આપે છે.
        લાલકોરબા કોઈથી ગભરાતાં નથી. લોકો શું કહેશે? તેવું વિચારતાં નથી.પોતાનાં વિધવા દેરાણીને આંગણવાડી સંભાળવા તૈયાર કર્યાં છે. તેઓ માને છે કે :"બારે નીકળીને કાંઈ ખરાબ ના થાય. આપણામાં તાકાત હોવી જોઈએ.સમાજનો સામનો તો કરવો પડે." એક સમય હતો જ્યારે તેમને કોઇ પૈસા ઉધાર આપવા તૈયાર નહોતું. હવે લાલકોરબા પાસે લોકો પૈસા ઉધાર લેવા આવે છે.તેઓની ખાસિયત છે કે કોઇ કામને નાનું ન ગણવું.
એટલે જ ગામનાં આગેવાન હોવા છતાં તેઓ સંસ્થાના કાર્યકરના સ્તરનું કામ કરી લે છે. તેમને કચ્છ કૌશલ્યા પારિતોષિક પણ મળેલું છે. એટલું જ નહીં, કચ્છ મહિલા વિકાસ સંગઠનના હસ્તકલા યુનિટ કસબ સાથે લાલકોરબાનો એવો તો દિલનો નાતો છે કે કસબની કારોબારીમાં તેમને ગામની બહેનોએ પસંદ કર્યાં છે.

        લાલકોરબામાં પણ ઘણાં દૂષણો,વ્યસનો હતાં. તેની સાથે લડીને અને સંસ્થાના કાર્યકરોના ટેકાથી તેમાંથી તેઓ બહાર આવી ગયાં છે.પોતે તો આગળ વધ્યાં જ,સાથે બીજાં બહેનોને પણ આગળ લાવવામાં તેમનો મોટો ફાળો છે.
('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમ તરીકે પ્રકાશિત)
2 comments:

  1. બીરેન કોઠારીOctober 3, 2014 at 1:24 AM

    વાહ! સરસ અને પ્રેરક કથા!

    ReplyDelete