Saturday, September 13, 2014

હું ને ચંદુ

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…હું ને ચંદુ…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…હું ને ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…હું ને ચંદુ…
-રમેશ પારેખ

કૂંચી આપો, બાઈજી !

કૂંચી આપો, બાઈજી !
તમે કિયા પટારે મેલી મારા
મૈયરની શરણાઈ જી !
કોઈ કંકુ થાપા ભૂંસી દઈ
મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢણની મરજાદા લઈ
મને પાંચીકડાં પકડાવો.
ખડકી ખોલો બાઈજી !
તમે કિયા કટાણે પોંખી મારા
કલરવની કઠણાઈજી !
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
મારી નદિયું પાછી ઠેલી !
મારગ મેલો બાઈજી !
તમે કિયા કુહાડે વેડી મારા
દાદાની વડવાઈજી 
- વિનોદ જોષી 

પગલું મેં માંડ માંડ..

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!
હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.
પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
- ગીતા પરીખ

સકલ મારું ઝળહળ

સકલ  મારું  ઝળહળ
મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર  મારું   ઝળહળતું ….મેં  તો
મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો
કે મન  મારું  ઝળહળતું
પછી ડમરો રેલમછેલ    રેલ્યો
કે  વન  મારું  ઝળહળતું    મેં તો
મેં  તો કૂવા  પર   દીવડો  મેલ્યો
કે  જળ  મારું   ઝળહળતું
પછી  છાયામાં  છાયો  સંકેલ્યો
કે  સકલ  મારું  ઝળહળતું ….મેં  તો
મેં  તો  ખેતર  પર  દીવડો   મેલ્યો
કે  પાદર  મારું  ઝળહળતું
પછી  અવસર  અજવાળાનો  ખેલ્યો
કે  અંતર  મારું  ઝળહળતું …..મેં તો
મેં  તો  ડુંગર  પર  દીવડો   મેલ્યો
કે  ગગન  મારું   ઝળહળતું
પછી  અણદીઠો   અક્ષર ઉકેલ્યો
કે  ભવન  મારું  ઝળહળતું  …..મેં તો
-દલપત પઢીયાર

ઝાઝું વિચારવું જ નહીં

ઝાઝું વિચારવું જ નહીં
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતાં તો ધારવું જ નહીં….
ઝાઝું વિચારવું જ નહીં
રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર, પળભર પણ ઝળહળ થઈ રહેવું
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને, ભીંજવવા આરપાર વહેવું.
…………………. આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું ને મનને તો મારવું જ નહીં
ઝાઝું વિચારવું જ નહીં
ઘુવડની આંખ્યુંમાં ચોંટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત
આગિયાના ગામમાંથી ચૂંટાયા હોત ને તો આજે તો સૂરજ હું હોત
…………………… સ્મરણો તો હંમેશા આ રીતે પજવે, તો કંઈ પણ સંભારવું નહીં
ઝાઝું વિચારવું જ નહીં
સરનામા પૂછી પૂછીને જે વરસે ઈ વાદળ નહીં બીજા છે કોક
ભીંજાવા માટે પણ પાસવર્ડ માગે ઈ ચોમાસા કરવાના ફોક
……………………. છાંટોયે હેતથી ના વરસી શકાય એના કરતાં અંધારવું જ નહીં
ઝાઝું વિચારવું જ નહીં.
--- કૃષ્ણ દવે 

ઈડલી, ઓર્કિડ અને હું

આ વાત છે એક એવા હોટેલિયરની, જેણે નાનકડી ઉડીપી હોટલમાં બેસીને ફાઈવસ્ટાર હોટેલનું સપનું જોયું અને તેને સાકાર પણ કરી બતાવ્યું. તે સ્વપ્નદ્રષ્ટાનું નામ વિઠ્ઠલ કામથ. 

આ યાત્રાના તેમના અનુભવનો અર્ક એટલે ઈડલી, ઓર્કિડ અને હું. મૂળ મરાઠીમાં લખાયેલી આ અનુભવયાત્રાનો રસાળ ગુજરાતી અનુવાદ કર્યો છે અરુણાબહેન જાડેજાએ.

વિઠ્ઠલ કામથનો પરિવાર જ હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલો. એટલે નાનકડા વિઠ્ઠલને પહેલથી જ એ વાતાવરણ મળેલું. માતા-પિતા, ભાઈ-બહેનો અને પ્રેમાળ પડોશીઓ સાથેની ઘટનાઓ ખરેખર માણવાલાયક છે.

વિઠ્ઠલ કામથનું સપનું પાછું નાનું નહિ. તે સાકાર કરવાની તૈયારી પણ એટલી જ મોટી. હિંમત, સાહસ, નિર્ણયશક્તિ, હકારાત્મકતા, લડી લેવાની તાકાત, અનુભવમાંથી શીખવાની આવડત, પડકાર ઝીલવાની શક્તિ, નિષ્ફળતા પચાવીને ફરી ઉભા થવાનું જીગર... આ બધી બાબતોના અનુભવોનો સરવાળો એટલે ઈડલી, ઓર્કિડ અને હું.


એક સફળ વ્યાવસાયિકની આ સફર, આ ક્ષેત્રમાં પાડવા માંગતા નવોદિતોને ઘણું ઘણું શીખવે છે. સાથે આ પુસ્તક વાંચનાર દરેક વ્યક્તિ પોતાના જીવન માટે ઘણું શીખી શકે છે,

તોત્તોચાન

શાળા.. આ શબ્દ સાંભળીને મોટી ઈમારતો, વિશાળ વર્ગખંડો, કડક શિક્ષકો એવું કેટલુંય આપણી નજર સામે ખડું થઇ જાય. પણ એવું બને તો કે આવું કંઇ જ ના હોય, છતાં શાળા હોય તો? કેવી મજા આવે !! આ વર્ણનથી પણ સરસ એવી એક સાચી શાળાની વાત કરે છે તોત્તોચાન.

આ નામ છે એક પુસ્તકનું અને પોતાની શાળાની વાત કરનારી નાનકડી નાયિકાનું. તેત્સુકો કુરુનાયોગી એટલે કે તોત્તોચાન. તેની શાળા, પ્રિન્સિપાલ અને શાળાની ભણાવવાની પદ્ધતિ વિશેની વાત, તોત્તોચાનની જબાને. ખૂબ સુંદર, રસાળ અનુવાદ છે શ્રી રમણ સોનીનો. 

એક શાળા બાળકનું ઘડતર કેવી રીતે કરી શકે તેની આ સત્યઘટના છે. ભણવાનું તો છે જ, સાથે જીવનનાં મૂલ્યો પણ ક્યારે મનમાં રોપાઈ જાય તેની વાચકોને પણ ખબર નથી પડતી. વળી ક્લાસ અને શિક્ષકો પણ આગવા.. ખેડૂત શીખવે પર્યાવરણ. સ્વીમીંગ પુલનાં પાણીમાં રમતાં રમતાં શીખાય કે સ્ત્રી-પુરુષના શારીરિક તફાવતો હોય કે શારીરિક તકલીફો, એ કોઈ મહાન બાબત નથી.

ટ્રેનના ડબ્બામાં શાળા હોય એવી કલ્પના કદી આવે કે? તોત્તોચાનની શાળા સાચે જ એવી હતી, સાચી ટ્રેનના ડબ્બામાં ક્લાસ હોય તેવી. પણ ત્યાં સુધીની સફર કાપતાં શું તકલીફ પડી હતી, તે તો તોત્તોચાનની માતા જ જાણતી હતી. બાળકોની સાહજિક ચંચળતા તોત્તોચાનમાં પણ હતી. તેને લીધે એક પણ શાળા તેને રાખવા તૈયાર નહોતી. તોત્તોચાનનાં જાતજાતનાં પરાક્રમોની કેટલીય ઘટનાઓ ઘટ્યા પછી તેને શ્રી કોબાયાશીની આ અદભૂત અને અજોડ શાળામાં પ્રવેશ મળ્યો હતો.
        બાળમાનસમાં મૂલ્યો અને શિસ્તનાં બીજ કેવી રીતે રોપવાં તે શ્રી કોબાયાશી જાણતા હતા. દરેકને માન આપવું, શારીરિક તફાવતોને નજરઅંદાજ કરીને એક માનવ તરીકે વિકસવું, બધું જ ખાતાં શીખવું, રમતગમતમાં જીતવા કરતાં ભાગ લેવો મહત્વનો છે તે સમજવું... આવું તો કેટલુંય આ શાળામાં હતું. પૌષ્ટિક ખાવાની અઘરી વાતને “થોડું દરિયામાંથી અને થોડું પહાડમાંથી” જેવી રસપ્રદ રીતે સરળ બનાવવામાં આવી હતી.
        શ્રી કોબાયાશીએ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ કે પછી શિક્ષણ અને બાળમાનસ જેવા ભારે ભરખમ વિષયો ઉપર કોઈ સેમિનાર નહોતા યોજ્યા કે નહોતા લખ્યા લેખો. વિશ્વની સારી ગણાતી શાળાઓની મુલાકાત લીધી અને જે સારું લાગ્યું તે અપનાવીને પોતાની શાળામાં અમલમાં મૂકયું. ડોનેશન, વાલી અને બાળકના ઇન્ટરવ્યુ, બિનજરૂરી ઇતરપ્રવૃત્તિઓ જેવી ભારતીય શિક્ષણપ્રણાલીની તદ્દન વિરુદ્ધની આ વાત છે. એટલે આપણા પરંપરાગત માનસમાં આ વાત ઉતારવી અઘરી છે. એટલે જ તોત્તોચાન પુસ્તકના વખાણ ખૂબ થયાં, પણ તેની શિક્ષણ પદ્ધતિઓ કેટલી શાળાએ અપનાવી હશે? માત્ર સરસ સૂત્રો આપવાથી યોજનાનો પ્રચાર થાય, શિક્ષણની સ્થિતિ તો એ જ હોય. 

શિક્ષણપ્રેમી દરેક વ્યક્તિએ વાંચવા અને વસાવવા જેવું આ પુસ્તક છે. એક વાર વાંચવાનું ચાલુ કર્યા પછી એકીબેઠકે પૂરું કરીને જ હાશ થશે એવું રસમય છે આ પુસ્તક. એટલું જ નહિ. વારંવાર વાંચવું પણ ખૂબ ગમશે તેની ગેરંટી.
L

સુખને એક અવસર તો આપો.

સમયની રીતે જોઈએ તો આ પુસ્તક જૂનું કહી શકાય તેવું છે. પણ અમુક પુસ્તકોને સમય સ્પર્શી શકતો નથી. આ પુસ્તક પણ એવું જ છે. જયારે વાંચો ત્યારે નવો અર્થ પ્રગટાવવા સમર્થ.

મોટા ભાગના લોકોની જિંદગી ફરિયાદો કરવામાં જ વીતી જતી હોય છે. નાની નાની ખુશીઓ તો અઢળક હોય છે સામે. પણ રોદણાં રોવામાં મશગુલ હોય, તેને તે ક્યાંથી દેખાય? સંબંધની મીઠાશ, તંદુરસ્ત શરીર, અવનવી તક, સરસ સંજોગ.. કુદરતના પાલવમાં કંઇ કેટલુંય હોય છે. પણ મનથી ખાલી માનવ આ માણી શકતો નથી, સુખ અનુભવી શકતો નથી. એટલે જ આ પુસ્તક કહે છે કે સુખને એક અવસર તો આપો.
ફિલ બોસ્મન્સનાં મૂળ પુસ્તક “ધ નોટ્સ ટુ માયસેલ્ફ”નું ગુજરાતી કર્યું છે શ્રી મહેશ શાહે. વિષયને અનુરૂપ ખૂબ સરસ ફોટોગ્રાફ્સ પુસ્તકની શોભા વધારે છે. લાંબું વાંચવું ના ગમતું હોય એને પણ આ પુસ્તક એક વાર ખોલ્યા પછી જલદી બંધ કરવું નહિ ગમે. કેમ કે તેની નાની નાની વાતો જીવનમાં બહુ મોટી અસર કરે તેવી છે. જીવનનાં દરેક પાસાં આ પુસ્તક આવરી લે છે. એટલે કોઈને જન્મદિવસની યાદગાર ભેટ તરીકે આપવા આ પુસ્તક શ્રેષ્ઠ પસંદગી બની રહે તેમાં બેમત નથી.

પ્રેમમાં ચાલને

-- હરિન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થઈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થઈ ચાલ્યા કરીએ.

ચાલ સખી

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,

ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.
વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,

પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ
.
ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

-- ધ્રુવ ભટ્ટ.