Saturday, September 13, 2014

આચમન

  •    આપણે આપણી જાતને જે છીએ તે સ્વીકારતા નથી. આપણે આપણી જાતને જે માનીએ છીએ તે તરીકે સ્વીકારીએ છીએ.
  •     અસલી અર્થાત્, એક્ટીવ જીવન એટલે મન, બુદ્ધિ, હૃદય, આત્મા જે કહે છે, એને માની એ પ્રમાણે જીવવું. ભલે બધા દેશી કહે તો દેશી, પણ ગુજરાતી થાળી જમવાની મજા આવતી હોય તો એ જમવું એટલે અસલી જીવન.
  •    સ્વપ્નને વાસ્તવિક મહેનતનો ટેકો નહિ મળે તો સ્વપ્ન ધૂળધાણી થઇ જશે. ભવ્ય અને ક્રાંતિકારી વિચારો તો ઘણાને આવે છે, પણ જેઓ તેની ઉપર કામ શરૂ કરે છે, તેઓ જ ઇતિહાસમાં સ્થાન પામે છે.
  •      શું સારું કે શું ખરાબ, શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ એ આપણે નક્કી કરવા જઈએ તો અવશ્ય ગૂંચવાઈ જશું. પરંતુ, જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગ્રત હોઈએ તો ઘણા રસ્તા ખૂલવા માંડે.
  •    અને તરસ છે તો ચોક્કસથી ક્યાંક પાણી હોવાનું જ. કારણ કે કુદરત એટલી નિષ્ઠુર તો નથી જ કે જે તરસનું નિર્માણ કરે અને પાણીની શોધ જ ન કરે, કુદરત એટલી તો નિર્દયી ન જ હોય કે ખાલીપો આપે અને ભરપૂર જીવનની શક્યતા ન આપે, કુદરત એવી દયાહીન તો નથી જ કે શોધ કરવાની લગન આપે અને શોધ કરવાની શક્તિ ના આપે. જો તરસ છે, તો પાણી હોવાનું અને હોવાનું જ.  

--  ચિનગારી
-- મૂકેશ મોદી

તું મૈત્રી છે

- સુરેશ દલાલ 
તું વ્રુક્ષનો છાંયો છે, નદીનું જળ છે
ઊઘડતા આકાશનો ઉજાસ છે;
                        તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે સહવાસ છે:
                        તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસને રાત છે
કાયમી સંગાથ છે:    
                        તું મૈત્રી છે. 
હું થાકું છું ત્યારે તારી પાસે આવું છું
હું છલકાઉં છું ત્યારે તને ગાઉં છું
હું તને ચાહું છું:
                        તું મૈત્રી છે.
તું બુધ્ધનું સ્મિત છે, તું મીરાંનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નીત છે
                        તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
                        તું મૈત્રી છે.
તું સ્થળમાં છે: પળમાં છે:
તું સકળમાં છે અને તું અકળ છે
                        તું મૈત્રી છે. 

વાંસલડી ડૉટ કૉમ

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…
- કૃષ્ણ દવે

આચમન

  • હું શીખ્યો નથી. મેં જાણ્યું છે. શીખવા કરતાં જાણવું વધુ યોગ્ય છે તે હું સ્વીકારું છું.
  • એટલે જાણ્યા પછી પણ કંઈક જાણવું તો બાકી રહેતું જ હોય છે. કેવું મજાનું !
  • કોઈની પાસેથી સાંભળેલું અન્યને કેવી રીતે સમજાવી શકાય તે મને આવડતું નથી. હું તો મને જે સમજાયું છે તે જ કહી શકીશ.
  • કશું બનીને આગળ વધે તેના કરતાં તેમનો વિકાસ થાય તેવું હું કરું.
  • માણસ દરેક ઘટના કે વર્તનનું પોતાને ગમે તેવું જ અર્થઘટન કરવાનું કેમ શીખતો હશે તે મને ખબર નથી પડતી.
  • કંઈ પણ છોડવા કે નવું કરવા માટે અન્યની આજ્ઞા શા માટે લેવી પડે?
  • તારે શું કરવું તે તારા સિવાય કોઈ નક્કી ના કરે તો સારું.
  • કોઈનું કહ્યું કોઈ રોકાયું છે?
  • પ્રેમ સદા હોય જ છે. આકાશની જેમ તે સર્વવ્યાપી છે. વાદળથી ઢંકાયેલું હોય, રાતના અંધકારમાં છુપાયેલું હોય કે બંધ ઓરડામાંથી ના દેખાતું હોય; તો પણ, આકાશ ક્યારેય ના હોય એવું બને છે? પ્રેમ હોય છે. તે કરી શકાય કે મટાડી શકાય નહિ. 
  • કોઈ પણ વ્યકિત કે સમાજ આપણી સાથે સહમત થાય, આપણું સારું ઈચ્છે કે કરે તેના તરફ થાય અને તેથી વિરુદ્ધનું કરે તેના તરફ ના થાય તે લાગણીને બીજું ગમે તે કહી શકાય, પણ પ્રેમ નહિ.
  • સામે અને સાથે રહેવાથી કોઈને કંઈ આપી શકાય તે વાત હું નથી માનતી.
  • તેં એવો કોઈ ભાળ્યો છે જે પોતાને કહેતો હોય એ જ બીજાને કહે?
- અતરાપી 
- ધ્રુવ ભટ્ટ.

ઓચિંતું કોઇ

ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.

-ધ્રુવ ભટ્ટ.

આપણે તો એટલામાં રાજી

આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી
એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,
તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તો ય રોમ રોમ ઊણી પલાશ
એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી વાગી
આપણે તો એટલામાં રાજી
પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય
કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા
કોઈ પૂછે તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી

-- રમણીક સોમેશ્વર.

આ સઘળાં ફૂલોને

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
— - કૃષ્ણ દવે

રીંછ એકલું ફરવા ચાલ્યું

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી !

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણઃ
મારે ઘેર  પધારો  રાણા, રાખો મારું ક્હેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં,ચાખોજી મધ મીઠું,
નોતરું દેવા  ખોળું  તમને – આજે મુખડું દીઠું !

રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘની લૂમેલૂમ’
ખાવા  જાતાં   રાણાજીએ   પાડી   બૂમે બૂમ !
મધપુડાનું વન હતું એ –નહીં માખીનો પાર,
બટકું પૂડો  ખાવા  જાતાં  વળગી  લારોલાર !!

આંખે,  મોઢે,  જીભે,  હોઠે ડંખ  ઘણેરા લાગ્યા,
‘ખાધો બાપ રે!’કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !
-- રમણલાલ સોની

ઊંટ કહે

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“
અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
– દલપતરામ

આ થાશે, તે થાશે

આ થાશે, તે થાશે, શું થાશે ?થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં, પાછું મન વિશે થાય : સાલું આવું ?અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.
આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે.
- રમેશ પારેખ