Tuesday, March 29, 2016

સલામતીનો સવાલ


મહિલાઓની સલામતીની વાત આવે એટલે જાતજાતની ચર્ચા શરૂ થઇ જાય. કેટલાય મત આવી જાય. કેટલીયે યોજનાઓની વાત સામે મૂકવામાં આવે. પણ હકીકત એ છે કે મહિલાઓની સલામતી માત્ર આવી ચર્ચાઓમાં અને અભિપ્રાયોમાં જ બંધાઈ ગઈ છે. પણ જયારે બહેનો સાથે રૂબરૂ વાત થાય ત્યારે એ અહેસાસ થાય કે એક પણ જગ્યા બહેનો માટે સલામત નથી. તે નોકરી કરતી હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થિની હોય, ગામ કે શહેરમાં રહેતી બહેન કે પછી સરપંચ હોય. દરેકને એ મહેસૂસ થાય છે કે એ કોઈ જગ્યાએ સલામત નથી.
અસલામતી તો એટલી બધી છે કે માતાનો ગર્ભ પણ અસલામત છે. આવી વાત કહેતી બહેનો અસલામત જગ્યાઓની આખી યાદી બનાવે નાખે છે. ત્યારે એવું લાગે કે ખરેખર આ આખી દુનિયામાં સ્ત્રીઓ માટે સલામત હોય એવી કોઈ જગ્યા નથી. આ અતિશયોક્તિ નથી, પણ કમનસીબે વાસ્તવિકતા છે. આપણા કચ્છ જિલ્લાની બહેનોના મોઢેથી સાંભળેલા તેમના અનુભવો છે.
કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. પણ ઘણી બધી બહેનો માટે ઘર પણ સલામત નથી. પિતા, પતિ, પુત્ર, ભાઈ, સસરા, દિયર, જેઠ.. કોઈ પણ સંબંધ હોય, કેટલીયે મહિલાઓને અગણિત કડવા અનુભવો થાય છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં આ વાત કહી શકે છે, કેમ કે પોતાનાં ઘરની “આવી” વાત કેમ કહેવી? એ તો સહન જ કરવી પડે ને?
“ઘરની બહાર નીકળીએ તો રસ્તોય ક્યાં સલામત છે? હું તો રીક્ષા કરવાને બદલે પગે જ જાઉં બધે હોં.” કહેતી બહેન આગળ ઉમેરે છે કે એટલે રોજ દસેક કિલોમીટર તો હાલવું જ પડે. એટલે બીજી બહેન ઉમેરે છે : રીક્ષાની ક્યાં વાત કરે છે? બસ કે કોઈ પણ વાહન ક્યાં સલામત છે આપણા માટે? દારૂડિયા લોકો ચડે. તેમના અને બીજાના અણગમતા સ્પર્શનો અનુભવ તો રોજ હોય. અરે, ડ્રાઈવર અરીસામાંથી ઈશારા કરે એવુંયે બને છે. જાતે વાહન ચલાવીએ તો જાણીજોઇને નજીકથી વાહન ચલાવનારાયે છે અને પીછો કરનારા પણ છે. બસમાં અપડાઉન કરવામાં તો રોજની તકલીફો છે. નવી જોડાયેલી શિક્ષિકાને આઠમા-નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન કરે તેવા પણ અનુભવ હતા.  
એટલે કોઈ પણ નોકરી કરતી બહેનોય અસલામતી અનુભવે છે. પછી એ આશાવર્કર હોય કે આચાર્યા. સૂના વિસ્તારોમાં રસીકરણ માટે જતી આશાવર્કરને અસલામતી લાગે છે અને ઘરકામ માટે જતી બહેનોને પણ ડર લાગે છે. નર્સની કામગીરી કરતી બહેનોને લાગે છે કે રાતની ડ્યુટી તેમના માટે સલામત નથી. કંપનીમાં કામ કરતી બહેનોને પણ અસલામતી લાગે છે. અરે, સરપંચ બહેનોને પણ ઘણા પુરુષ અધિકારીઓથી કડવા અનુભવ થાય છે.
પેટીયું રળવા કચ્છ બહારથી આવેલી બહેનોને તો વળી આર્થિક અસલામતી પણ લાગે છે. આખો મહિનો કામ કરીને વળતર ના આપ્યું હોય તેવી ઘટનાઓ પણ છે. દારૂડિયા પતિની મારપીટ તો રોજની હોય છે. ફાઈબરના કાચાં મકાનોમાં રહેતી બહેનો સતત એ ફડકા સાથે જીવે છે કે એક લાતથી ખુલ્લાં થઇ જતાં મકાનમાં કઈ પણ થઇ શકે છે. અન્ય રાજ્યોમાંથી પરણીને આવેલી બહેનો ઘરમાં સલામતી નથી અનુભવતી. અજાણી ભાષા, અજાણ્યો વિસ્તાર, અજાણ્યા લોકો... એક બહેન હિન્દીમાં કહે છે કે અમારું શોષણ તો ઘરના પુરુષ સભ્યો જ કરે છે. કારણ કે તેમને ખ્યાલ છે કે અહી આનું કોઈ નથી. કોણ મદદ કરશે એને અને એ જશે પણ ક્યાં?
અલબત્ત, સંવેદનશીલ પુરુષો પણ છે, બસ, તેમની સંખ્યા ઓછી છે. કુટુંબનો સાથ મળે છે એવી બહેનોને અન્ય લોકોથી અસલામતીનો અનુભવ થાય છે. દરેક બહેનનો એક જ સૂર હતો કે આ સમાજમાં થોડી સમજ આવે, બહેનો માટે તેની દ્રષ્ટિ બદલાય તો સારું.. અને આ સમાજ એટલે તો કોણ? આપણે જ.

(કચ્છમિત્રમાં તા. ૨૪-૩-૨૦૧૬ના પ્રકાશિત)

1 comment: